Tag Archives: valentine day

દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ


આપણી એક અવળચંડાઈ કહો કે દકિયાનુસીપણુ કહો કે લોલમ લોલ કે જે કંઇ “મોસ્ટ બૉગસ” વર્ડસ આવડતા હોય એ બધા કહો…. તો એ છે કે જુવાનીયા એટલે જાણે બસ લવેરીયા…એને તો દેશ પ્રેમ જેવી કોઇ ચીજની ખબર જ નથી અને દેશ પ્રેમનો ઠેકો તો અમે 40+ લોકોએ લઈ રાખેલો છે એવું બધું. અને આ સાબિત કરવા તો વાર/તહેવાર/પ્રસંગ વગેરે એટલા આવે કે આપણે મોકો ગોતવા પણ ન જવું પડે… આવો એક “સુંદર” મોકો એટલે વેલેન્ટાઇન  ડે….

આ દિવસે કોઇ સ્વભાવથી તો કોઇ ‘અભાવ’થી ખીજમાં બેઠેલા હોય છે.. ઉંમરીયા કટતી જાયે વાળી વાત હોય છે અને સામે છોકરા-છોકરીઓ નિર્દોષતાથી જલ્સા (એ લોકો પાછા “જલ્સા” આ રીતે અવતરણ ચિન્હ માં સમજે) કરતા હોય એ જોયુ  જાય નહી એટલે દાખલા આપવા માંડે પણ ખાટલે મોટી ખોટી હોય કે જેમ પુજા કરવાના અતિ ઉત્સાહમાં બાથરૂમમાંથી ધોતિયુ પહેરવાનું ભૂલી જાય એમ જ જ ઘણીવાર હકીકતની ખરાઈ ચકાસ્યા વગર દે દામોદર દાળમાંપાણી કરતા હોય છે.

-x-x-x-x-x-

13 ફેબ્રુઆરીએ રાત્રે એક એસ.એમ.એસ. આવ્યો જેમાં એ ભાઈ હરખ કરતા હતા કે દેશદાઝ (જાણે માત્ર ) એમનામાં જ છે.  એ મેસેજમાં એવું હતુ કે આજના જુવાનિયાઓ આવતી કાલે વેલેન્ટાઇન ડે  ઉજવવામાં એટલા  બિઝી છે  કે તેઓને એ પણ યાદ નથી કે 14-02-1931 નાં રોજ ભગતસિંહ.. રાજગુરૂ અને સુખદેવ આ ત્રણ  દેશપ્રેમીઓને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા! ! હું આ તમને એક દિવસ અગાઉ યાદ દેવડાવું છું જયહિન્દ વગેરે વગેરે (જો કે આમાં પણ સૌ જાણે છે કે 14તારીખે ચાર્જેબલ મેસેજ હોય છે)

મારું મોબાઇલનું કેલેન્ડર માર્ચ 23, 1931 બતાવતું  હતું પણ મને હંમેશા પોતાના પર પહેલી શંકા થાય એટલે મેં કન્ફર્મ કરવા કુણાલ ધામીને મેસેજ કરીને ચકાસવા કહ્યું તો એનો જવાબ મારા મોબાઇલ કેલેન્ડરને સાચો ઠેરવતો હતો !

મને ગુસ્સો આવ્યો કે સાલ્લા, પહેલા ક્રોસ ચેક તો કર … પણ આ ગુસ્સાનો પારો ચડવાને હજુ કદાચ વાર હતી.. 14 તારીખે આવા ચાર જણાએ મેસેજ  ફોર્વર્ડેડ કર્યા.. અને આજે ઑફિસે આવીને નેટ દ્વારા ખબર પડી કે  આ લોલમ લોલમાં બીગ બી પણ બાકાત નથી! હવે ગુસ્સાએ ઉદાસીનતાનું સ્વરૂપ પકડ્યુ કે આ લોકોને એટલી પણ કેમ ખબર નહી હોય કે કેટલા લોકો એમને વાંચે છે અને ફૉલો પણ કરતા હશે ? જો કે બીગબીનું કોઇએ ધ્યાન દોર્યુ એટલે એમણે માફી તો માંગી લીધી પણ હવે સો મણનો સવાલ એ કે ભૂતકાળમાં આવી અન્ય કોઇ ભૂલ નહી થઈ હોય એની ખાત્રી શું? અને ભવિષ્યમાં એમના શબ્દમાં વિશ્વાસ કેમ મૂકી શકાશે જો કે સાથે સાથે એક લેશન પણ મળ્યુ કે ગમે તેવા મોટા માણસોની વાતોમાં આવી જવાની બદલે ક્રોસ ચેક કરી લેવું.

~ અમૃત બિંદુ ~

23 એપ્રિલની મારી આ બ્લોગ પોસ્ટમાં પણ આવો એક છબરડો છે.

14 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

Happy Valentine Day


{ રીડગુજરાતી પર “વાર્તા સ્પર્ધા-2008″માં મોકલેલી આ ટૂંકી વાર્તા આજે અહી મૂકવાનું મન થયું. આ ટૂંકી વાર્તા એ વાર્તા સ્પર્ધામાં કોઇ ઇનામ પ્રાપ્ત કરી શકી ન હતી એટલે એવું કહી શકું કે ઇનામની મને લાલચ ન હતી (નથી એમ નહી)  હા હા હા

અત્યાર સુધીમાં મેં બે વાર્તા લખેલ છે (1989  & 2008 )અને યોગનુયોગ કહો કે જે કંઇપણ, પણ બન્ને વાર્તામાં આટલું સામ્ય છે કે બન્નેનું શિર્ષક અંગેજીમાં છે, બન્નેમાં નાયક નાયિકાના નામ એ જ છે, અને બન્નેનાં અંતમાંનાયક દ્વારા દાઢમાં શિર્ષક  બોલાવામાં આવ્યુ છે. }

હેપ્પી વેલેન્ટાઇન ડે

“બાસ્ટર્ડ!” એને શબ્દ યાદ આવ્યો!

ના , ના શબ્દ યાદ આવ્યો એના કરતા તો એનો અર્થ હચમચાવી ગયો! પથારીમાં પડ્યા પડ્યા હવે એને વિચારવાની આઝાદી પણ અનાયાસે મળી ગઈ હતી. એણે એ પણ  વિચાર્યુ કે હું આલોક, જેણે એકથી વધુ વાર વાંચ્યુ હતું કે આઝાદીની કિંમત ચૂકવવી પડે છે અને પોતે કંગાળ હોવા છતાં અનેક વાર કિંમત ચૂકવી હતી પણ એ સુધરવા માંગતો ન હતો!

સમાજ, કુંટુંબ પરિવાર અને મિત્રો દ્વારા પણ એને સમજાવવામાં આવ્યું હતું કે તું આટલો બધો સમજદાર, બુધ્ધિશાળી હોવા છતાં કેમ સમજતો નથી કે કમાવું જોઇએ, પૈસા પેદા કરવા જોઇએ. એ ક્યાં તો ચુપ રહેતો ક્યાં તો દલીલ કરતો કે પૈસાવાળા એટલે અર્થ-દાસ અને હું આલોક, આ લોક કે પરલોકમાં કોઇનો ગુલામ બનવાનું કદી પસંદ ન કરું. ગુલામી કરવી કે કરાવવી એ મારા સ્વભાવ તો શું લોહીમાં નથી. બધા તો આવું સાંભળીને  ખુશ થતાં અથવા તો એની મુર્ખાઈ પર અફસોસ કરતાં પણ ભૂમિકા? હા ભૂમિકાએ એક દિવસે એની વકીલની દલીલથી માત કરી દીધો હતો, “આલોક, તારી બડાઇને એક તરફ મૂકી ને વિચારજે કે શું તું ગુલામ નથી? ગુલામ જ છે-તારા સિદ્ધાંતોનો. અને પ્રેકટીકલ જમાનામાં એની ઓળખાણ છે-ખોખલા સિધ્ધાંતો તરીકે. એ નામ ખોટું પણ નથી કેમ કે આ દુનિયામાં દરેક ગુલામ હોય છે, કોઇ પૈસાનો, કોઇ શેઠનો , કોઇ મજબુરીનો તો કોઇ વળી પત્નીનો. આવા તો ઘણા ઉદાહરણો છે. પણ તને નહી સમજાય કેમ કે તું કદી એ સમજવા જ નથી માંગતો…..”

… વિચારોની કડી તુટી-પડદાના સરકવાના અવાજથી. દિમાગ પર જાણે કે પડદો ખેંચાય ગયો કેમ કે એના દિલ પર બોજ જેવું લાગ્યું –

“અરે! ભૂમિકા?!” પોતાના હ્ર્દય પર રાખેલ ભૂમિકાના કોમળ હાથ પર પોતાનો રુક્ષ હાથ મૂકતા પ્રશ્નસુચક નજરે પૂછ્યું.

“હા, તને તો એમ જ હશે ને કે હું સ્વાર્થી છું, પ્રેકટીકલ છું, અને કોર્ટનો સમય હોવાથી નહીં આવું?”

આ પરિસ્થિતિમાં પણ પોતાના મજાકિયા અંદાજ કે જેને ભૂમિકા ક્યારેક ગુસ્સામાં તો કદીક વળી પ્યારથી કહેતી, કે  યુ આર ફની મેન. આલોકે એ જ ફની મેન વાળી આદતવશ કહ્યું, “ના, મને જો આ પટ્ટી મારેલા ગળા સુધીની ખાત્રી જ હતી કે મારા મોબાઇલની ફોનબુકમાંથી આ લોકો ‘હોમ’ નું ડાયલ કરતાં જ  તું આવીશ, દોડતી આવીશ.” ત્યારબાદના શબ્દોને હોઠ પર આવવાની અનુમતિ ન આપી કે ભૂમિ, શાયદ આપણી આ જ તો તકલીફ  છે ને કે બન્ને એક-બીજાને ચાહીએ છીએ અને એક-બીજાના સારા માટે જ એક-બીજાને જાણ્યે અજાણ્યે ઠેસ પહોચાડતા રહીયે છીએ!

કાળી, દુબળી, સાઉથ ઇન્ડીયન (જેને બધા મદ્રાસી જ સમજતાં) નર્સ આવી, બોટલ ચેક કરી.. ભૂમિકાને સંબોધીને ગ્લુકોઝની બોટલ તરફ ઇશારો કરી એની ટીપીકલ હિન્દીમાં કહ્યું , “ દસ મિનિટમેં એ ખતમ હોગા, ફીર આપ ઇસકો લેકે જાના, ઓર નીચે મેડીકલ સ્ટોરસે યે સબ દવાઈયા લેકે આઓ ” .

ભૂમિકા પર્સ હાથમાં લઈને દવા લેવા મેડીકલ સ્ટોર તરફ વળી ત્યાં ત્યાં જ નર્સ બોલી “તુમ્હારા આદમી બો’ત સ્ટ્રોંગ હૈ, કીસી કી હેલ્પ હી નહીં મંગતા!”

ભૂમિકાએ આલોક તરફ અછડતી અને સુચક નજર ફેંકી. આલોક મંદ હસ્યો.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ, ભૂમિકાની ગ્રીન વેગન-આર આલોકને લઈને રસ્તા પર સરકતી હતી. ભૂમિકાના પસંદગીની સી.ડી. નું ધીમુ મધુર ઇન્સ્ટ્રુમેન્ટલ વાગતું હતું ને ગમતુ હતું છતાં પણ આલોક તો એની આદત મુજબ રસ્તાની ગતિવિધિને જોતો રહ્યો.

વૃદ્ધના હાથ જેવી ખરબચડી સડક અને એવા જ દાંત વગરના બોખા મોંમાં હોય એવા ખાડા પાર કરતા ઘર તરફ જતા બન્ને ખામોશ હતા. એક માણસ જમણા ખભા અને ડોક વચ્ચે મોબાઇલ દબાવી રસ્તો ક્રોસ કરતો હતો તેથી આલોકથી ગાળ નીકળતા નીકળતા રહી ગઈ. દસ વર્ષનો વિદ્યાર્થી ગલીમાંથી ઘંઉની ગુણીની માફક એનાથી મોટી સાયકલમાં સ્કૂલબેગ ભરાવી જતો હતો, એ જોઇને અલોકને યાદ આવ્યું કે સરકાર તો બાળમજુરીને ગુન્હો ગણે છે! આગળ જતી છકડો રિક્ષાના ધુમાડાની માફક એનું મગજ સવારની ઘટનાના વિચારોથી ભરાયેલું હતું.

… રોજની માફક આજે પણ સવારે આઠ વાગે આઠ વર્ષની લાડલી દીકરી પ્રિયા સ્કુલ જઇ રહી હતી ત્યારે ભૂમિકાએ એને ઊઠાડયો. અને રોજની માફક મ્યુઝીક સીસ્ટમ તરફ વળ્યો, ગમતા ગીતોનું સીલેકશન કરી, પ્લે લીસ્ટ બનાવીને બ્રશ કરીને ભૂમિકાને વેલેન્ટાઇન ડે વીશ કર્યુ, પણ પ્રતિભાવ ઠંડો રહ્યો, એણે વિચાર્યુ કદાચ શરદીના કારણે મૂડ નહીં હોય. મનોમન વિચારતો રહ્યો બીચારી (!) આખો દિવસ કોર્ટમાં અસીલો, વકીલો અને દલીલો વચ્ચે પીસાય, ઘર સંભાળે, પ્રિયાને ભણાવે એમાં પોતાને માટે તો સમય જ ક્યાં રહે? આવી પત્ની મેળવવા બદલ પોતાની જાતને ધન્ય સમજતો ચાહની રાહમાં બેઠો રહ્યો. ચાય આવી, પીવાઈ ગઈ. રોજની માફક વાતાવરણ હળવું કરવાના ઇરાદે સીલી મજાક કરીને, પાડોશીઓની મતલબ વગરની વાતો કરીને ભૂમિકાના દિલને બહેલાવવાની નાકામિયાબ કોશિશ કરતો રહ્યો. પરંતુ ભૂમિકાના મૌનને  હવે આલોક સમજી રહ્યો હતો કે એને પેટમાં ક્યાં દુ:ખે છે?.

…. “ચાલો આલોક સાહેબ, ઘર આવી ગયું”ના ભૂમિકાના કટાક્ષવગરના અવાજે એ ઝબક્યો. સુઘડ, સ્વચ્છ ઘરમાં પ્રવેશ સાથે જ તન-મનમાં એક પ્રકારની તાજગીનો અનુભવ થયો. આમ તો આલોક-ભૂમિકાનું ઘર કોઇ બંગલો કહેવાય એવું ન હતુ. પરંતુ ઘરમાં એક એક ચીજ-વસ્તુ સુંદર રીતે સજાવેલી અને જીવંતતા દેખાડતી એવું એમના મિત્રો, સગા સંબંધી, પડોશી અને દુશ્મનો સુદ્ધાં કહેતા. અને ત્યારે ભૂમિકાથી વધુ ગર્વ આલોકને થતો.

…ગર્વ તો ત્યારે પણ થયો હતો જ્યારે ભૂમિકાએ એનો પ્રણય પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. ગર્વ એ વાતનો કે એના વિચારો સમજી શકે એવી રિટાયર્ડ ન્યાયધીશ શ્રી રમણલાલની લાડકી અને એક માત્ર પુત્રીનો સ્વીકાર્ય થયો હતો. ભૂમિકાને એના ડેડીએ ચેતવી હતી કે આલોક સારો છોકરો છે, એમાં કોઇ ના નહીં. પરંતુ એ આદર્શવાદી છે અને આવા માણસો ‘ગુડ ફોર નથીંગ’થી વધુ બનવાની શક્યતા ધરાવતા હોતાં નથી. આલોકે પણ કહ્યુ હતું, આજથી સત્તર વર્ષ પહેલા જ કહ્યું હતું કે મારી કમાણી ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા પ્રતિમાસ છે. અને પછી પોતાના માનીતા/ પ્રિય લેખકના કેફમાં આવી જઈને એની નવલકથાનો ડાયલોગ ફેંક્યો હતો, “હું ૧૨ નાપાસ માણસ, તને સુખી તો કદાચ નહીં કરી શકું પરંતુ એક રંગીન જિંદગી જરૂર આપીશ.” એના આ વિધાન પર તો ભૂમિકા મુગ્ધ અને ફિલ્મી અંદાઝમાં કહીએ તો  ફિદા થઈ હતી. લગ્ન કર્યા. વર્ષો વિતતા ગયા. નાની વાતોમાં આલોકને શેઠ સાથે વાંધાવચકા પડતા. આલોકની નોકરી છૂટતી ગઈ, સાથે સાથે ભૂમિકાની ભ્રમણા તૂટતી ગઈ. પરંતુ ભૂમિકાએ પોતાની લગની અને આલોકના સાથ-પોરસ સાથે પોતાનું ભણતર ચાલુ રાખ્યું, વકીલાત પાસ કર્યું અને એ પણ સારા માર્કસ સાથે. આ તરફ લગ્નના પાંચ વરસમાં નવ નોકરી બદલીને આખરે આલોકે પોતાનું કામકાજ શરુ કર્યું–પ્લમ્બર તરીકેનું. અસંખ્યવાર ભૂમિકાએ પોતાના પપ્પાની ઓળખાણથી સારી જગ્યાએ નોકરી અપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ એણે પોતાના માનીતા લેખકનો હવાલો આપતા કહ્યું હતું કે એમના મતે ગુજરાતી સાહિત્યમાં પ્લમ્બરો અને ફિટરો વધારે છે. તો પછી શા માટે એક હું એક પ્લમ્બરનું કામ કરીને પોતાનું સ્થાન, ગુજરાતી લેખકો કરતાં સારું ન જમાવી શકું? અને થયું પણ એવું જ. નાના શહેરમાં એણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. પ્લમ્બર એટલે માત્ર પાણીના પાઇપ ફીટ કરી આપે એવો મજૂર નહીં પરંતુ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીના જ્ઞાને આલોકને એક ઇજનેરની કક્ષાએ પહોંચાડી દીધો. અને ભૂમિકાએ પણ પોતાની ધગશ, મહેનત અને નોલેજ થકી પોતાનું નામ-દામ કમાઈ. આલોક માત્ર નામ કમાયો. દામથી તો હજુ એ જોજનો છેટે હતો.

આલોક-ભૂમિકાના લગ્નજીવનનો કોયડો કોઇને સમજાતો ન હતો. કેમ કે આલોક કદી ભૂમિકાની ઉચ્ચ વકિલાતથી અંજાતો ન હતો, જલતો ન હતો. ભૂમિકા કદી આલોકની મજૂરીથી આલોકને નિમ્ન માનતી ન હતી. આલોક અને ભૂમિકા પાર્ટીઓની જાન ગણાતા. કેમ કે એ દંપતિના આગમનથી મહેફિલમાં જાન આવી જતી. બન્નેની બ્લેક હ્યુમર, મળતાવડા સ્વભાવ અને ખુમારીથી છલકતું જીવન તેમજ ઉપરથી સોનામાં સુગંધ જેવું છોગુ હોય એમ વિવેકી, હોંશિયાર, બટકબોલી પ્રિયા જેવી પરાણે વ્હાલી લાગે એવી દીકરી…. આ બધુ ગૃપમાં મીઠી ઇર્ષા પેદા કરવા માટે પર્યાપ્ત હતું. અંગત જીંદગીમાં, ઘરની ચાર દિવાલોમાં ખોટા ઝગડા તો ન થતાં પરંતુ ભૂમિકાનું  હંમેશા  સ્વપ્ન રહ્યું કે આલોક માત્ર બુદ્ધિ જ નહીં પૈસાની પણ કદર કરે. પૈસાનો દાસ બનવાનું તો એ પણ સ્વપ્ને ન વિચારે પરંતુ પોતાના પિતા રમણલાલ સામે આંખમાં આંખ પરોવી શકે એટલી પૂંજી તો કમાવી જ જોઇએ. આ વાતની કસક હંમેશા ભૂમિકાને પીડા આપતી. જેની આલોકને પણ ખબર હતી પરંતુ પોતાના સિદ્ધાંતો પાસે લાચાર હતો.

અને એ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે, ભૂમિકા ખુદ પર કાબુ રાખી ન શકી. કેમ કે આલોકે પીળા ફલાલીનના કપડાથી શુઝ સાફ કરીને  ઊભા થતા પહેલા આખરી વાર  ભૂમિકાને આશ્લેષમાં લઈ ચુંબન કરીને મનાવવાની કોશિશ કરી ત્યારે ભૂમિકાથી અનાયાસે મોઢું ફેરવી લેવાયું. આલોકને જાણે કે કોઇએ તસતસતો તમાચો ઠોકી દીધો! એ જ ઘડીએ પોતાના સ્કુટરને પોતાના ફુટેલ કરમને લાત મારતો હોય એમ કીક મારી ઘરની બહાર નીકળી ગયો.

રસ્તામાં એને વિચારો સતાવતા રહ્યાં…. બધું યાદ આવ્યું…. કોણે ક્યારે ક્યાં એને સતાવ્યો હતો… ક્યારેક નજરોના તીરથી તો ક્યારેક કટાક્ષની લાઠીથી…લોકોએ એના કાનમાં ત્યારે સલાહો ભરી હતી જ્યારે જ્યારે એ સંજોગોમાં સપડાયો હતો…પરંતુ અત્યારે એને એ વાત કાન ફાડી નાંખતી હતી જે રમણલાલ એના એક મિત્રને એકવાર કહી રહ્યા હતા. મહામહેનતે પોતાના લાગણીના ઘોડાઓને નાથી શક્યો હતો, જ્યારે રમણલાલે એના મિત્રને સલાહ આપી રહ્યા હતા, “દોસ્ત તારી દીકરીને બચાવી શકવાના  પૂરા પ્રયત્નો કરજે. નહીંતર મારી ભૂમિએ આલોક જેવા બાસ્ટર્ડ સાથે શાદી કરીને પોતાની જીંદગી બરબાદ કરી એમ તારી પુત્રી ન કરે!” કેટલો ખુશીથી એ ભૂમિકા પહેલા પણ રમણલાલને વધાઈ આપવા ગયો હતો કે પ્લમ્બરના કામને હંમેશ માટે તિલાંજલી આપી ટુંક સમયમાં એ હવે પાર્ટનરશીપમાં સેનીટરી-હાર્ડવેરનો શો રૂમ શરુ કરવા જઈ રહ્યો છે. પરંતુ બાસ્ટર્ડ શબ્દે એની તમામ મનોકામના પર પાણી ફેરવી નાંખ્યુ.

આ વાતને મહિનાઓ વીતી ગયા હતા, ત્યાર બાદ એણે પાર્ટનરશીપ કે બાસ્ટર્ડ વાળી બન્ને વાતને ભોં માં ભંડારી દીધી. ભૂમિકાને કદી કળાવા દીધું ન હતું અને રમણલાલને પણ અજાણ રાખ્યા. એ ખુદ પણ કદી આ ડાઘ ખોતરવા માંગતો ન હતો. પરંતુ ભૂમિકાની વેલેન્ટાઇન પ્રસંગની ગીફટની મુક અપેક્ષાએ આજે આ વાત માનસપટ પર ચકરાવો લઈ રહી હતી. એના કારણે ચકરાવામાંથી સામેથી ધસમસતી આવતી સ્કોર્પીયોની નોંધ ન લઈ શક્યો. પણ અકસ્માત અને બેહોશ થઈ જવાના ક્ષણભર સમયગાળામાં સ્કોર્પીયોના માલીકના મોઢામાંથી શબ્દ જરુર સાંભળી લીધો-બાસ્ટર્ડ! ત્યારબાદનું એને કંઇ પણ યાદ ન્હોતું કે  એ સર્કલમાં રેલીંગ પર કેવી રીતે અથડાઈ ગયો અને કોણ એને હોસ્પિટલમાં મુકી ગયું!

સુશ્રુષા હોસ્પિટલની ચોળાયેલી ભુખરા રંગની બેડશીટમાં પડયા પડ્યા એને રમણલાલને એના મિત્રની વાતચીતનો અંશ અને સ્કોર્પીયોના માલીકના મોઢેથી નીકળેલ ગાળના પ્રસંગો માનસપટ પર ઉભરાયા અને પોતે મન મનાવવા લાગ્યો કે એમાં  ખોટું શું છે? હા, હું બાસ્ટર્ડ તો છું. ક્યાં આજ સુધી મારા બાપનો પતો છે? મારી મા ભલે ગમે તેટલી ધાર્મિક, સરળ અને મજબુત સ્ત્રી હોય પરંતુ બાપનું સરનામું ન મળે કે અમારું સરનામું શોધતો ન આવે ત્યાંસુધી આ લેબલ ચિટકેલુ રહેશે બલ્કે વધુ ઘટ્ટ બનશે-બાસ્ટર્ડ!

સ્કૂલથી નીટ કલીન યુનિફોર્મ અને ચકચકતા શુઝ પહેરેલી પ્રિયા આવી અને એની નાની બદામી નિર્દોષ આંખમાં આશ્ચર્યના ભાવ સાથે એના ઘાયલ બદન પર માં જેવી વાત્સલ્યભરી નજરથી હજુ માત્ર એટલું જ પુછ્યુ, “પાપા ?’ અને પ્રિયા વધુ સવાલનો બોમ્બમારો કરે એ પહેલા આલોકથી ભૂમિકાની સામે જોઇ આંખ મીંચકારી વધુ એક વખત  આદતવશ રમૂજ થઈ ગઈ, “ હા બેટા, તને ખબર છે કે આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે ‘વેલેન્ટાઇન ડે’ હોવાથી મમ્મીને સુશ્રુષા હોસ્પિટલ તરફથી ૨,૭૫૦ રૂપિયાના ‘સુંવાળા’ બીલ સાથે પાટા વીંટાળીને આ તુટેલો-ફૂટેલો હસબન્ડ “ગિફ્ટ”માં મળ્યો!!!

[ બ્લોગ પર મૂકવા માટે જોડણી સુધારવા અને મઠારવા માટે હિના પારેખની મદદ બદલ આભાર..માનતો નથી ! ]

12 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સાહિત્ય

વેલેન્ટાઇન ડે


આજે યુવાન નહી પરંતુ યુવાન જેવુ ફિલ (કે ભ્રમ) કરતા લોકો માટે પણ સખી આજની ઘડી રળીયામણી જેવો માહોલ છે . બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડેગાની માફક કોઇ પણ ડે આવે એટલે લીખના પડેગા જેવા (મારા સહિત) બધા લખવા માંડશે.

 

મને તો  ત્યારે હસવું આવે કે જે લોકોએ કદી ( વિજાતીય ) પ્રેમ કર્યો નથી એ લોકો પણ આજે સલાહ  દેવા/લખવા માંડે છે, જે લોકો ને માટે સ્ત્રી/પુરુષ સાથે સંકળાવુ એટલે જંજાળ કે સાંકળ (ની બેડી)માં અટવાવા જેવુ લાગતુ હોય એ લોકો પણ સલાહના શકોરા ભરી ભરીને વાંચક મિત્રો પર (જો કે એ લોકો માટે વાંચકો અને મિત્રો અલગ હોય છે) ઠાલવતા હોય છે. અરે દોસ્ત સાંકળને બેડી જ શું કામ માનો છો? એને કડી પણ માની શકો અલબત એ કડી જ હોય છે ,

 

 અરે ! હું પણ એજ કરવા માંડ્યો? ચાલો એ બધુ લખવા કરતા નેટ પરથી મળ્યુ એને શેર કરીએ એ બહેતર  રહેશે.

 

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.
કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..
ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..
સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે

(રચિયતાનું નામ ખબર નથી)

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય