Tag Archives: એક ઘા -ને બે કટકા

ફેક આઈ.ડી.ની ફેંકમફેંક


આમ તો આ રોગ જૂનો પુરાણો છે, અને યુગોથી ચાલ્યો જ આવે છે એટલે અત્યારે (જ) આ પ્રવર્તી રહ્યો છે એમ ન કહી શકાય !

મને બહું તો ખ્યાલ નથી પણ આપણા શાસ્ત્રોમાં પણ આવે છે ને કે કોઈ દેવતા(!) કે ઋષિ (!!)ને કોઈ સ્ત્રી ‘માલ’ લાગે એટલે વેશપલટો યાને ફેક આઈડીથી પહોંચી જતાં.

યાદ આવે છે કે નાના હતા ત્યારે કોઈ છોકરા (છોકરી)ને બદનામ કરવા ગમે તેના નામની ‘ચિઠીઓ’ ફેંકતા અને એમાં પણ ફેક આઈડી જ રહેતી.

આવા તો કંઈક પ્રસંગો હશે એટલે એ બધા વિશે સવિસ્તાર તો નથી કહેતો પણ ત્યારબાદ સીધા જ નેટ પર લેન્ડીંગ કરીયે તો યાહુ-ચેટમાં આવું બહું સાંભળવા (ઇવન) અનુભવવા મળ્યું છે, અને એ પણ અગાઉ હતા એ બધા કિસ્સાની જેમ મેલ-ફીમેલ કે ફીમેલ-મેલ બનીને ‘બનાવતા’..

પછી આવ્યું ઓરકુટ, તો હવે થોડો ટ્રેન્ડ ચેન્જ થયો, હવે દ્વેષ ભાવના, છળકપટ આ બધું જેન્ડર આધારિત ન રહેતા ચર્ચામાં આવવા માંડ્યું.

કોઈ ગૃપ કે વ્યક્તિ સામે સામી છાતીએ ઘા ન કરી શકે એ ફેક આઈડીથી ચર્ચા ચૂંથતા પરંતુ જ્યાં વિચાર, અભિવ્યક્તિની વાત હોય ત્યાં તો પોલ ખુલી પડવાની જ છે!

હવે એનાથી આગળ પગલું મુકાયું એફબી પર. ખુદના અનુભવ પરથી કહું છું આપણામાંથી મોટાભાગના લોકોના ફ્રેન્ડ(?) લિસ્ટમાં આવા બે-પાંચ નમુના/નમુની હોય જ, એ અલગ છે કે કાં તો આપણને સાવ ખબર ન હોય, કાં તો આપણને માત્ર શક હોય કે આ હશે કે પેલો/પેલી?

જો કે કૉલમ લખતા અમુક લોકો પણ એક યા બીજા કારણ થી અલગ અલગ નામથી લખતા હોય છે જેને ‘પેન નેમ’ કહેવામાં આવે છે એ પણ અમુક વખતે/અમુક કારણસર ફેક આઇડીનો પ્રકાર ગણાય કે નહીં એ મને નથી ખબર.

જે આવા (અવળા) ધંધા કરતા હોય એમને ખબર, કે આવું કરીને એ લોકો શું કાંદા કાઢી લે? પણ મને એક દોસ્ત એ મજાકમાં જ કીધું: “યાર ફેક આઈડી બનાવવી પડશે 😉 ”  ત્યારે મેં ‘લેક્ચર’ આપી દીધું. જે એણે સહન કર્યું અને તમારા ય કરમ તો ફૂટેલા હશે જ, એટલે વાંચવા આવી ગયા –

ફેક આઈડી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય જ નેગેટીવ હોવાનો એટલે આપણું મન એ વિશે વિચાર કરતા કુવિચાર વધુ કરવાનું છે. અને જ્યારે બનાવ્યું હોય ત્યારે ભલે ‘અમુક’ જ ટાર્ગેટ હોય પણ પછી,  પહેલા  મજાકમાં એનો પછી વિકૃતિમાં એનો વ્યાપ/વિસ્તાર વધતો ચાલે. આમ પણ કહેવાય છે ને કે જો જૈસા સોચતા હૈ ઓર કરતા હૈ, વો વૈસા હી બના જાતા હૈ! એટલે મારી તો વણમાગી સલાહ છે કે આવી ફેક આઈડી થી બધી રીતે બચી ને રહેવું.

~ અમૃતબિંદુ ~

મેં કદી ફેંક આઇડીનો ઉપયોગ કર્યો નથી કે કરીશ નથી..સીધા જ એક ઘા –ને બે કટકા ! 

5 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, media, social networking sites

RA.one in ALL


Narcissist કહો કે એવું માનો કે પછી વરને કોણ વખાણે? વરની માં ય હવે કેટકેટલુંક (ખોટું) વખાણે? એટલે (સુ)વર ખુદ સ્વાશ્રયી બને છે અને પોતાનાં વિશે વાત કરવાનો મોકો જ શોધતો હોય છે.

આમ ભલે હું (તન થી) અશક્ત લાગતો હોઉં પણ જરુંર પડ્યે રજનીકાન્ત કે RA1 (રાવણ) નામ ‘વાપરી’ ગુણ-દુર્ગુણ, લક્ષણ-અપલક્ષણનો (ગેર)લાભ ઊઠાવવાનું ચૂકતો નથી એ સૌને ખ્યાલ હશે જ (એવું હું માની જ લઉં છું)

આજના પર્વે મારો માંહ્યલો રામ તો ન જાગ્યો પણ રાવણ (એ કુંભકર્ણ ન હોવાથી) જરુંર જાગી ગયો ! અને આ કોલાજ બનાવી નાંખ્યો.

RA1 એક (કુ) રૂપ અનેક

આનું વિશ્લેષણ મારા કરતા તો સૌ દોસ્તો સારું (?) કરવાના છે એ ખ્યાલ છે પણ જેમ ઉપર કહ્યું કે સ્વાશ્રયી છું એ તો પૂરવાર તો કરવું પડે ને ?

 આ કોલાજમાં જે  ‘મુદ્રાઓ’ (લોલ) છે કે જો છાપાની ભાષામાં કહિયે તો લાક્ષણિક તસવીરો વિશે (લેફ્ટ ટુ રાઈટ કરતો) મારો ‘દ્રષ્ટિકોણ’ –

૧ – તુજે દેખા તો યે જાના સનમ ….. મેરી બાંહોમે મર જાઓ તુમ

૨ – ધુર ઘુર કે ક્યા દેખા રહે હો?

૩ – ‘શિવ શંકર’ બોર્ડ પહેલા આપી દીધું પણ અન્ય જગ્યાએ ‘પ્યાલા’ તેરે નામ કા ‘પ્રિયા’  પણ જોઈ શકો છો!

૪ – ‘શિવ શંકર’નાં ગલ્લાનો સીન જોઈ કોઈ ઇલ્જામ લગાવે આ ભાઈ સાહેબને દલ્લો હાથ લાગી ગયો હશે એટલે ‘અગ્નિપથ’ કે ‘હાથ કી સફાઈ’ દેખાડવામાં આવી રહી છે.

૫ – રાવણ હોય તો શું થઇ ગયું? રાવણની જેમ આપણનેય ‘પૂજા’ (& બાકી બધા નામો સૌને ખબર જ છે) વગેરેમાં ‘રસ’ ખરો.

૬ – રામસેતુ માટે ‘કપિ’નો કોન્ટેક્ટ તો રામ કરે, હમ તો અપના જહાજ લે કે કહી ભી, કભી ભી… 😉

૭ – અને એવું નથી કે માત્ર ‘દરિયાદિલી’ જ છે, રજનીકાન્ત તો ‘ફાઈટર પ્લેન’ પર પણ એક હથ્થુ શાસન કરી શકે!

૮ – અને ગમે ત્યારે સૌને ‘બાય બાય’ કરી શકે.

૯ – સમુદ્ર & હવાઈની જેમ જમીની મુસાફરી માટે આ ગધેડા પાસે ઘોડો પણ છે.

૧૦ – ઘરમાં સોફા પર બેસીને જેન્ટલમેન (!), તો માથે ફેંટો નાખીને ગામડીયો અને બાપનો બગીચો તો ઠીક પિતાજીનો પેલેસ હોય પણ બેસે પાછો ‘કઠેડા’ પર.

૧૧ – જીવનમાં કંઈક ‘સંકલ્પ’ કરતો હોય એમ દેખાય પણ જો ભૂલ ‘પકડાય’ જાય તો સમય વર્તે બે હાથ જોડીને માફી પણ માંગી લઈએ અને જેવું બધું સમુસુતરું પાર થઇ જાય એટલે રાઉડી રાઠોડની જેમ મૂછે તાવ આપતો ફોન પર બિઝનેસ મેનના ખેલ કરવા માંડે.

૧૨ – જાણે ધોનીની જેમ વિકેટકીપર હોય એવી ઈસ્ટાઈલ તો પાછો થોડીવારમાં ‘હસમુખ લાલ’ પણ બની જાય અને છેલ્લે……. રજનીકાન્ત હોય કે રાવણ પણ સમાજ સામે તો ‘ગાય’ છે !

બોલ સિયાવર રામચંદ્ર કી …..જે !

~ અમૃતબિંદુ ~

કણ કણમાં ભગવાન મળે કે ન મળે પણ એફ્બીમાં તો RA1જેવા રાવણ મળે જ !

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”


હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી  છે.

જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું હોય છે. પરંતુ આખરે માનવ સ્વભાવે દરેક વખતે આવું થઈ શકતું નથી, અને હૃદય દ્રવે . આવું જ છેલ્લા ચાર દિવસથી અનુભવાય રહ્યું છે. યેસ્સ ગોધરાકાંડ ના લીધે. દુઃખ, દર્દ, પીડાની કદી  સરખામણી ન હોય છતાંપણ એવું અનુભવાય રહ્યું છે કે ૨૦૦૨માં જ્યારે આ બિના ઘટી ત્યારે જે અનુભવાયું એની તિવ્રતા ૨૦૧૨માં વધી ગઈ. એનું કારણ ઉર્વિશ કોઠારી જેવા લોકો.

આવા લોકો શું સાબિત કરવા માંગે છે એ જ સમજાતું નથી. પોતાને જે કહેવું હોય એ કહી દેવું અને એના સામે કોઈ સવાલ કે કોમેન્ટ કરે તો એમને બેવકૂફ કહીને કે વાંચતા/વિચારતા શીખો પ્રકારના મ્હેણાં મારીને ઊતારી પાડવા   અથવા એમની કોમેન્ટ્સ (એફબી હોય તો નામ) ડિલીટ કરવું એમની એ (કુ) વૃતિ તો જગજાહેર છે એટલે એ વિશે કંઈ કહેવાનો અર્થ સરતો નથી.

ઘણા લોકો માને છે કે આ પ્રકારના લોકો પેઈડ આર્ટીકલ લખે છે પણ મને એમાં શંકા છે કે શાયદ એવું ન હોય અને જો હોય તો આવા આર્ટીકલનું પેમેન્ટ કરવા વાળા દુનિયાના સૌથી મોટા બેવકૂફ છે. કેમ કે આવા લોકોના આર્ટીકલની કોઈ વેલ્યૂ હોય એવું માની નથી શકતો.

હા એક વાત છે કે આવા લોકો આપણી સંવેદનાને ક્રૂરતાપૂર્વક મચોડવામાં થોડા સમય માટે સફળ રહે છે.

હકીકતમાં તો શું સ્વપ્ને ય એ લોકો એ માનવાના નથી  કે તેઓ માનવતાને કેટલું નુકસાન પહોચાડી રહ્યા છે. છતાંપણ મારા સ્વભાવથી વિરુદ્ધ જઈને આવા તત્વોને આજીજી : અરે ભાઈ તમને લોકોને મોદી વિશે મનફાવે એટલું નેગેટીવ લખો, કંઈ વાંધો નહિ. એનાથી  મોદી કે અમારા જેવા એમને માનનારાને કશો ફરક નથી પડવાનો પણ પ્લીલીલીઝ આ હિન્દુ-મુસલમાન ખેલ ખેલવાનો બંધ કરો.

-x-x-x-x-x-

અમુક  લિન્ક્સ, જેને વિશે આમ તો બધા અવગત હશે જ.

કિન્નર આચાર્ય = ૮૦ વર્ષ જૂનો હુલ્લડોનો ઇતિહાસ

ઉર્વિશ કોઠારી = વી ધ પિપલ

કાર્તિક મિસ્ત્રી = ઘા 

જ્યોતિ ઉનડકટ વાયા જય વસાવડા =  ગોધરાનો એ ગોઝારો દિવસ 

ઉર્વિશ કોઠારી   = મન્ટોને વ્યંગ-અંજલિ

કંચન ગુપ્તા = Here, Ther, Nowhere..

~ અમૃત  વિષ બિંદુ ~

અમુક લોકોના ઉરમાં જ વિષ હોય છે!

12 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

Blogers V/s Non Blogers


નિશાળમાં તો ભણ્યા નથી પણ હવે એમ થાય કે ચાલો નિશાળ- નિશાળ રમીયે !

કેવીરીતે ?

આવી રીતે –

બ્લોગ લખનાર = બ્લોગીંગ કરવાના કારણો/બહાના . . . બ્લોગ ન-લખનાર= બ્લોગીંગ ન કરવાના કારણો/બહાના . . .
* મને બીજે કયાંય લખવા મળતું નથી # બીજે લખવામાંથી ટાઈમ નથી મળતો
* બીજે ક્યાંય લખું તો કોઈ વાંચતું નથી. # બ્લોગ ય કોઈ ન વાંચે તો ?
* બીજો કોઈ કામ ધંધો નથી. # કામ ધંધામાંથી ફુરસદ જ નથી.
* મારે કહેવા જેવું ઘણું છે પણ કોઈ મુરઘો/મુરઘી મળે નહિ તો બ્લોગ જ લખું ને? # મારે કહેવા જેવું છે કે નહિ એ પણ મને ખબર નથી
* આટલા બધા કહે છે તો હું શું કામ પાછળ રહી જાવ ? # આટલા બધા લોકો કહે છે એ બધું કચરા જેવું છે એમાં મારે ક્યાં ઉમેરો કરવો?
* મારી કૉલમના આશિકો અને રસિકોની સાથે આ બહાને  સંવાદ રચાય. # મારી કૉલમ તો કોઈ વાંચતું નથી તો પછી અહી પડ્યું હશે તો કો’ક દી’ તો ગૂગલ સર્ચમાં દેખાશે.
* અન્ય સેલિબ્રેટીઓ પણ લખે છે એટલે આ બહાને સેલિબ્રેટી હોવાનો ભ્રમ તો જાળવી શકું. # અન્ય સેલિબ્રેટીઓ લખે છે એટલે સેલીબ્રેટી છે તો હું ન લખીને છું એવો ભ્રમ જાળવવાની કોશિશમાં છું.
* હું કેટલું વાંચું છું એ મારા સિવાય પણ કોઈને ખબર તો પડવી જોઈએ ને? # મારું કંઈ વાંચન નથી એ કોઈને ખબર પડી જાય તો?
* મને ચોરી ચપાટીમાં જે કંઈ મળે એ ક્યાંક તો ઠાલવવું ને ? # મારું લખાણ(લખ્ખણ) કોઈક ચોરી (જાણી) જાય એ પસંદ નથી.
* આ બહાને (ગીને ચુને)મિત્રોને કહેતા ફરી શકાય કે આય મ ઓલ્સો બ્લોગર. # લોકોને એવું લાગે તો કે હું સાવ નવરીબજાર છું !
* તમે વાંચશો?  તો હું લખવાનું ચાલુ રાખું # તમે ભૂલ ન કાઢવાના હો તો લખવાનું શરુ કરું.

(નોંધ – બ્લોગર્સમાં લેખક-વાચક જેવો ભેદ રાખ્યા વગર સૌને એક જ લાઠીએ હાંક્યા છે.  )

~ અમૃતબિંદુ ~

* આવા ફાલતું બ્લોગર્સ હોય તો આપણો ક્યા કોઈ વાળ પણ વાંકો કરી શકે?

# આવા ફાલતું બ્લોગર્સ  હોય છે એટલે જ મન નથી થતું !

9 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, social networking sites

મફત કે મોંઘુ ? !


ઘણીવાર (ટાઈટલમાં કે અન્ય કોઇ રીતે) પ્રાસ બેસાડતા ત્રાસ ઊભો થઈ જતો હોય છે. આવો ત્રાસ ત્યારે થયો હતો જ્યારે મેં થોડા મહિના ઓરકુટની “ગુજરાતી = મેગેઝિન, છાપા અને કૉલમ” નામની કોમ્યુ પર “નેટ પર વાંચન =  મફત કે મોંઘુ ? ” નામનો ટૉપિક બનાવ્યો હતો .  અકળાશો નહી, જેને એ વિશે ખબર છે એને બીજીવાર અને જેને નથી ખબર એને એક પણ વાર ત્રાસ સહન નહી કરાવું એવો મારો પ્રયાસ રહેશે. (પછી તો આગે આગે ગોરખ જાગે 😉 )

ગુજરાતીઓની જાણે લાક્ષણિકતા હોય એવી રીતે કહેતા હોઈએ છીએ – આપણને કાના માત્રા વગરમાં એટલે “મફત” વધુ રસ હોય છે.  અને  મફત લેવું ગમે ,દેવું ન ગમે વગેરે. પરંતુ આવી માંગણી કરવા વાળા કંઇ ડોબા કે ભીખમંગા નથી હોતા, એના પાછળ પણ લૉજીક હોય જો એને (બોલવાનો અને )સમજવાનો પ્રયત્ન કરીયે તો.  . . . .

એની વે, આ બધુ અત્યારે અધુરૂ મૂકીને મુખ્ય વાત પર આવું તો કેટલી બધી વસ્તુઓ છે જેને “મફત” નહી પણ “ફ્રી ઑફ કૉસ્ટ” કરી શકાય અને એ લેવા વાળાને ભલે ફાયદો દેખાતો હોય  પણ આપવા વાળાને નુકસાન નથી જ . ઘણી બધી વસ્તુઓ સમાવી શકાય પણ હું બે-ચાર ચીજો જ ગણાવું તો – છાપા, મેગેઝિન, ટીવી. ચેનલ્સ… આમાં તદ્દન મફત નહી પણ મફતના ભાવે એક વસ્તુ ખાસ એડ કરી શકાય – પુસ્તકો !

છાપા-મેગેઝિન વાળા થોડા સમયે કહે કે અમે બહું કોશીશ કરીયે છીએ પણ પોસાતુ નથી એટલે નજીવા દર વધારીયે છીએ, ગ્રાહકો અમારી મજબુરી સમજશે ! ! આ વાત સફારી, નવનીત સમર્પણ, અખંડ આનંદ જેવા સામયિકોને લાગું પડે એ એકદમ વ્યાજબી વાત છે, બલ્કે આ બધા સમાયિકોમાં જે સ્તરનું વાંચન જ્ઞાન પીરસાય છે એના પ્રમાણમાં તેઓ એ  ખાસ કિંમત રાખી જ નથી અને તેઓ સાચા અર્થમાં તકલીફ ભોગવીને મફતના ભાવનું આપે છે.

પણ કોમર્શિયલ મેગેઝિન્સ-ન્યૂસ પેપર્સ ? એ લોકોને પણ આપણે બિલ્કુલ એવું તો ન જ કહી શકીએ કે તમે ખોટનો ધંધો કરો કે સેવા કરો પરંતુ તેઓને એડવર્ટાઈઝમાં થી એટલી કમાણી  થતી જ હોવી જોઇએ કે પબ્લીકમાં વેચવાની બદલે વહેચે!

અલગ રસ્તેથી એમને એવું કરવાની ફરજ પડી પણ રહી જ છે ને? યેસ્સ, નેટ પર દરેક છાપાઓ અને અમુક મેગેઝિન્સ પોતાની વેબ આવૃતિ મૂકે જ છે ને? કદાચ (નહી ચોક્ક્સ પણે) આ શેખચલ્લીના ખયાલી પુલાવ કે મુંગેરીલાલ કે હસીન સપને જેવું લાગે પણ એક દિવસ એવો આવી શકે જ છે કે બધુ મફત મળતું  હશે અને એમાંથી જે સારૂં આપશે એ એડના પૈસા વધુ વસૂલી શકશે.

એક મુદ્દો એ પણ મનમાં ઉઠે કે તો પછી (જેના કારણે તો છાપા-મેગેઝિન વેચાય છે એ ) કટાર લેખકોના મહેનતાણા/પુરસ્કારનું શુ? વેરી સીમ્પલ, જેમની કલમમાં દમ હશે એને જખ મારીને મોં માંગ્યા દામ ચૂકવવા પડશે અને બાકી ફિટરો-પ્લમબરોને તો “દા’ડી” યા ને “રોજ” ચૂકવવામાં આવે. (દરેક પૂર્તિમાં આંગળીના વેઢે ગણાય એટલી કૉલમમાંથી “વાંચેબલ” કૉલમ ગણવા માટે તો આંગળીઓ ય વધુ પડે છે ને?! )

વાંચે ગુજરાત જેવા અભિયાનની પુષ્ટી કરનાર હું પુસ્તકોના ભાવ અંગે પણ વાત કરીશ તો ખરાબ લાગે જ પણ વિચારો કે એક સીડી લઈએ (પાઇરેટેડ કે ઓરીજીનલ) તો બે આંકડાની કિંમતમાં એ લોકો ત્રણ આંકડાનાં સોંગ્સ કે ત્રણ ફિલ્મો આપે છે, એ લઈએ છીએ, એમાં ઘણીવાર તો ૭૦-૯૦% “માલ” ન ગમે એવો હોય પણ બાકીના ૩૦ થી ૧૦ % એવો લગડી માલ હોય કે આપણે એક્ચ્યુલી તો એના જ પૈસા ખરચતા હોઇએ છીએ ને? આવી જ રીતે પુસ્તકના પ્રમાણમાં મેગેઝિન કે દિપોત્સવી અંકમાં થતું હોય છે. પણ પુસ્તકમાં એવું બને કે જો એમા સત્વ ન હોય તો (સર્જકોની માફી માંગતા કહેવું પડે છે કે) પૈસા પાણીમાં પડી ગયા લાગે. આવું ન લાગે એ માટે આવું પણ ન થઈ શકે? કે એક પુસ્તકમાં એક કરતા વધુ (બે કે ત્રણ) સર્જકોની કૃતિ સમાવે, યા તો એમાં પણ આગળ-પાછળ પાનાં (પર જ ) એડ લઈને કૉસ્ટ ઘટાડી શકે.

આ જ વાત ટીવી ચેનલ્સને પણ લાગુ પડે, તમે માત્ર DTHનાં પૈસા જ ચૂકવો બાકી ચેનલ્સ બધી ફ્રી ટુ એર જ હોવી જોઇએ નહી કે કલર્સ,કાર્ટુન, સ્પોર્ટસ વગેરે  જોવાના વધુ પૈસા ખરચવાના! એ લોકો લાખો રૂપિયાની એડ લેતા હોય એમાં આપણા પાસેથી ચણા-મમરા જેવી રકમ ઉઘરાવવાના અભરખા શું કામ રાખે છે?

હજુ યે શંકા-સવાલ કે નાકનું ટીચકું ચડાવતા હોય એ લોકો એક દસકા પાછળનો ફ્લેશ બેક જોશે તો યાદ આવશે કે મોબાઈલ કંપની ઇનકમીંગ કંપનીનાં ૮-૧૬ રૂપિયા જેવી રકમ લૂંટતી હતી એ હવે આઉટગોઇંગનાં એક સેકંડના એક પૈસા તો જૂની વાત લાગે, અમુક કંપનીઓ એક મિનિટના ૭ પૈસા જેવા ટેરીફ રાખીને બેઠી છે!

એક વધુ દાખલો આપીને વાત પૂરી કરૂ તો નેટ પર કોણ પૈસા લ્યો છે? યાહુ-ગૂગલ-ફેસબુક- ઓરકુટ  અને વર્ડ પ્રેસ- બ્લોગ સ્પોટ જેવી સાઇટસ પણ ક્યા કોઇ પૈસા વસૂલે છે? છતાંપણ એમનો ધંધો કેમ ધમધોકાર ચાલતો હશે એ વિચારવાની પણ જરૂર નથી.

~ અમૃત બિંદુ ~

મફતનો એક અર્થ અમૂલ્ય પણ થાય.

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ

ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! !


કેમ બાકી પોસ્ટના ટાઈટલ પથી હું કોઇક (હિન્દી ગુજરાતી બન્ને અર્થમાં) મોટો  સાધુ ‘માયત્મા’ લાગ્યોને? કે જેઓ એવી સલાહ આપે જે ખુદ પાળે  પણ નહી અને પાળી શકે એમ પણ ન હોય. હા, તો આ બ્લોગ પોસ્ટ માટે વિષય અમર નામના નેટ ફ્રેન્ડ તરફથી મળ્યો.  તેમણે મને મેઈલ કર્યો કે

Mr. Sudarshan Upadhyay (in his column Talking Point about Gujarati Blog World) , urges Gujarati’s to start writing English Blog otherwise they will be unnoticed.. Besides also saying that some gujaratis are passionate about writing in gujarati writing

Specifically in his word

ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઇ પામવુ હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેકટીસ ના પાડતા, પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ.

નવરાત્રી કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઇ નહી વાંચે પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દસ વાંચકોતો જરુર મળશે.

દરેક ગુજરાતીએ બ્લોગ લખવાને એક હોબી બનાવાની જરુર છે.ઘણાને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જાવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે..

 

સુદર્શન ઉપાધ્યાયનાં આ (નોન સેન્સ કહી શકાય એવા ) ટૉકિંગ પોઇન્ટ પર અમર ની આ વાત પણ વ્યાજબી લાગી કે

How ridiculous is this???

What are your saying about the statements he made through his article???

અમરના આક્રોશ જેવી  અવઢવ મને કટારના નામકરણ અંગે થઈ હતી અને કટાર ગુજરાતી: નામ ઇંગ્લીશ નામે પોસ્ટ બનાવી હતી. એટલે વધુ તો શું લખું પણ હા પૂરવણીમાં અમુક વાતો છે કે –

 

* એમના લેખમાં એમને બ્લોગ અંગેની અને એમાંયે ગુજરાતી બ્લોગ અંગેની બહું ઓછી (સમજ કે ) જાણકારી હોય એવું ઊડીને આંખે વળગે છે.

* કેમ કે એમની દશેરા પર લખો તો કોઇ નહીં વાંચે એ હળાહળ ખોટી વાત છે એ ગુજરાતી બ્લોગ વાચનારા હર કોઇ જાણે છે.

* નિતશકુમાર બે ભાષામાં લખે છે એ કહ્યું છે પણ ન.મો. કેટલી ભાષામાં લખે છે એ નથી કહી શક્યા અને અડવાણી પણ બે ભાષામાં લખે છે એ કદાચ એમને ખ્યાલ નથી!

* અગાઉ ની પોસ્ટમાં પણ ચોખવટ કરી ચૂક્યો હતો કે આનો મતલબ બિલ્કુલ એ નથી કે અંગ્રેજીનો વિરોધ છે પણ જેમ મારા જેવાને ગુજરાતી ભાષાનો માત્ર એટલા માટે જ આગ્રહ રાખે કે અંગ્રેજી નથી  આવડતું તો એ ખોટું છે એ મુજબ જ ગુજરાતી ટાઈપીંગ ન આવડવાના કે ઓછું આવડવાના લીધે જ ગુજરાતીમાં ટાઈપીંગ કરવા વાળાની ઠેકડી ઉડાડવાની આપણે ત્યાં પ્રથા છે અને એ આગૂ સે ચલી આતી હૈ.

* ગુજરાતી સાહિત્ય અને પત્રાકારત્વમાં ભમતા જે જે ભ્રમરોને નેટ માટે ટાઈમ કે આવડત નથી એ બધાને દ્રાક્ષ ખાટી લાગે છે, અને નવાઈની વાત એ છે કે આ બધા (કહેવાતા?)મોટા માથાઓ છે!

* કદાચ અતિશ્યોક્તિ લાગે પણ મને તો એમ લાગે છે કે નેટ પર આવવા ગુજરાતી વાચક વર્ગમાંનો ૯૦ ટકાથી યે વધુ વર્ગ અંગ્રેજીની સાથો સાથ ગુજરાતી વાંચન વાંચે છે.

~ અમૃત બિંદુ ~

હું ગંભીરપણે માનું છું કે ગુજરાતી કવિતા આજના જેટલી અગાઉ ક્યારેય નહિ વંચાઈ હોય. ‘મરીઝ’  કે ‘બેફામ’ આજે હોત તો ઇન્ટરનેટ ઉપર તેમના હજારો નહિ લાખો  ‘ફ્રેન્ડ’ અને ‘ફોલોઅર’ હોત! ઈન્ટરનેટનું  માધ્યમ સ્થાપિત અને નવોદિત બંને પ્રકારના સર્જનશીલો માટે આશીર્વાદ સમાન છે.

– સલીલભાઈ દલાલ (e_વાચક-૨૦૧૦ની વિમોચન પ્રસ્તાવનામાંથી)


16 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ

અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ


કાલે ઝી-ન્યૂઝ કે એવી કોઇ ૨૪ કલાક ચરકતી ચેનલ જોઇ રહ્યો હતો, એમાં બજરંગ દળના વિનય કટિયાર, અન્ય કોઇ મુસ્લિમ નેતા જેનું નામ યાદ નથી અને ત્રીજા જજ હતા મીં સોઢી… આ “તૈયણ” જણા સાથે  પ્રસુન્ન (કદાચ) બાજપાઈ અયોધ્યા વિવાદ અંગે વાત ચીત કરી રહ્યા હતાં, અને સામન્ય રીતે થાય છે એમ જ પ્રસુન્ન મહાશય હિન્દુ નેતાની રીતસર પાછળ પડી ગયા હતા –

આપકી પહેચાન ક્યા હૈ ? અને આપ તો આંદોલનકારી હૈ ? અને હવે કેમ વાતચીતથી મસલો સુલઝવવાની વાત કરો છો ? થી વિ.ક. ને ઉકસાવવાની કોશિશ કરી રહ્યા હતા.

હંમેશની જેમ મારા દિમાગમાં સવાલો ઊભરતા રહ્યા કે સાલ્લુ મિડિયા વાળાને આરએસએસ, વિહિપ, બજરંગ દળ અને ભાજપ વગેરે વગેરે ને જ કેમ “આડે હાથ” લ્યે છે? ઘણા અલગ અલગ જવાબનું સંકલન કરીને કહું તો એવું લાગે છે કે કદાચ એક હિન્દુ બીજા હિન્દુ ને એટલા માટે પજવતો રંજાડતો રહે છે કેમ કે ત્રીજો હિન્દુ એટલે કે આપણે પ્રજાને આ ભવાઈ જોવા હાજર હોય છે અને એની મજા માણે છે!

વધુ કંઇ હું લખું એના કરતા અને હવે (કદાચ) આ ભાષા કોઇ નહીં લખી શકે એટલે આપણા સૌના પ્રિય એવા બક્ષી સાહેબના જ અમુક આર્ટીકલ્સમાંથી અંશો વાંચો-

-x-x-x-x-x-

૧૯૯૩માં પડી ગયેલ હિંદુ મુસ્લિમ દરારની પાછળ બે-ચાર મહિનાઓની ઘટનાઓ નથી, એનો આરંભ ૧૯૦૬માં થયો હતો. કેટલાક માને છેકે એ પ્રક્રિયા ૧૦૨૬માં મેહમૂદ ગઝની સાથે, કે ૧૧૯૨માં શહાબુદ્દિન ઘોરી સાથે,કે ૧૫૨૬માં બાબર સાથે શરૂ થઈ ગઈ હતી. આજનો પ્રશ્ન વધારે સરળ છે. હિંદુ અને મુસ્લિમ ભારતવર્ષમાં વહેતા રક્તના લાલ કણ અને શ્વેત કણ છે? કે યુગોસ્લાવીઆના સર્બ  અને મુસિલમની જેમ તેલ અને પાણી બની ગયા છે? ઉત્તર કદાચ “આવતીકાલ”નો ઇતિહાસ આપશે..

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : એપ્રિલ ૨૫, ૧૯૯૩)

આગામી દશકો સુધી સુધી ભારતવર્ષનો ઇતિહાસ એક પ્રશ્ન પૂછતો રહેશે: બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના ક્ષણના આવેગનો અકસ્માત હતો કે પૂર્વયોજિત હતી? …. ઇતિહાસપરિપ્રેક્ષ્યમાં આ પ્રશ્ન મુકાય છે,અને માત્ર જનક્રાન્તિ નામનો એક શબ્દ શેષ રહી જાય છે.

વિશ્વ ઇતિહાસમાં આવી દિશાપરિવર્તક ત્રણ ઘટનાઓ મારી દ્રષ્ટિએ છે:

(૧) જુલાઈ ૧૪,૧૭૮૯ : પેરિસના બાસ્તિલની કિલ્લાજેલ પર જનતાનો હુમલો અને બાસ્તિલનો ધ્વંસ અને ફ્રેંચ ક્રાંતિનો પ્રારંભ,

(૨)ઑકટોબર ૨૪/૨૫, ૧૯૧૭: લેનિનગ્રાદ કે સેંટ પિટસબર્ગ કે પેત્રોગાદના ઝારના મહેલ પર બોલ્શેવિકોનું આક્રમણ અને ઝારશાહીનુંપતન અને રશિયન ક્રાંતિનો પ્રારંભ

(૩)ડિસેમ્બર ૬, ૧૯૯૨: અયોધ્યાની બાબરી મસ્જિદ પર હિંદુ કારસેવકોનું આક્રમણ અને બાબરી ખંડન અને હિંદુસ્તાનના ઇતિહાસનો પૂરો યુ-ટર્ન.

…… એક દિવસ કદાચ જ્યાં બાબરી ઢાંચાની ઘુમ્મટો હતા ત્યાં રામમંદિરના ઝળહળતા કળશો ઊગતા સૂર્યના પ્રકાશમાં ચમકતા હશે…

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : માર્ચ ૧૪, ૧૯૯૩)

હિન્દુસ્તાનને અને ખાસ કરીને ગુજરાતને ધાર્મિક એખલાસ રાખવાની સલાહો આપવામાં પશ્ચિમના દેશો સતત સક્રિય રહે છે. સારૂં છે. વેરઝેર ન હોવાં જોઇએ, હળીમળીને ચાલવું જોઇએ, ભાઈચારો રહેવો જોઇએ. એ વિષે કોઇ મતાંતર હોવાનું કારણ પણ શા માટે હોવું જોઇએ? ……. પશ્ચિમી દેશો ગુજરાતને સલાહો આપતા રહે છે, કારણકે દ્રોહી સેક્યુલારીસ્ટો અપપ્રચાર કરવામાં એક્કા છે. અંગ્રેજીમાં ટી.વી.પ્રવક્તાઓ અને પત્રાકારો માટે સ્વછંદતા અને દેશદ્રોહની ભેદરેખા ભૂંસાઈ ચૂકીછે.

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – સંદેશ : ફેબ્રુઆરી  ૨૩, ૨૦૦૩)

~ અમૃતબિંદુ ~

બદમાશને ફાંસીને માંચડેથી ઉતારી લો, અને એ તમને ફાંસીના માંચડે ચડાવી દેશે. – અંગ્રેજી કહેવત

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – અભિયાન:એપ્રિલ ૧૨, ૨૦૦૩નું ક્લોઝ અપ)

10 ટિપ્પણીઓ

Filed under સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi