Monthly Archives: મે 2017

સરદારસિંહ રાણા


સરદારસિંહ રાણા ! (૧૦-૦૪-૧૮૭૦_૨૫-૦૫-૧૯૫૭)

આ નામમાં જ કંઈક એવું ચુંબકીય તત્ત્વ લાગ્યું કે જ્યારથી ડૉ.શરદ ઠાકર લિખિત સિંહપુરુષ વાંચી ત્યારથી એ નામ પર આદર અને ગર્વની લાગણી અનુભવાતી હતી. ત્યારબાદ પાક્કું યાદ નથી પણ લગભગ વિષ્ણુ પંડ્યા લિખિત #ઉત્તિષ્ઠ_ગુજરાત માં પણ આ નામ વાંચ્યું અને ત્યારબાદ અહીં ગાંધીધામમાં ક્ષત્રિયોનો એક કાર્યક્રમ હતો ત્યાં પણ આ નામ જાણ્યું… એ દરમ્યાન મિત્ર પૃથ્વીરાજ રાણા અને યોગરાજસિંહ ઝાલાની સાથે અનુક્રમે કોમેન્ટ અને વાતચીતમાં આમના વિશે સાંભળ્યું છે.

આ વિશે ગઈકાલે મેહૂલભાઈની fb પોસ્ટ તેમજ નકુલસિંહ ગોહિલની બ્લોગ પોસ્ટ વાંચી અને આજે સરદારસિંહ રાણાની પૂણ્યતિથી પર ફરીથી  સ્વામી સચ્ચિદાનંદની “શહીદોની ક્રાંતિગાથા”માં  સરદારસિંહ રાણાનું પ્રકરણ વાંચ્યું. એમાંથી અમુક અંશો –

  • રાણા લીંબડી તાલુકાના કંથારિયા ગામના વતની હતા. તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાંધીજી પણ માથે પાઘડી બાંધીને તેમની સાથે ભણવા આવતા. પછી મુંબઈ ઉચ્ચ શિક્ષણ  માટે ગયા. મુંબઈથી પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. અહીનું શિક્ષણ પૂરું કરીને લીંબડીના દરબારની સલાહ અને મદદથી બાર એટ-લો થવા માટે લંડન ગયા…… વકીલ થવાની જગ્યાએ તેઓ હીરાના વ્યાપારી થઇ ગયા.

 

  • રાણાને શ્યામજી કૃષ્ણવર્મા મળ્યા. શ્યામજી લંડનમાં બેઠા બેઠા આવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ધારામાં દોરતા રહ્યા.

 

  • રાણા પોલેન્ડ, તુર્કસ્તાન વગેરે દેશોમાં ગયા અને બોમ્બ બનાવવાની પદ્ધતિ શીખી લાવ્યા.

 

  • કર્નલ વાયલીને ઠાર મારનાર મદનલાલ ઢીંગરાને પિસ્તોલ પૂરી પાડનાર રાણા જ હતા.

 

  • 1907માં તેઓ જર્મની ગયા અને આંતરરાષ્ટ્રીય સમાજવાદી સભામાં ભાગ લીધો. રાણાની પ્રેરણાથી જ મેડમ  કામાએ પ્રથમવાર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. (નકુલસિંહની બ્લોગ પોસ્ટ રેફરન્સ મુજબ  – આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) તેમની પ્રવૃત્તિથી બ્રિટીશ સરકાર સાવધાન થઈ ગઈ હતી. તેમને પકડવા વોરન્ટ કાઢવામાં આવ્યું. …..અંગ્રેજ સરકારે વોરન્ટ તો કાઢ્યું પણ રાણા ફ્રેંચ નાગરિક હોવાથી પકડી ન શકાયા.

 

  • પણ વાતાવરણ બદલાયું….બ્રિટનના દબાણથી રાણાની ધરપકડ થઇ અને છેક મધ્ય અમેરિકામાં પનામા પાસેના માર્ટેનિક ટાપુ ઉપર દેશનિકાલ કરાયા. આંદામાન જેવો આ ટાપુ હતો.

 

  • રાણા નોકરી-રોજી માટે  ફાંફા મારવા લાગ્યા. છેવટે કશું ન મળ્યું તો ઢોરો ચરાવવાનો ધંધો કરવા માંડ્યો. હા, હીરાનો વ્યાપારી હવે ઢોરો ચરાવવા મંડ્યો. આને  તકદીર કહેવાતું હશે !

 

  • રાણાની રાત વીતી ગઈ. સવાર થયું. ફરી ફ્રાંસ આવ્યા અને હીરાનો ધંધો કરવા લાગ્યા.

 

  • બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું.

 

  • જર્મનો  ધસમસતા ફ્રાંસમાં આગળ વધવા લાગ્યા. રાણા જર્મનોના હાથે પકડાયા, પણ ગદ્દારી કરીને તેમણે મદદ કરવાની ના પાડી. રાણા ફ્રેંચ નાગરિક હતા. પોતાના દેશને દગો ન કરાય. એમના વલણથી નાઝીઓ નારાજ થયા અને તેમને ગેસચેમ્બરવાળા કેમ્પમાં દાખલ કરી દીધા.

 

  • ……રાણા હવે   ગૂંગળાઈને મરવાની રાહ જોવા લાગ્યા. પણ ના, હજી તેમને  જીવવાનું હતું. નેતાજી સુભાષ જર્મની આવ્યા. તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રાણાને કેમ્પમાંથી છોડાવ્યા. ….. ફ્રેંચ સરકારે રાણાની કદર કરી, (ગદ્દારી ન કરવા બદલ) ફ્રેંચ સરકારે રાણાને ‘ફ્રેંચ લિજિયન ઓફ ઓનર’નું સન્માન આપ્યું.

 

  • રાણાએ ૧૯૪૭ની આઝાદી જોઈ, ‘સંતોષ થયો.’ પણ થોડા જ સમયમાં તેમને લકવો લાગી ગયો.

 

  • અંતે વેરાવળના દરિયાકિનારે તેમણે જીવનલીલા સંકેલી લીધી.

 

  • મને ખબર નથી કે આ મહાન સપૂતની પ્રતિમા તેમના વતન કંથારિયામાં, લીંબડીમાં કે અન્ય કોઈ જગ્યાએ મુકાઈ છે કે નહિ. ન મુકાઈ હોય તો આપણે લાજી મરવું જોઈએ, ને હજી પણ લોકો જાગે અને પ્રતિમા મૂકવાની ઈચ્છા થાય તો મારો સંપર્ક સાધો. આપણે બધા મળીને તેમનું ભવ્ય સ્મારક બનાવીએ.(તા=૦૪-૦૫-૨૦૧૦)

 

~ અમૃતબિંદુ ~

તારીખ, ઈતિહાસ , માહિતી વગેરે માટે આપણી બેદરકારી અને અરાજકતા હોય છે એવું કેટલીય વાર લખી/કહી ચુક્યો છું. ઉપરોક્ત માહિતી કે દોષમાં તથ્યોમાં વિસંગતતા કે ભૂલ હોય શકે કેમ કે આપણે લીમીટેડ સોર્સથી જ ચલાવવું પડતું હોય છે. (દા.ત. અમુક જગ્યાએ રાણા સાહેબની જન્મ તારીખ ૧૦ છે અને અમુક જગ્યાએ ૧૧ છે !)

સરદારસિંહ રાણાને સાદર શત શત નમન

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, Nation, politics, Reading

ગુજરાત અને ગુજરાતી “માન”_”સિક”તા


લગભગ ૩૦-૩૨  વરસ પહેલા અભિયાનમાં ચંદ્રકાંત બક્ષીની #વિકલ્પ કૉલમમાં એક લેખ વાંચ્યો હતો. કેટલીયે વાર એ લેખ યાદ આવ્યો છે પણ હજુ સુધી મળ્યો નથી એટલે વિગતમાં ભૂલ હોય શકે પણ થોડું ઘણું સ્મૃતિમાં છે એ મુજબ એમાં એવું કંઈક હતું કે કોઈ અંગ્રેજી મીડિયા પર્સને સ્પોર્ટ્સ વિશે અને (કદાચ સ્વિમિંગ બાબતે) કોઈ ગુજરાતી દીકરી એ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, તો “મણીબેન” નું લેબલ ચિપકાવીને ઉપહાસ જેવું કૈક હતું. બક્ષીએ એ અનુસંધાનમાં લેખની શરૂઆત કરી  #ડોબું શબ્દ લખીને અને ત્યારબાદ ડોબુંનો અર્થ ટાંકીને કહ્યું હતું કે આવા ડોબાઓને ભાન નથી હોતી અને ગુજરાતીઓ વિશે ઘસાતું લખતા રહે છે અને કદાચ ગુજરાતી દીકરીઓએ કેવી કેવી સિદ્ધિ હાંસિલ કરેલ છે એનું એક આખું લીસ્ટ આપ્યું હતું. અત્યારે આ પોસ્ટનો વિષય બીજો છે પણ ઘણા મહિનાઓથી જેના વિશે સેપરેટ બ્લોગ પોસ્ટ લખવાનું મન છે એ ૧૫ વરસની આશાના ચેવલી પણ યાદ આવે છે કે જે ગુજરાતની એક માત્ર દીકરી છે જે ડાઈવીંગ ચેમ્પિયન છે. કેટલાય  પરંતુ ટીપીકલ સરકારી (અ)નીતિનિયમોમાં અટવાયેલા છે એ અને એની માતા સેજલ ચેવલી. એણે મેળવેલ કેટલાય મેડલ્સ/સિદ્ધિઓ વિશે ખબર નહી ક્યારે પોસ્ટ લખી શકું?!

અત્યારે મનમાં જે મુદ્દો છે એ અખિલેશ યાદવ અને આઝમ ખાન જેવાઓએ કોઈને કોઈ રીતે ગુજરાતીઓનાં બહાને મોદીને ટાર્ગેટ કરેલ છે એ છે. ( ચોખવટ -હું મોદી/ભાજપ/હિંદુ પ્રેમી હોવા છતાં પણ કહું છું કે અત્યારે  આ મુદ્દો રાજકીય રીતે નથી ઉઠાવ્યો.)

ગુજરાતીઓને અલગ અલગ રીતે ફટકારવા, ધુત્કારવા અને ઉપહાસ કરવામાં શું કામ આવે છે? અને એવું નથી કે એ માત્ર ગુજરાત બહારના કે અ_ગુજરાતીઓ જ આવું કરે છે. આવું કરવા માટે એમને સીધી કે આડકતરી રીતે મદદ કરવામાં આવે છે. એક તો એ રીતે કે આવા તત્ત્વો જયારે જ્યારે આવા કોઈ વિધાન કરે એને સીધો ટેકો આપવા વાળા (કહેવાતા) બુદ્ધિજીવી પડ્યા છે અને બીજા એવા પણ હોય કે જેઓ કહે: જવા દયોને યાર! આવી માથાકુટમાં કોણ પડે? “માથાકુટમાં કોણ પડે”  કહેવા વાળા પાછા  (ના)ગુ.સમાચારે  બનાવેલ હલકટ હેડલાઈનના વિરોધ કરવા વાળાનો વિરોધ કરવા તરત જ પોતાના (શસ્ત્રો નહી પણ) અસ્તરો સજાવીને હજામત કરવા ઉતરી જતાં હોય છે.

બધા મીડિયા આવા નથી જ હોતા એ સ્વીકાર સાથે કહેવું પડે કે પોસ્ટની શરૂઆતમાં #બક્ષી નાં જે લેખનો ઉલ્લેખ કર્યો એ પણ ( #અભિયાન )મીડિયામાં જ છપાયો હતો અને હમણાં અખિલેશ દ્વારા “ગુજરાતી શહીદ” વિશે જે વાત કરી એ મુદ્દો પણ ( #સંદેશ ) મીડીયાએ જ ઉઠાવાયો છે એ સાદર નોંધ પણ લેવી જ ઘટે.

પણ સાથોસાથ એવા ય મીડિયા(કુ)કર્મીઓને પણ ઓળખવા જ નહી યાદ રાખવા પડશે જેઓએ આવા આવા મુદ્દામાં પોતાની (કુ)વિચારધારાનાં પ્રચાર/પ્રસાર માટે લાગ જ જોતા  હોય છે. આ મુદ્દા પર કોઈએ બુદ્ધિજીવીએ લેખ લખીને ઉંધા હાથે કાન પકડીને અખિલેશની તરફેણ કરી છે કે નહિ એ અત્યાર સુધી તો ધ્યાન નથી ગયું પણ શનિવારે, રવિવારે  કે બુધવારે આ વાત ઉછાળી શકે.

ગુજરાતી કે હિંદુ કે ભારતીયની વાત કરીએ ત્યારે આવા લોકો “સંકુચિતતા” નાં લેબલ પર પોતાની બુદ્ધિનો ગુંદર લગાવીને ચીપકાવવા તૈયાર જ બેઠા હોય છે અને એવો (કુ)તર્ક આગળ ધરશે કે અખિલેશ જેવા લોકોએ અગર પ્રાંતવાદનો મુદ્દો આગળ ધર્યો તો તમે શું કરો છો? પણ ભાવિ પેઢી કે ઈતિહાસ માટે ય આવી માહિતી કે દસ્તાવેજ/સાહિત્યો સર્જવા જરૂરી જ હોય છે. (આ લખતી વખતે ઇન્દિરા ગાંધીએ લાદેલ #ઈમરજન્સી દરમ્યાન ગુજરાતે આપેલ ફાળો/ભોગ વિશે નરેન્દ્ર મોદી લિખિત “સંઘર્ષમાં ગુજરાત” યાદ આવે)

~ અમૃતબિંદુ ~

  • સાબરકાંઠાનું ૬૫૦૦ની વસ્તી ધરાવતું કોડીયાવાડા ગામનાં ૭૦૦ પરિવારોમાંથી ૧૨૦૦ જવાનો સેનામાં છે.
  • ૩૯ વીરતા પુરસ્કાર.
  • ૩૫૧૭ જેટલી શહીદોની વિધવાઓ છે.
  • કારગીલ યુદ્ધ વખતે પહેલા એટેકમાં બારે બાર શહીદો ગુજરાતમાંથી હતા.
  • આમ જોઈએ તો ફિલ્ડ માર્શલ સામ  માણેકશા પણ (પારસી) ગુજરાતી મૂળના ખરા ને ? જેઓનો જન્મ પંજાબમાં થયો હતો પણ એનું મૂળ વલસાડ છે.

 

^ સૌજન્ય – સંદેશ ન્યૂઝ ચેનલ

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, media, Nation, politics