Tag Archives: વીર સાવરકર

‘સિંહપુરુષ:વીર સાવરકર’


આવતી કાલે એટલે કે ’૨૮ મે’ વીર સાવરકરજી(28-05-1883_26-02-1966)ની જન્મજયંતિ.

થોડા મહિનાઓ પહેલા ‘ધૂમખરીદી’ વાળા મિત્ર ધર્મેશ વ્યાસે એકાદ પુસ્તકનો રીવ્યૂ (અને એ પણ વિડીઓમાં) આપવાનું કહ્યું, આળસ અને આ અગાઉ ક્યારેય આવી રીતે (એકલા પણ) જાહેરમાં બોલવાનો મહાવરો ન હોવાથી ટાળતો હતો પરંતુ ધમભા એ સંનિષ્ઠ પ્રયાસો કરીને આખરે કામ કઢાવ્યું, આખરે મેં ‘વિડીયો_રીવ્યૂ’ આપી દીધો પણ એની સાઈઝ 300+mb હતી.. ધમભાને કહ્યું હતું કે કમ્પ્રેસ કરીને પછી મૂકજો…. મને કાલે યાદ આવ્યું કે  ‘પુસ્તક-એ-ખાસ’માં ધમભા મુકવાના છે એ જો  આવતીકાલે સાવરકરજીની જન્મજયંતિ પર  મુકીએ તો વધુ યોગ્ય ગણાય અને એમની સાથે વાત થઇ તો તેઓએ એક દિવસ એડવાન્સમાં જ મૂકી દીધો અને એટલે હું પણ આજે જ આ બ્લોગ પોસ્ટ લખવા બેસી ગયો!

યુ ટ્યુબની લીંક  – https://www.youtube.com/watch?v=_CdgcVLKvKU

તેમજ ઘેર બેઠા એ પુસ્તક ‘સિંહપુરુષ’ મંગાવવા માટેની લીંક  –

http://www.dhoomkharidi.com/sinhpurush-veer-savarkar-ni-jindagi-par-aadharit-navalkatha

કોઈએ યુ ટ્યુબપર ન જવું હોય તો એ રીવ્યુની (ધમભા આપે પછી) WA ક્લિપ પણ મળી શકશે, જેના માટે મને +91 98252 25888 પર મેસેજ કરી શકો છો.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

હવે જે વાત વિડીયોમાં કહી એ અને એના ઉપરાંત પણ થોડી ઘણી બીજી વાતો જે ત્રુટક ત્રુટક લખાઈ છે અને  બધું  સરખી રીતે સંપાદન-સંકલન થાય એવું લાગતું નથી એટલે કદાચ ખાસ જામે નહિ એવું બની શકે –

ઘણા સમય પહેલા વીર સાવરકર  લિખિત ‘૧૮૫૭ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ વાંચી હતી, ત્યારબાદ એક  (એફ્બી) ફ્રેન્ડ એ વીર સાવરકરની (ગોપાળરાવ ભાગવત દ્વારા અનુવાદિત)  ‘મારી જન્મટીપ’ વિશે પોસ્ટ મૂકી અને એમાં એમનું કહેવું હતું: “આથી કરૂણ પુસ્તક મેં હજુ સુધી વાંચ્યું નથી !” એટલે એકાદ વરસ પહેલા એમણે  પોતે લખેલી આત્મકથા ‘મારી જનમટીપ’ વાંચી, જેનાથી રૂંવાડા ઊભા થઇ જાય એવી એવી એમના પર વિપત્તિ પડેલ એ વાંચ્યું…. અને વાંચન દરમ્યાન હ્રદય દ્રવી ઉઠ્યું, સાથે સાથે ગ્લાની અને અપરાધભાવ થઇ ગયો કે સ્વાતંત્ર્ય ખાતર આવા આવા સંઘર્ષ વિશે આટલા વરસો બાદ હું વાંચું છું? !

અને ત્યારબાદ તરત વાંચી આ બૂક = ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’.

‘મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય.

‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય!

હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો!

ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત  અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા  ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત?

આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ     હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું.

એમ તો હજી આજે પણ એવી ભ્રમણા ફેલાવવામાં આવે છે કે તેઓએ જેલમાંથી છૂટવા બ્રિટીશ સરકારને ઘૂંટણીયે પડેને અરજી કરી !! પણ એ હકીકતમાં કેટલું અને કેવું સત્ય છે એ જાણવા આ વાંચવું જોઈએ એવો મારો મત તેમ જ આગ્રહ છે.

તેઓ એવા વ્યક્તિ ન હતા કે  સોચ્યા-સમજ્યા વગરની મારી નાંખું ફાડી નાંખું વાળી વાતો કરે, તેઓ એવા પણ ન હતા કે મુસ્લિમોનો વિરોધ જ કરતા કે એમના પર દ્વેષ જ રાખતા, તેઓ ધાર્મિક પણ ન હતા તેઓ સાચા રેશનલીસ્ટ હતા, તેઓ જિન્હાની જેમ ગાંધીના તેજોદ્વેષી ન હતા, તેઓ ખાલી બીજાને જ ઉક્સવતા એવું ન હતું પણ તેઓના આખા પરિવાર જેમાં એમના પત્ની, બાળક, ભાભી બધા એ જીવનપર્યંત કષ્ટ અને ઉપેક્ષા સહન કર્યા છે,

મને ખબર નથી પણ લાગે છે કે બહું ઓછા અથવા તો આ  કદાચ એક માત્ર પરિવાર એવો હોય શકે કે જેના ત્રણ ત્રણ ભાઈઓ એક સાથે જેલમાં હોય, ઉપરાંત આંદામાનની કાળાપાણીની સાથે સાથે સજા કાપતા હોવાછતાં એકબીજાની હાજરી સુધ્ધાંની જાણ ન હોય!  તેઓ કવિતા રચતા, લેખ લખતા, પ્રવચન આપી શકે અને સમય આવ્યે કુશ્તી પણ લડી શકતા સાથે સાથે કાયદાનું જ્ઞાન સારી રીતે જાણી અને પચાવી શકનાર હતા, તો ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં કુદી પણ શકયા.

ખાસ ગેરસમજ તો એમના છૂટવાની વિશેની છે તથા ગાંધી વિરોધી તેમજ ગાંધી હત્યામાં સામેલગીરીની અને કટ્ટરહિંદુ વાદી તરીકેની છે જે દૂર કરવા પણ  લોકોએ આ પુસ્તક વાંચવું જરૂરી બની જાય છે.

‘મહામાનવ : સરદાર’ અને  ‘વીર સાવરકર’ જેવા પુસ્તકો વાંચ્યા બાદ અસમંજસમાં છું કે એ દેશ પર ગર્વ કરું જ્યાં કૃષ્ણ, વિવેકાનંદ, શંકરાચાર્ય, કબીર, ચાણક્ય જેવા આધ્યાત્મિક અને સરદાર, સાવરકર, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સુભાષબાબુ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, ચાફેકર બંધુઓ, તાત્યાટોપે, મેડમ કામા અને કેટલાય અનગિનત યોદ્ધાઓ  જન્મ્યા એના પર ગર્વ કરું?

કે પછી

(મારા સહીત) આપણા જેવા દંભી, કાયર અને કદરકૂટ્યા પ્રજાજનો તેમજ નેતાગીરી પર અફસોસ અને ગ્લાની અનુભવું?

વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની  જય

~ અમૃત અશ્રુ બિંદુ ~

થોડા વરસો  પહેલા અશ્વિની ભટ્ટ દ્વારા freedom at midnightનો અનુવાદ પામેલ ‘અર્ધી રાતે આઝાદી’માં વાંચેલું

   “ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.”

^
આ વાંચ્યું હતું  ત્યારે વીર સાવરકર વિશે વાંચ્યું ન હતું  પણ સવાલ તો થયો કે અંગ્રેજો દ્વારા લખાયેલ (સાચા-ખોટા) ઈતિહાસ અને ફ્રીડમ ફાઈટરનાં ચરિત્રને આવનાર પ્રજા સમક્ષ મૂકવું એ ચરિતર પણ ઓળખવું જોઈએ.

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Nation, politics, Reading

અર્ધી રાતે આઝાદી (અનુ.:અશ્વિની ભટ્ટ )


થોડા સમય પહેલા “અર્ધી રાતે આઝાદી” વાંચી.

આપણા હિન્દી સીને જગતમાં સલીમ જાવેદની  જેમ  Larry Collins અને  Dominique Lapierre ની જોડીની 1975માં Freedom at Midnight પ્રકાશિત થઈ, અને 1996માં અશ્વિની ભટ્ટ દ્વારા “અર્ધી રાતે આઝાદી” (સુંદર રીતે ) ગુજરાતી અનુવાદ થયો.

બુટાસિંગ નામના શીખ અને મુસ્લિમ છોકરી ઝેનીબની પ્રેમ કહાની વાંચીને થોડા વર્ષો અગાઉ આવેલ હિન્દી ફિલ્મ “ગદ્દર એક પ્રેમ કહાની” ની યાદ તાજી થઈ.

આટલા પ્રસિધ્ધ લેખકોની કલમથી લખાયેલી આટલી પ્રસિધ્ધ કૃતિ માટે “કંઇપણ” લખીને વિવાદને હવા આપીને “ઝાળ” ઊભી કરવાને સમર્થ નથી એટલે બહેતર છે કે એમાંથી અમુક અવતરણ અહિં મૂકીને પોસ્ટ પૂરી કરૂં. આ બધામાં અમુક વાતો સાથે સંપૂર્ણ સહમત તો અમુક વાતો સાથે તો સંપૂર્ણ અસહમતિ અને અમુક વાંચીને થયું કે ઐસા ભી હોતા હૈ ક્યાં?

* રાજકીય સ્વાતંત્ર્યના ખપ્પરમાં ચાર ચીજો હોમાઈ ગઈ હતી:  અખંડિતતા, એખલાસ, અહિંસા અને આર્ષદ્રષ્ટા ગાંધી…

* માનવીના હ્રદયમાં ભલે ઇશ્વર વસતો હશે.. પણ તેના માનસમાં શયતાને દર નાંખેલું છે.

* વરુઓનાં ટોળાંની માફક મુસ્લિમ ધાડિયાં ગામ પર ઊતરી આવ્યાં હતાં અને ગામના શીખ તેમ જ હિંદુ વિસ્તારો પર ડોલો ભરીને પેટ્રોલ છાંટી આગ લગાડી હતી.

* ગાંધીએ કડવાશથી એક મિત્રને કડવાશથી કહ્યું હતું, ‘એ લોકો મને મહાત્મા કહે છે પણ એક અદના ઝાડુવાળા જેટલો પણ મને ગણતા નથી.’

* માઉન્ટબેટન આવ્યા તે પહેલાં જ પટેલ તો ભાગલા માન્ય રાખવા તૈયાર હત…… તે દલીલ કરતા કે, જિન્હાને  તેનું રાજ્ય આપી દો. આમેય પાંચ વર્ષથી વધુ ટકવાનું નથી.

* નેહરુને અધિકાર આપવામાં આવ્યો કે …..

* અને જે આદમી તેમને વિજય ભણી દોરી ગયો હતો,તે એકલો મુકાયો. પોતાના શમણાના ભંગાર અને કલંકિત વિજયની સાથે અટૂલો જ રહ્યો.

* માઉન્ટબેટને લખ્યું હતું, ભાગલા. . . એક અસીમ પાગલપણું છે અને જો આ બેઢંગુ કોમી ગાંડપણ ઊભું થયું ન હોત અને પ્રત્યેક વ્યક્તિ તેમાં ગર્ત થઈ ન હોત તો કોઇ પણ વ્યક્તિ મને ભાગલા કબૂલ કરાવવામાં સફળ થઈ ન હોત. વિશ્વની આંખો સમક્ષ આ પાગલ નિર્ણયની જવાબદારી પૂરેપૂરી હિંદવાસીઓના શીરે મુકાવી જોઇએ,કારણ કે એક દિવસ ખૂબ જ કડવાશથી તે જે નિર્ણય લેવાના છે, તેનો પશ્ચાતાપ તેમને થશે.’

* માઉન્ટબેટને બોલાવેલી બીજી અને છેલ્લી અખબારી પરિષદના અંતમાં હિંદના ઓછા જાણીતા અખબારના પ્રતિનિધિએ પુછ્યુ, ‘ સત્તાપલટા માટે ઝડપ ખૂબ જરુરી છે ત્યારે કોઇ ચોક્ક્સ તારીખ આપના મનમાં હશે જ ને? અને માઉન્ટબેટને (ત્યારેને ત્યારે જ મનમાં ગણતરી કરીને ) 15 ઑગસ્ટ 1947 જાહેર કરી.

* પણ જ્યોતિષ-શાસ્ત્ર મુજબ રવિવાર અને શુક્રવાર અપશુકનિયાળ ગણાતા અને 15મી ઑગસ્ટ, 1947નાં દિવસે શુક્રવાર હતો.

* દાયકાઓ સુધી હિંદનું શોષણ કરવાન આરોપ હેઠળનું  બ્રિટન આખરે હિંદના સાહસનું ઉઠમણું કરતી વખતે પાંચસો કરોડ ડૉલર જેટલું ગંજાવર દેવાદાર બનેલું હતું. એટલા ડૉલર્સ તેણે શોષણ કરેલા લોકોએ ભરપાઈ કરવાના હતા. યુધ્ધને કારણે આ દેવું આટલું વધ્યું હતું અને બ્રિટનની કમ્મર તૂટી હતી. તેથી જ તો આજ આટલી ઝડપથી આ ઐતિહાસિક અને જટિલ પ્રક્રિયાના મંડાણ થયં હતાં.

* (15મી ઑગસ્ટ 1947ના દિવસે હકડેઠઠ્ઠ મેદનીના કારણે) પામેલા માઉન્ટબેટન માનવ ગાલીચા (પબ્લીક)  પરથી ચાલીને વ્યાસપીઠ પર પહોંચી.

* (ભાગલા પછીના રમખાણો બાદ) એક બેઠકમાં સરદારે ખભા હલાવીને કહ્યું હતું, ‘ આહ! આ તો થવાનું જ હતું.’ પણ નહેરું આવી રીતે ઘટનાઓને ખંખેરી શકે તેમ ન હતાં.

* (9મી સપ્ટેમ્બર 1947) નવી દિલ્હીની મધ્ય્માં એક રઝળતું મડદું જોયું હતું. તેમણે ત્યાંથી પસાર થતી એક ટ્રકને ઊભી રખાવી પણ ટ્રકનાં હિંદુ ડ્રાયવરે મડદાને અડવાની ના પાડી, પરિણામે હિંદની છેલ્લી વાઇસરીને હોવેસની મદદથી મડદું ટ્રકમાં ચડાવ્યું.

* ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.

* ગાંધીજીને અંજલી ->

જ્યોર્જ બર્નાર્ડ શૉ=આ બતાવે છે કે  (દુનિયામાં) “સારા” થવું એ કેટલું ખતરામય છે.

જિન્હા = હિંદુ કોમે પેદા કરેલ મહાન માણસોમાંના તે એક હતાં.

* આખી રાત, એ ચિતાનો અગ્નિ શાંત થયો તે દરમિયાન શોકાતૂર લોકો નીરવ, સ્તબ્ધ શાંતિથી ગાંધીની ચિતા પાસેથી વંદન કરતા પસાર થતાં રહ્યા. એ લોકોમાં અણઓળખાયેલો એક આદમી પણ હતો. ખરેખર તો તેણે જ એ અગ્નિદાહ આપવો જોઇતો હતો. શરાબ અને ટી.બી. થી નંખાઈ ગયેલો એ આદમી મહાત્મા ગાંધીનો જયેષ્ઠ પુત્ર હતો.

આ બુક પૂરતી વાત પૂરી પણ આ  વિષય પૂરો નથી થતો… વધુ (ઘણા) ટૂંક સમયમાં જ…

5 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય