Tag Archives: વાર્તા

‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૨


સાત ફેબ્રુઆરીના રોજ જમીનદાર નવલિકાનો ભાગ એક મૂક્યા બાદ  શેષ ભાગ મૂકવામાં ઘણો લાંબો અંતરાલ આવી ગયો એ બદલ સોરી. આજે બાકીના બધા (સ્કેન) પેજીસ એક સાથે જ મૂકી દવ છું. બધા વાકેફ જ હશે કે જે તે પેજ પર ક્લિક કરવાથી એ પેજ ઓપન થશે અને ત્યારબાદ ઝૂમ કરીને વાંચી શકાય છે.

~ અમૃતબિંદુ ~

…. ટૂંકી વાર્તા જ્યારે ‘ટ્રેજેડી’નું આલેખન કરે ત્યારે એ કોઇ પાત્રનું માથું ધડથી જુદું નથી કરી નાંખતી, પણ મોતથીયે અદકી વિષમ એવી જીવનની વાસ્તવિકતા આલેખે છે, જે વિષમતા સામાન્ય વાચકો સંવેદી શકતા નથી. તેથી જ, આજની વાર્તાઓ દુર્બોધ બનતી જાય છે, ‘એમાં કશું સમજાતું નથી’, ‘વાર્તા અરધેથી જ કપાઈ ગઈ’, એવી ફરિયાદો સાંભળવા મળે છે.

સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભ્વ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે. સર્જકના જેવું જ સંવેદનતંત્ર ન ધરાવનાર વાચકો માટે ટૂંકી વાર્તાનો આસ્વાદ બેકાર છે. એવા વાચકોએ  નવલકથાઓ વાંચીને જ સંતોષ માનવો રહ્યો.

^  (અમીરી લોકશાહી)

પુસ્તક : – છીંડું ખોળતાંચુનીલાલ મડિયા

સંપાદક:- અમિતાભ મડિયા

[નવભારત સાહિત્ય મંદિર – (૨૦૦૧ )]

4 ટિપ્પણીઓ

Filed under Art, સંવેદના, સમાજ, સાહિત્ય

‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૧


અત્યાર સુધી રાહ જોયા બાદ કોઈ તરફથી લિંક નથી આવી એટલે સ્કેન કરીને મૂકું છું. વાર્તા અંગે મારું માનવું એવું છે કે યા તો વાર્તા ગમે યા તો ન ગમે, મતલબ કે વાર્તામાં સમગ્રતા જેવું હોય, એમાં નોવેલ જેવું ન હોય શકે કે થોડી-થોડી ગમી થોડી-થોડી ન ગમી. અને ન માત્ર વાર્તા પરંતુ કોઈપણ સર્જન ગમે ન ગમે એ પાછળ ઘણા બધા કારણો હોય. અમુક ઉંમર, વાતાવરણ, સમય યાને કાલખંડમાં બહું ગમે એ અમુક વાંચન, ઉંમર, વાતાવરણ, સમય યાને કાલખંડ પછી એમાં ત્રુટીઓ દેખાય અને એવું જ ઊલટું પણ બની શકે.

: જમીનદાર :

~ અમૃતબિંદુ ~

‎”Unless a reader is able to give something of himself, he can not get from a novel the best it has to give” -Somerset Maugham

^ એફ બી સ્ટેટસ 

3 ટિપ્પણીઓ

Filed under Art, સંવેદના, સમાજ, સાહિત્ય

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘સુન્દરમ્’


‘સુન્દરમ્’ નામ નજરે કે કાને પડે એટલે તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્રખર સહરાની કે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા કે હું માનવી માનવ થાઉં તો ઘણું  . . .  વગેરેથી ઓળખાતા કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર,  ‘સુન્દરમ્’ (૨૨-૦૩-૧૯૦૮ થી ૧૩-૦૧-૧૯૯૧)ની ઓળખ આવે.

મને આમ પણ પદ્યમાં બહું ટપ્પા પડતા નથી, ગદ્યમાં થોડા ઘણા કુદકા મારીયે પણ એમાંયે બક્ષી સાહેબથી પ્રભાવિત એટલે એમણે ઉમાશંકર જોશી, સુન્દરમ, ગુલાબદાસ બ્રોકર, સુરેશ દલાલ જેવાને ચીરેલા એટલે આજ દિન સુધી પદ્યને પચાવવાનું જીગર કેળવી શક્યો નથી.

આ બ્લોગ પોસ્ટ લખવાની પ્રેરણાની વાત કરું તો ડૉ.અસ્મા માંકડ સંપાદિત “રખે વીસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ” નામનું એક પુસ્તક હાથ લાગ્યું છે. ૩૫૯ પાનાના આ પુસ્તકમાં ૪૩ વાર્તાઓ છે. અમુક વાર્તાઓ શું કામ લીધી અને શું કામ ન લીધી એ વિશે પ્રસ્તાવનામાં પણ સરસ લખ્યું છે.

હજુ ૪૩માંથી નવેક વાર્તા વાંચી છે એમાં સુંદરમની જમીનદાર વાર્તા વાંચી તો  એમ લાગ્યું કે જાણે અત્યારના સમયની એટલે કે સાણંદ વગેર જગ્યાએ ખેડૂતો પોતાની જમીન આપી દે છે અને પછી જે દિશા વિનાની દશા થાય છે એનો ચિતાર છે.

એક નાનકડી વાત પણ કરી દવ કે મારું તો માનવું છે કે ઔદ્યોગિકકરણ (યાને શહેરીકરણ-શહેરીજન)એટલે ખરાબ જ અને ખેતી, ગામડું કે ગ્રામ્યપ્રજા (?)  એટલે દૂધે ધોયેલા એવું હરગિજ નથી. હું ગામડાનો હોવાથી જાણું જ છું કે ગામડામાં કેટલી બદી છે. જમીન આપી જ દેવી કે ન જ આપવી એવો કોઈ અભિપ્રાય પરિસ્થિતિ જાણ્યા વગર  આપણે ન આપી શકીયે પણ     એટલું ખરું કે જમીન આપવા પાછળ ઘણા કારણો (અને સમીકરણો) હોય છે. કોઈ વિવશ તો કોઈ લાચાર તો કોઈ લાલચુ અને કોઈના  હરામના હાડકાપણ જવાબદાર હોય શકે. 

આ વાર્તામાં કોઈ કૃત્રિમ રીતે રોતાલિયા વેડા નથી કે નથી કોઈને વિલન-હીરો ચીતર્યા પણ જે છે એ સમય-સંજોગોના તાણાવાણાથી ગુંથાયેલ લાંબી છતાંપણ લાંબી ન લાગતી ૧૯ પાનાની વાર્તા છે. એ શેર કરવાની અદમ્ય ઈચ્છા છે પણ એ મૂકતા પહેલા અમુક સવાલ છે જેના કોઈ પાસે જવાબ હોય તો કહેજો

૧-આ (આખી)વાર્તા મૂકવાથી કૉપી રાઈટ જેવું કંઈ નડી શકે?

૨-આ વાર્તા જો કોઈને નેટ પર જોવા મળી હોય તો એની લિંક કોમેન્ટમાં આપજો પછી આ પોસ્ટમાં પણ એડ કરી દઈશ.

૩-અગર કૉપીરાઇટ ન નડે અને નેટ પર પણ ન હોય તો આટલા બધા પેજીસ ટાઈપ કરવાની મારી તૈયારી નથી એટલે સ્કેન કરીને મૂકું તો કેમ રહે?

~ અમૃતબિંદુ ~

 આ પોસ્ટ માટે સુન્દરમ વિશે (સારી-ખરી-ખોટી-ખાટી) માહિતી  એકઠી કરવા વિકિપીડિયામાં ગયો તો ત્યાં એમના મૂળ નામ નહિ પણ ઉપનામમાં જેટલા અક્ષરો છે એટલા જ વાક્ય છે ! જ્યારે નેહલ મહેતા પાસેથી સુન્દરમ વિશે બક્ષી બાબુએ લખેલ સામગ્રી મંગાવી તો એ એટલા (ચાર) પેજમાં આવી !  સરવાળે કંઈ ન મૂકવાનો નિર્ણય લેવો પડ્યો. (કોઈને ખપતી હોય તો મેઈલમાં મોકલીશ)

10 ટિપ્પણીઓ

Filed under Art, ગુજરાત_ગુજરાતી, પદ્ય, સાહિત્ય

Happy Valentine Day


{ રીડગુજરાતી પર “વાર્તા સ્પર્ધા-2008″માં મોકલેલી આ ટૂંકી વાર્તા આજે અહી મૂકવાનું મન થયું. આ ટૂંકી વાર્તા એ વાર્તા સ્પર્ધામાં કોઇ ઇનામ પ્રાપ્ત કરી શકી ન હતી એટલે એવું કહી શકું કે ઇનામની મને લાલચ ન હતી (નથી એમ નહી)  હા હા હા

અત્યાર સુધીમાં મેં બે વાર્તા લખેલ છે (1989  & 2008 )અને યોગનુયોગ કહો કે જે કંઇપણ, પણ બન્ને વાર્તામાં આટલું સામ્ય છે કે બન્નેનું શિર્ષક અંગેજીમાં છે, બન્નેમાં નાયક નાયિકાના નામ એ જ છે, અને બન્નેનાં અંતમાંનાયક દ્વારા દાઢમાં શિર્ષક  બોલાવામાં આવ્યુ છે. }

હેપ્પી વેલેન્ટાઇન ડે

“બાસ્ટર્ડ!” એને શબ્દ યાદ આવ્યો!

ના , ના શબ્દ યાદ આવ્યો એના કરતા તો એનો અર્થ હચમચાવી ગયો! પથારીમાં પડ્યા પડ્યા હવે એને વિચારવાની આઝાદી પણ અનાયાસે મળી ગઈ હતી. એણે એ પણ  વિચાર્યુ કે હું આલોક, જેણે એકથી વધુ વાર વાંચ્યુ હતું કે આઝાદીની કિંમત ચૂકવવી પડે છે અને પોતે કંગાળ હોવા છતાં અનેક વાર કિંમત ચૂકવી હતી પણ એ સુધરવા માંગતો ન હતો!

સમાજ, કુંટુંબ પરિવાર અને મિત્રો દ્વારા પણ એને સમજાવવામાં આવ્યું હતું કે તું આટલો બધો સમજદાર, બુધ્ધિશાળી હોવા છતાં કેમ સમજતો નથી કે કમાવું જોઇએ, પૈસા પેદા કરવા જોઇએ. એ ક્યાં તો ચુપ રહેતો ક્યાં તો દલીલ કરતો કે પૈસાવાળા એટલે અર્થ-દાસ અને હું આલોક, આ લોક કે પરલોકમાં કોઇનો ગુલામ બનવાનું કદી પસંદ ન કરું. ગુલામી કરવી કે કરાવવી એ મારા સ્વભાવ તો શું લોહીમાં નથી. બધા તો આવું સાંભળીને  ખુશ થતાં અથવા તો એની મુર્ખાઈ પર અફસોસ કરતાં પણ ભૂમિકા? હા ભૂમિકાએ એક દિવસે એની વકીલની દલીલથી માત કરી દીધો હતો, “આલોક, તારી બડાઇને એક તરફ મૂકી ને વિચારજે કે શું તું ગુલામ નથી? ગુલામ જ છે-તારા સિદ્ધાંતોનો. અને પ્રેકટીકલ જમાનામાં એની ઓળખાણ છે-ખોખલા સિધ્ધાંતો તરીકે. એ નામ ખોટું પણ નથી કેમ કે આ દુનિયામાં દરેક ગુલામ હોય છે, કોઇ પૈસાનો, કોઇ શેઠનો , કોઇ મજબુરીનો તો કોઇ વળી પત્નીનો. આવા તો ઘણા ઉદાહરણો છે. પણ તને નહી સમજાય કેમ કે તું કદી એ સમજવા જ નથી માંગતો…..”

… વિચારોની કડી તુટી-પડદાના સરકવાના અવાજથી. દિમાગ પર જાણે કે પડદો ખેંચાય ગયો કેમ કે એના દિલ પર બોજ જેવું લાગ્યું –

“અરે! ભૂમિકા?!” પોતાના હ્ર્દય પર રાખેલ ભૂમિકાના કોમળ હાથ પર પોતાનો રુક્ષ હાથ મૂકતા પ્રશ્નસુચક નજરે પૂછ્યું.

“હા, તને તો એમ જ હશે ને કે હું સ્વાર્થી છું, પ્રેકટીકલ છું, અને કોર્ટનો સમય હોવાથી નહીં આવું?”

આ પરિસ્થિતિમાં પણ પોતાના મજાકિયા અંદાજ કે જેને ભૂમિકા ક્યારેક ગુસ્સામાં તો કદીક વળી પ્યારથી કહેતી, કે  યુ આર ફની મેન. આલોકે એ જ ફની મેન વાળી આદતવશ કહ્યું, “ના, મને જો આ પટ્ટી મારેલા ગળા સુધીની ખાત્રી જ હતી કે મારા મોબાઇલની ફોનબુકમાંથી આ લોકો ‘હોમ’ નું ડાયલ કરતાં જ  તું આવીશ, દોડતી આવીશ.” ત્યારબાદના શબ્દોને હોઠ પર આવવાની અનુમતિ ન આપી કે ભૂમિ, શાયદ આપણી આ જ તો તકલીફ  છે ને કે બન્ને એક-બીજાને ચાહીએ છીએ અને એક-બીજાના સારા માટે જ એક-બીજાને જાણ્યે અજાણ્યે ઠેસ પહોચાડતા રહીયે છીએ!

કાળી, દુબળી, સાઉથ ઇન્ડીયન (જેને બધા મદ્રાસી જ સમજતાં) નર્સ આવી, બોટલ ચેક કરી.. ભૂમિકાને સંબોધીને ગ્લુકોઝની બોટલ તરફ ઇશારો કરી એની ટીપીકલ હિન્દીમાં કહ્યું , “ દસ મિનિટમેં એ ખતમ હોગા, ફીર આપ ઇસકો લેકે જાના, ઓર નીચે મેડીકલ સ્ટોરસે યે સબ દવાઈયા લેકે આઓ ” .

ભૂમિકા પર્સ હાથમાં લઈને દવા લેવા મેડીકલ સ્ટોર તરફ વળી ત્યાં ત્યાં જ નર્સ બોલી “તુમ્હારા આદમી બો’ત સ્ટ્રોંગ હૈ, કીસી કી હેલ્પ હી નહીં મંગતા!”

ભૂમિકાએ આલોક તરફ અછડતી અને સુચક નજર ફેંકી. આલોક મંદ હસ્યો.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ, ભૂમિકાની ગ્રીન વેગન-આર આલોકને લઈને રસ્તા પર સરકતી હતી. ભૂમિકાના પસંદગીની સી.ડી. નું ધીમુ મધુર ઇન્સ્ટ્રુમેન્ટલ વાગતું હતું ને ગમતુ હતું છતાં પણ આલોક તો એની આદત મુજબ રસ્તાની ગતિવિધિને જોતો રહ્યો.

વૃદ્ધના હાથ જેવી ખરબચડી સડક અને એવા જ દાંત વગરના બોખા મોંમાં હોય એવા ખાડા પાર કરતા ઘર તરફ જતા બન્ને ખામોશ હતા. એક માણસ જમણા ખભા અને ડોક વચ્ચે મોબાઇલ દબાવી રસ્તો ક્રોસ કરતો હતો તેથી આલોકથી ગાળ નીકળતા નીકળતા રહી ગઈ. દસ વર્ષનો વિદ્યાર્થી ગલીમાંથી ઘંઉની ગુણીની માફક એનાથી મોટી સાયકલમાં સ્કૂલબેગ ભરાવી જતો હતો, એ જોઇને અલોકને યાદ આવ્યું કે સરકાર તો બાળમજુરીને ગુન્હો ગણે છે! આગળ જતી છકડો રિક્ષાના ધુમાડાની માફક એનું મગજ સવારની ઘટનાના વિચારોથી ભરાયેલું હતું.

… રોજની માફક આજે પણ સવારે આઠ વાગે આઠ વર્ષની લાડલી દીકરી પ્રિયા સ્કુલ જઇ રહી હતી ત્યારે ભૂમિકાએ એને ઊઠાડયો. અને રોજની માફક મ્યુઝીક સીસ્ટમ તરફ વળ્યો, ગમતા ગીતોનું સીલેકશન કરી, પ્લે લીસ્ટ બનાવીને બ્રશ કરીને ભૂમિકાને વેલેન્ટાઇન ડે વીશ કર્યુ, પણ પ્રતિભાવ ઠંડો રહ્યો, એણે વિચાર્યુ કદાચ શરદીના કારણે મૂડ નહીં હોય. મનોમન વિચારતો રહ્યો બીચારી (!) આખો દિવસ કોર્ટમાં અસીલો, વકીલો અને દલીલો વચ્ચે પીસાય, ઘર સંભાળે, પ્રિયાને ભણાવે એમાં પોતાને માટે તો સમય જ ક્યાં રહે? આવી પત્ની મેળવવા બદલ પોતાની જાતને ધન્ય સમજતો ચાહની રાહમાં બેઠો રહ્યો. ચાય આવી, પીવાઈ ગઈ. રોજની માફક વાતાવરણ હળવું કરવાના ઇરાદે સીલી મજાક કરીને, પાડોશીઓની મતલબ વગરની વાતો કરીને ભૂમિકાના દિલને બહેલાવવાની નાકામિયાબ કોશિશ કરતો રહ્યો. પરંતુ ભૂમિકાના મૌનને  હવે આલોક સમજી રહ્યો હતો કે એને પેટમાં ક્યાં દુ:ખે છે?.

…. “ચાલો આલોક સાહેબ, ઘર આવી ગયું”ના ભૂમિકાના કટાક્ષવગરના અવાજે એ ઝબક્યો. સુઘડ, સ્વચ્છ ઘરમાં પ્રવેશ સાથે જ તન-મનમાં એક પ્રકારની તાજગીનો અનુભવ થયો. આમ તો આલોક-ભૂમિકાનું ઘર કોઇ બંગલો કહેવાય એવું ન હતુ. પરંતુ ઘરમાં એક એક ચીજ-વસ્તુ સુંદર રીતે સજાવેલી અને જીવંતતા દેખાડતી એવું એમના મિત્રો, સગા સંબંધી, પડોશી અને દુશ્મનો સુદ્ધાં કહેતા. અને ત્યારે ભૂમિકાથી વધુ ગર્વ આલોકને થતો.

…ગર્વ તો ત્યારે પણ થયો હતો જ્યારે ભૂમિકાએ એનો પ્રણય પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. ગર્વ એ વાતનો કે એના વિચારો સમજી શકે એવી રિટાયર્ડ ન્યાયધીશ શ્રી રમણલાલની લાડકી અને એક માત્ર પુત્રીનો સ્વીકાર્ય થયો હતો. ભૂમિકાને એના ડેડીએ ચેતવી હતી કે આલોક સારો છોકરો છે, એમાં કોઇ ના નહીં. પરંતુ એ આદર્શવાદી છે અને આવા માણસો ‘ગુડ ફોર નથીંગ’થી વધુ બનવાની શક્યતા ધરાવતા હોતાં નથી. આલોકે પણ કહ્યુ હતું, આજથી સત્તર વર્ષ પહેલા જ કહ્યું હતું કે મારી કમાણી ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા પ્રતિમાસ છે. અને પછી પોતાના માનીતા/ પ્રિય લેખકના કેફમાં આવી જઈને એની નવલકથાનો ડાયલોગ ફેંક્યો હતો, “હું ૧૨ નાપાસ માણસ, તને સુખી તો કદાચ નહીં કરી શકું પરંતુ એક રંગીન જિંદગી જરૂર આપીશ.” એના આ વિધાન પર તો ભૂમિકા મુગ્ધ અને ફિલ્મી અંદાઝમાં કહીએ તો  ફિદા થઈ હતી. લગ્ન કર્યા. વર્ષો વિતતા ગયા. નાની વાતોમાં આલોકને શેઠ સાથે વાંધાવચકા પડતા. આલોકની નોકરી છૂટતી ગઈ, સાથે સાથે ભૂમિકાની ભ્રમણા તૂટતી ગઈ. પરંતુ ભૂમિકાએ પોતાની લગની અને આલોકના સાથ-પોરસ સાથે પોતાનું ભણતર ચાલુ રાખ્યું, વકીલાત પાસ કર્યું અને એ પણ સારા માર્કસ સાથે. આ તરફ લગ્નના પાંચ વરસમાં નવ નોકરી બદલીને આખરે આલોકે પોતાનું કામકાજ શરુ કર્યું–પ્લમ્બર તરીકેનું. અસંખ્યવાર ભૂમિકાએ પોતાના પપ્પાની ઓળખાણથી સારી જગ્યાએ નોકરી અપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ એણે પોતાના માનીતા લેખકનો હવાલો આપતા કહ્યું હતું કે એમના મતે ગુજરાતી સાહિત્યમાં પ્લમ્બરો અને ફિટરો વધારે છે. તો પછી શા માટે એક હું એક પ્લમ્બરનું કામ કરીને પોતાનું સ્થાન, ગુજરાતી લેખકો કરતાં સારું ન જમાવી શકું? અને થયું પણ એવું જ. નાના શહેરમાં એણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. પ્લમ્બર એટલે માત્ર પાણીના પાઇપ ફીટ કરી આપે એવો મજૂર નહીં પરંતુ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીના જ્ઞાને આલોકને એક ઇજનેરની કક્ષાએ પહોંચાડી દીધો. અને ભૂમિકાએ પણ પોતાની ધગશ, મહેનત અને નોલેજ થકી પોતાનું નામ-દામ કમાઈ. આલોક માત્ર નામ કમાયો. દામથી તો હજુ એ જોજનો છેટે હતો.

આલોક-ભૂમિકાના લગ્નજીવનનો કોયડો કોઇને સમજાતો ન હતો. કેમ કે આલોક કદી ભૂમિકાની ઉચ્ચ વકિલાતથી અંજાતો ન હતો, જલતો ન હતો. ભૂમિકા કદી આલોકની મજૂરીથી આલોકને નિમ્ન માનતી ન હતી. આલોક અને ભૂમિકા પાર્ટીઓની જાન ગણાતા. કેમ કે એ દંપતિના આગમનથી મહેફિલમાં જાન આવી જતી. બન્નેની બ્લેક હ્યુમર, મળતાવડા સ્વભાવ અને ખુમારીથી છલકતું જીવન તેમજ ઉપરથી સોનામાં સુગંધ જેવું છોગુ હોય એમ વિવેકી, હોંશિયાર, બટકબોલી પ્રિયા જેવી પરાણે વ્હાલી લાગે એવી દીકરી…. આ બધુ ગૃપમાં મીઠી ઇર્ષા પેદા કરવા માટે પર્યાપ્ત હતું. અંગત જીંદગીમાં, ઘરની ચાર દિવાલોમાં ખોટા ઝગડા તો ન થતાં પરંતુ ભૂમિકાનું  હંમેશા  સ્વપ્ન રહ્યું કે આલોક માત્ર બુદ્ધિ જ નહીં પૈસાની પણ કદર કરે. પૈસાનો દાસ બનવાનું તો એ પણ સ્વપ્ને ન વિચારે પરંતુ પોતાના પિતા રમણલાલ સામે આંખમાં આંખ પરોવી શકે એટલી પૂંજી તો કમાવી જ જોઇએ. આ વાતની કસક હંમેશા ભૂમિકાને પીડા આપતી. જેની આલોકને પણ ખબર હતી પરંતુ પોતાના સિદ્ધાંતો પાસે લાચાર હતો.

અને એ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે, ભૂમિકા ખુદ પર કાબુ રાખી ન શકી. કેમ કે આલોકે પીળા ફલાલીનના કપડાથી શુઝ સાફ કરીને  ઊભા થતા પહેલા આખરી વાર  ભૂમિકાને આશ્લેષમાં લઈ ચુંબન કરીને મનાવવાની કોશિશ કરી ત્યારે ભૂમિકાથી અનાયાસે મોઢું ફેરવી લેવાયું. આલોકને જાણે કે કોઇએ તસતસતો તમાચો ઠોકી દીધો! એ જ ઘડીએ પોતાના સ્કુટરને પોતાના ફુટેલ કરમને લાત મારતો હોય એમ કીક મારી ઘરની બહાર નીકળી ગયો.

રસ્તામાં એને વિચારો સતાવતા રહ્યાં…. બધું યાદ આવ્યું…. કોણે ક્યારે ક્યાં એને સતાવ્યો હતો… ક્યારેક નજરોના તીરથી તો ક્યારેક કટાક્ષની લાઠીથી…લોકોએ એના કાનમાં ત્યારે સલાહો ભરી હતી જ્યારે જ્યારે એ સંજોગોમાં સપડાયો હતો…પરંતુ અત્યારે એને એ વાત કાન ફાડી નાંખતી હતી જે રમણલાલ એના એક મિત્રને એકવાર કહી રહ્યા હતા. મહામહેનતે પોતાના લાગણીના ઘોડાઓને નાથી શક્યો હતો, જ્યારે રમણલાલે એના મિત્રને સલાહ આપી રહ્યા હતા, “દોસ્ત તારી દીકરીને બચાવી શકવાના  પૂરા પ્રયત્નો કરજે. નહીંતર મારી ભૂમિએ આલોક જેવા બાસ્ટર્ડ સાથે શાદી કરીને પોતાની જીંદગી બરબાદ કરી એમ તારી પુત્રી ન કરે!” કેટલો ખુશીથી એ ભૂમિકા પહેલા પણ રમણલાલને વધાઈ આપવા ગયો હતો કે પ્લમ્બરના કામને હંમેશ માટે તિલાંજલી આપી ટુંક સમયમાં એ હવે પાર્ટનરશીપમાં સેનીટરી-હાર્ડવેરનો શો રૂમ શરુ કરવા જઈ રહ્યો છે. પરંતુ બાસ્ટર્ડ શબ્દે એની તમામ મનોકામના પર પાણી ફેરવી નાંખ્યુ.

આ વાતને મહિનાઓ વીતી ગયા હતા, ત્યાર બાદ એણે પાર્ટનરશીપ કે બાસ્ટર્ડ વાળી બન્ને વાતને ભોં માં ભંડારી દીધી. ભૂમિકાને કદી કળાવા દીધું ન હતું અને રમણલાલને પણ અજાણ રાખ્યા. એ ખુદ પણ કદી આ ડાઘ ખોતરવા માંગતો ન હતો. પરંતુ ભૂમિકાની વેલેન્ટાઇન પ્રસંગની ગીફટની મુક અપેક્ષાએ આજે આ વાત માનસપટ પર ચકરાવો લઈ રહી હતી. એના કારણે ચકરાવામાંથી સામેથી ધસમસતી આવતી સ્કોર્પીયોની નોંધ ન લઈ શક્યો. પણ અકસ્માત અને બેહોશ થઈ જવાના ક્ષણભર સમયગાળામાં સ્કોર્પીયોના માલીકના મોઢામાંથી શબ્દ જરુર સાંભળી લીધો-બાસ્ટર્ડ! ત્યારબાદનું એને કંઇ પણ યાદ ન્હોતું કે  એ સર્કલમાં રેલીંગ પર કેવી રીતે અથડાઈ ગયો અને કોણ એને હોસ્પિટલમાં મુકી ગયું!

સુશ્રુષા હોસ્પિટલની ચોળાયેલી ભુખરા રંગની બેડશીટમાં પડયા પડ્યા એને રમણલાલને એના મિત્રની વાતચીતનો અંશ અને સ્કોર્પીયોના માલીકના મોઢેથી નીકળેલ ગાળના પ્રસંગો માનસપટ પર ઉભરાયા અને પોતે મન મનાવવા લાગ્યો કે એમાં  ખોટું શું છે? હા, હું બાસ્ટર્ડ તો છું. ક્યાં આજ સુધી મારા બાપનો પતો છે? મારી મા ભલે ગમે તેટલી ધાર્મિક, સરળ અને મજબુત સ્ત્રી હોય પરંતુ બાપનું સરનામું ન મળે કે અમારું સરનામું શોધતો ન આવે ત્યાંસુધી આ લેબલ ચિટકેલુ રહેશે બલ્કે વધુ ઘટ્ટ બનશે-બાસ્ટર્ડ!

સ્કૂલથી નીટ કલીન યુનિફોર્મ અને ચકચકતા શુઝ પહેરેલી પ્રિયા આવી અને એની નાની બદામી નિર્દોષ આંખમાં આશ્ચર્યના ભાવ સાથે એના ઘાયલ બદન પર માં જેવી વાત્સલ્યભરી નજરથી હજુ માત્ર એટલું જ પુછ્યુ, “પાપા ?’ અને પ્રિયા વધુ સવાલનો બોમ્બમારો કરે એ પહેલા આલોકથી ભૂમિકાની સામે જોઇ આંખ મીંચકારી વધુ એક વખત  આદતવશ રમૂજ થઈ ગઈ, “ હા બેટા, તને ખબર છે કે આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે ‘વેલેન્ટાઇન ડે’ હોવાથી મમ્મીને સુશ્રુષા હોસ્પિટલ તરફથી ૨,૭૫૦ રૂપિયાના ‘સુંવાળા’ બીલ સાથે પાટા વીંટાળીને આ તુટેલો-ફૂટેલો હસબન્ડ “ગિફ્ટ”માં મળ્યો!!!

[ બ્લોગ પર મૂકવા માટે જોડણી સુધારવા અને મઠારવા માટે હિના પારેખની મદદ બદલ આભાર..માનતો નથી ! ]

12 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સાહિત્ય