Category Archives: સંગીત

(ભારતીય) સિનેમા શતાબ્દિ પર એક પુસ્તક વાંચવાની (વણમાગી) સલાહ !


Image

^ આમ તો આ પુસ્તક મારા હાથમાં એક વર્ષ પહેલા એટલે કે ૨૦૧૧ના મે મહિનામાં આવ્યું હતું અને વંચાય ગયું હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ જ્યારે આ અને  “પ્રીત કિયે સુખ હોય” એમ આવા બબ્બે પુસ્તકની અમૂલ્ય ભેટ મળી હોય અને એ પણ એના લેખક જય વસાવડા તરફથી , તો એની વાત યોગ્ય ‘ટાણે’ મંડાય તો જ મજા છે ને? અને એ યોગ્ય ટાણું એટલે આપણા સિનેમાની શતાબ્દિથી યોગ્ય અવસર કયો હોય? જયભાઈના ચાહકો (અને ચાહીકાઓ) એ તો આ બૂક્સ ક્યારની વાંચી લીધી જ હશે પણ આ માત્ર વાંચવા માટે જ નહિ  પણ (જય) વસાવડાના આ પુસ્તકો વસાવવા જેવા છે.

* સામાન્ય રીત કોઈ પુસ્તક પોતાના વ્હાલા-વ્હાલીઓને અર્પણ કરતા હોય ત્યારે (ગેલેક્સી) “ટોકીઝ” ને અર્પણ કરાયેલું છે એ એક અલગ ચીલો ચાતરવાનું અને રોમાંચકારી છે.

* સામાન્ય રીતે કોઈ પુસ્તકની પ્રસ્તાવના લખવા (લખાવા)થી દૂર રહેતા ચંદ્રકાંત બક્ષી સામે ચાલીને પ્રસ્તાવના લખે એનાથી પણ આ પુસ્તકનું અદકેરું મૂલ્ય સમજાય એમ છે.

* (ફરી એકવાર !) સામાન્ય રીતે સાહિત્યકારો સિનેમાથી આભડછેટ રાખતા હોય છે (એનું કારણ/તારણ પણ જય ભાઈએ લખેલ જ છે) પણ આમાં મને સાનંદાશ્ચર્ય એ વાતનું થયું કે આ માણસ એ સિનેમા પ્રત્યે માત્ર ઉપરછલ્લો સ્નેહ ન રાખતા એની અંદર ઊતરીને ડૂબકી મારેલી છે, અને પાણીમાં રહીને મગરમચ્છ સાથે દુશ્મની-દોસ્તી બને થાય તો ય પરવા નહિ એવું લખેલું છે.અને એ પણ હિન્દી-અંગ્રેજી-કે ગુજરાતી ફિલ્મો જેવા સિમિત દાયરામાં બંધાઈને ન રહેતા દરેકેદરેક ફિલ્મ અને એના ટેકનિકલ પાસાઓને સુપેરે જાણે છે અને સરળ ભાષામાં આપણને સમજાવે પણ છે.

આથી વધુ લખીશ તો લોકોને મસ્કા જેવું લાગી શકે એટલે અટકું છું એમ નહિ પણ હવે એ પુસ્તકમાંથી (‘સાહિત્ય’ને સાઈડ કરી) સિનેમાને લગતા અમુક અવતરણો મૂકું એ વધુ યોગ્ય ગણાશે.

યોગાનુયોગ આમાં લેખની સંખ્યા પણ અર્ધ શતક છે = પૂરે પચાસ ! 

> અમિતાભે ૩૦ નવેમ્બર, ‘૯૫ના ‘ઇન્ડિયા ટુડે’માં કહેલું, ‘હું જે વ્યવસાયમાં છું-ત્યાં વ્યક્તિ નહીં, વસ્તુ પુજાય છે. ‘શોલે’માં કામ કરવાના મને એક લાખ રૂપિયા મળ્યા,એ ક્યારનાય ખર્ચાઈ ગયા. આજેય લોકો ‘શોલે’ જોઈ મને યાદ કરે છે. પણ મને એ રિપીટ થતી સફળતામાંથી સમ ખાવા પૂરતો પણ હિસ્સો મળતો નથી. . . .

>અમિતાભ વિચારોમાં જમાનાથી આગળ સાબિત થયો, તો તેના અમલમાં જમાનાથી પાછળ રહી ગયો !

> પૃથ્વીગ્રહ પરના તમામ અભિનેતાઓને ભાંગીને પણ જો એક અમિતાભ ઘડાયો હોત, તોયે ફિલ્મ માત્ર અભિનય કે નાયક-નાયિકા થકી નહીં પણ માવજત, નાનાં-નાનાં પાત્રો અને પ્રસંગોની નવીનતાસભર ગૂંથણીથી તૈયાર થતી અનોખી કહાણી અને એ રજૂ કરવાની સંવેદનશીલ શૈલીના જોરે સુંદર અને સુપરહીટ બને છે.

> “સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને આપેલી અણમોલ ભેટનો અનાદર કરવા બરાબર છે. કરોડો સ્ત્રી-પુરુષોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે, તો ઝેરને જલદી કાઢી નાખો, એણે ઉવેખો નહીં.” – લાગે છે ને કે આજની સેટેલાઇટ ક્રાંતિને અનુલક્ષીને હમણાંજ કોઈ પરિસંવાદમાં બોલાયેલા સાચા ફિલ્મરસિકના શબ્દો! પણ આ ઉક્તિઓ તો છેક ૧૯૩૪-૩૫માં કે જ્યારે ફિલ્મમાધ્યમ  પણ વૈશ્વિક સ્તરે પોતાના શૈશવ કાળમાં હતું, ત્યાર અંગ્રેજી ફિલ્મોના આધારે રચેલા બે વાર્તાસંગ્રહો “પ્રતિમાઓ” અને “પલકારા”ની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલી પ્રસતાવાનામાંથી લેવામાં આવી છે.

> સમસ્યા એ છે કે સતત ‘સિને-માં’નું ધાવણ ધાવતી, ઉન્માદની હદે ફિલ્મરસિક ભારતીય પ્રજાને ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મ માણવાનું શીખવાડવામાં જ નથી આવ્યું.

> પ્રેમ પૃથ્વીના હૃદયનું સ્પંદન હોઈને ‘પ્રેમમેવ જયતે’ તો સત્યમેવ જયતે’ કરતાંય સાચુ સત્ય છે !

> (‘હે રામ’ વિશેના લેખમાં) આ દેશમાં આવી ફિલ્મ જોવા અને સમજવાવાળાની ‘લઘુમતી’ સંખ્યા જોઈએ, ત્યારે કાળજું કંપે છે કે – ઇસ દેશ કા યારો . . . ક્યા હોગા ?

> આજેય પુરુષપ્રધાન ભારતીય સમાજ સિગારેટ પીતી, અક્ષતયૌવના ન હોય તેવી વાસ્તવિક નાયિકાને સ્વીકારે તેટલી હદે ‘મધર ઇન્ડિયા’ છાપ વળગણમાંથી મુક્ત નથી થયો એ દુખદ છે. ‘ઇડીયટ’માં જ એક જગ્યાએ કહેવાયું છે કે ‘વાસ્તવિક મેઘાવી માણસો હંમેશા બીબાંઢાળ સમાજને મૂરખ જ લાગે છે પણ તેઓ મૂરખ જ હોય છે !’

‘માસ’ તો ઠીક પણ ‘સારી ફિલ્મો બનતી નથી’ની કોરસમાં કાગારોળ કરતા ‘ક્લાસે’ પણ પૈસા ખર્ચી આવી ફિલ્મો જોઈ પ્રોત્સાહન આપવાને બદલે જોવા-જાણવાની તસ્દી જ ન લેવાની નિષ્ક્રિયતાનું પાણીઢોળ કર્યું છે, એ જોતાં ઉપરોક્ત વિધાનમાં કશી શંકા બાકી રહે છે?

> “ફિલ્મ જોવામાંથી આજીવન નિવૃત્તિ લેવી છે? તો તમારે છેલ્લી ફિલ્મ ‘ટાઇટેનિક’ જોવી” <<->>આ ફિલ્મ નિહાળીને તમે બહાર નીકળો ત્યારે દિલમાં પ્રેમનો ખુમાર, દિમાગમાં મોતના ઓથારનો પડછાયો અને આંખના ખૂણે તગતગતું આંસુનું ટીપું ન હોય તો –

-તો નક્કી માની લેજો કે તમે હજુ ‘માણસ’ બન્યા નથી !

> (‘હાજી  કાસમની વીજળી’ સંદર્ભે) આવતા સો વરસમાંય કદાચ ગમારપણું વધુ દાખવતા હિન્દી ફિલ્મસર્જકો આવાં કથાનકો કચકડે મઢીને ગુજરાતને જગવિખ્યાત બનાવવાના નથી એ નિશ્ચિત છે. એમાં વાંક ફિલ્મસર્જકો કરતાં આપણા પ્રેક્ષકોનો જ વધુ છે. એમને તો આવા ડીઝાસ્ટર ડ્રામામાં પણ ભરપૂર ગાનાબજાના, નિતંબઉલાળ નૃત્યો,કઢંગી કોમેડી અને રાડીયોચીડિયો મેલોડ્રામા જોઈએ.

> સેક્સનું નામ સાંભળીને જ કચકચાવીને હોઠ ભીડી દેતા ભારતીયોના મોંમાં ખરેખર તો લાળનો કોગળો જ છલકાતો હોય છે. ત્યારે આ (‘આઈઝ વાઈડ શટ’) ફિલ્મના અનેકમાંનો  એક સંદેશ એ છે કે , ‘લગ્નજીવનનો માર્ગ મજબૂત બનાવવા માટે ક્યારેક છેતરપિંડી કરીને પણ જરા પ્રયોગાત્મક ડાયવર્ઝનની મદદ લેવી પડે છે.’

> એક નંબરી ચાલુ કિસમના તરકટી તિકડમબાજો વિશે આપણને કેટલી બધી માહિતી છે ! સેંકડો તદ્દન નકામા માણસો વિશે કચરો આપણા દિમાગમાં ભરાય છે. તો પછી આ બધા કરતાં હાજર દરજ્જે સારી એવી પામેલા એન્ડરસન વિશે શા માટે ન જાણવું? કમસેકમ પામેલાએ એક રોકડા રૂપિયાની પણ ક્યારેય રિશ્વત ખાધી નથી. કરોડો દેશવાસીઓના આશા અને વિશ્વાસને પોતાના ઘરના આંગણામાં પડેલો ફૂટબોલ સમજીને તેણે લાતો ફટકારી નથી.

> . . . . સર્જકતા કરતાં સંપત્તિને વધુ મહત્વ આપનારા સમાજને નાઈટ શ્યામલન નામના માણસમાં રસ ન પડે તો જ નવાઈ !

> ફિલ્મ જોઈને શ્રીદેવીની સાડીની બોર્ડર યાદ રાખનારો પ્રેક્ષક દિગ્દર્શકનું નામ વાંચવાની તસ્દી નથી લેતો. . . .

> . . . સિલ્વેસ્ટર સ્ટેલોનની મેગાબજેટ મેગાહીટ ‘રેમ્બો પાર્ટ થ્રી’નું સંપૂર્ણ શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયેલું,પણ શોટ ટેકિંગની દ્રષ્ટિએ ત્યાં જ ઊતરેલી આપણી સ્વદેશી ‘ખુદા ગવાહ’ તેના કરતાં અનેકગણી ચડિયાતી હતી !

^ ઉફ્ફ ! કેટકેટલું ટાઈપ કરવું યાર ? આ માણસ તો કોમેડી-રહસ્ય-ફેન્ટસી-એકશન-સંવેદન દરેકેદરેક ફિલ્મસ તો ખરી જ પણ ટીવીને  ય નથી મૂક્યું ‘હો’ 😉

આ  બધું વાંચતા અનુભવાય છે કે આમની પાસે માત્ર માહિતી જ છે એમ નહિ પણ એના રીતસરના પ્રેમમાં છે એમ કહિયે તો અતિશયોક્તિ નહિ કહેવાય એ વાતમાં તો  ખુદ જય વસાવડા પણ ના નહિ પાડે. એ માટે ‘૨૧મી સદીના બોલીવુડમાં ગુજરાતીઓની બોલબાલા’ અને હોલિવુડમાં ‘ઈન્ડીયન કનેક્શન’ અને ‘અલ્લાહ મિયાં વાળા ગીત…’ વગેરે લેખોમાં કેટકેટલું ઝીણવટ ભર્યું કાંત્યું છે એ તો વાંચ્યે ખબર પડે !

અને અંતે એમના (છેલ્લા લેખના) શિર્ષક ને ગુજ-હિન્દીમાં આમ કહી શકીએ કે વાંચતે વાંચતે (સાહિત્ય & સિનેમા કે સાથ) અફેર હો જાયે !

~ અમૃતબિંદુ ~

RA – જયભાઈ, અમુક લોકો મને (ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ)પૂછે છે કે તમારે અને જેવીને તો ભળતું નહીં, તો આમ કેમ થયું? શું DEAL થયું એ તો કહો?

JV – તમારે કહી દેવાનું ને કે આ DEALની નહિ દિલની વાત છે !

^ જય વસાવડા સાથે ‘સંવાદ’

(એમણે બન્ને પુસ્તકો ભેટ આપ્યા ત્યારે)

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, ફિલ્લમ ફિલ્લમ, સંગીત

કસકના કારનામા


આમ તો કસકનાં કારનામાનો કારવા હંમેશા અવિરતપણે આગળ વધતો જ હોય છે પણ ઘણા દિવસ બાદ અને ઉપરા-ઉપર બે દિવસના પણ એકબીજાને જોડતી કહી શકાય એવી વાત આજે સવિસ્તાર-સતસવીર લખી જ નાંખુ…

 

Saloni_18_Dec2010

ઉપર જે આ પહેલી તસવીર છે એ ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ની છે, અહીં ગાંધીધામમાં “ડાન્સ પે ચાન્સ માર લે “ પ્રોગ્રામ હતો, કસકને એની સ્કૂલ તરફથી પાસ મળ્યો હતો એટલે એ ભાઈ બપોરથી જ થનગની રહ્યા હોય એ સ્વાભાવિક છે, સાંજે ૭વાગ્યે “રાજવી રિસોર્ટ”માં પહોચાડી દીધો અને રાત્રે ૧૨-૩૦ પછી અમારો હિરો ઘોધે જઈ આવ્યો પણ ખાલી ડેલે હાથ દઈને પાછો નહોતો આવ્યો પણ સલોનીના “વીથ લવ ઑટૉગ્રાફ” સાથે આવ્યો હતો. આમ તો આ સલોની એવી કંઇ મોટી સ્ટાર નથી (જો કે હિન્દી શબ્દને સાચી ઠેરવે છે એ અલગ વાત છે) પણ કસકની ઉંમર પ્રમાણેતો અમે એવી અપેક્ષા રાખીયે કે આમ ને આમ “આગળ” વધાય!

અને અમારી એ અપેક્ષાને સાચી ઠેરવા માટે બીજા દિવસના સંજોગો પણ ગોઠવાય ગયા. જુવો એ માટે આ નીચેની તસ્વીર –

 

Shreya_19Dec2010

 

બાપ નંબરી, બેટા દસ નંબરી !

હા, તો ત્રણ વર્ષથી કચ્છ કાર્નીવલ યાને રણોત્સવની ઝાંખી કરવા અમે ભુજ જઈએ છીએ. આ વખતે પણ ગયા અને બપોરે “પ્રિન્સ” માં જમતી વખતે અમારા નેક્સ્ટ ટેબલમાં “શ્રેયા ઘોસાલ” પણ લંચ લેતી હતી. હું પત્નીની હાજરીમાં S.S.B.B.(સીધો-સાદો-ભલો-ભોળો) હોવ છું આઈ મીન રહેવું પડે ને? 😉

એટલે અમે તો એ બાજુ “નજર” નાંખ્યા ૧૬૦ વસૂલ કરવામાં મંડી પડ્યા હતા પરંતુ જમીને જવા જતા હતા ત્યાંજ કોઇક શ્રેયાને ઓળખી ગયું એટલે ત્યાં હતાં એ બધા શ્રેયા સાથે ફોટો-ઑટોગ્રાફ માટે પરેશાન કરવા માંડ્યા.

(એક વાત કે મને એના એટીટ્યુડ પર માન થયું કે ગમે તેટલા લોકો એને જમવા પણ દેતા ન હતા અને ફોટો + ઑટોગ્રાફ માટે હેરાન કરતા હતા પણ એ છોકરી ‘સ્ટાર’ ની જેમ મોઢુ મચકોડ્યા વગર લોકોની લાગણીને માન આપતી રહી!)

અમારા ભાઈસા’બને ખબર પડે પછી એ ઝાલ્યો રયે? એ પણ ફરી એક “લવ” ઉઘરાવવા પહોંચી ગયો!

 

 

~ અમૃત બિંદુ ~

કસકના અન્ય (અને અનન્ય) કારનામાની તવારીખ માટે અહીં ક્લીક કરો

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંગીત, Kasak

ગીત કે સંગીત ? … શબ્દ કે સુર ?


ઉંમરનો ઘોડો ચાળીસ-પચાસ વરસથી આગળ વધે, આંખે બેતાલા આવે, આમ તો બધુ ધુંધળુ ધુંધળુ દેખાવા માંડે પણ મૌતની મંઝિલ (હજુ દુર હોવા છતાંપણ) કરીબ ભાસે ત્યારે ઘોડા (કે ગધેડા) ને પાછુ વળી વળીને  જોવાની (કુ) ટેવ પડતી જાય ! અને એટલે  “અમારા જમાનામાં” કે “પહેલાના જમાનામાં” વાળા વાક્ય પ્રયોગ શરૂ થઈ જાય!

એમાં સૌથી પહેલા જપટમાં આવે ફિલ્મ… “અત્યારનું તો સંગીત જુવો, કેવું ઘોંઘાટીયુ છે? શબ્દના તો કંઇ ઠેકાણા નથી! અમારા જમાનામાં તો ફિલ્મના ગીતોના શબ્દો કેવા હતા? શું મજા આવતી હતી? તન-મન ડોલવા માંડતુ ….. “ આમ કહીને સ્વ. મુકેશ.. સ્વ. રફી.. સ્વ . કિશોર કુમાર અને  લતાજીના ગીતોના દાખલા આપી દેશે.

આમ તો મને સંગીતના “સ” નું યે  “જ્ઞાન” નથી પણ મને હંમેશા એ સવાલ પજવે છે કે શબ્દ ચડે કે સુર ?

મને એવું લાગે છે કે સુર, શબ્દની ઓળખાણ કરાવે છે…. કેટલાયે એવા ગીતો છે જેમાં શબ્દ ન સમજાય તો યે સંગીત ડોલાવે છે અને કેટલાયે એવા ગીતો હશે જેને યોગ્ય સંગીતનો સહારો ન મળવાને કારણે ગુમનામીમાં ધકેલાય ગયા હોય . ગીત કરતા સંગીત ચડે કે સંગીત/સુર કરતા ગીત/શબ્દો નીચા એવું કહેવાનો આશય નથી કેમ કે એક લીટીને મોટી કરી બીજીને નાની બતાવવાનો બાલિશ પ્રયાસ કરીયે  તો એ  ના-સમજી જ કહેવાય ને? પણ અંગત રીતે મને એવું લાગે છે કે સંગીત..સુર.. રીધમ અગર દિલ ને  પહેલા સ્પર્શી જાય એટલે શબ્દો સાથે સ્નેહ ઑટૉમેટીકલી જ સ્થપાવા માંડે છે.

શબ્દ કરતા સંગીત વધુ સંવેદના જગાવે, દિલને  સ્પર્શી જાય એનું કારણ કદાચ “ભાષા” તો નથી? શબ્દને રજુ કરવા ભાષા જોઇએ જ્યારે સંગીત ની સુરાવલી કોઇ ભાષાની મોહતાજ નથી … આમેય દિલની ઊંડાણની લાગણીઓ રજુ કરતી વખતે “ભાષા” વામણી પુરવાર થાય છે એટલે તો જે ભાવના શબ્દથી વ્યકત નથી થતી એ ચુંબનથી.. આંસુથી…માથામાં હાથ ફેરવવાથી ..  સેક્સથી કે થપ્પડથી વધુ સ-ચોટ રીતે વ્યકત કરી શકાય છે ને?

બાળકો સાથે વાત કરવા,  ઇશ્વરને પ્રાર્થના કરવા કે કુદરતના સૌંદ્રયને માણવા ભાષાની જરૂરત છે ?

વાત કરીયે ગીત -સંગીતની,  કિશોર કુમારનું ઇના મીના ડિકા કે ઉડલી કે રફી સાહેબનું યાહુ વગેરેમાં ક્યાં ખાસ ભાષા છે? અને એ જ કિશોર કુમારે વચ્ચે 80ના દાયકામાં જેમાં કાદર ખાન ડાયલોગથી માંડીને  બધુ પોતે જ સંચાલન કરતો  ત્યારે ભપ્પી લહેરીનું સંગીત અને જીતેન્દ્રની એકટીંગ (?) વાળા ગીતો ગમશે ? સામે પક્ષે આજે  રાહત ફતેહ અલી… સોનુ નિગમ.. કુણાલ ગાંજા વાલા, શંકર મહાદેવન . . શ્રેયા ઘોષાલ અને આવા કેટલાયે કલાકાર જે શાસ્ત્રીય કક્ષાના  ગીતો ગાય છે એને નજર અંદાજ કરી શકીયે ?

કુણાલ ગાંજા વાલા એ ગાયેલ અ બહુ ચર્ચીત મર્ડરનું “ભીગે હોઠ” માં જે અરેબિક શબ્દો છે એ કોને સમજાય છે ? છતાંય તન-મન ડોલાવે છે કે નહી ?

ફિલ્મ સિવાયનો બીજો એકદમ  સામા છેડાનો દાખલો લઈએ (અને જેની સામે કદાચ ઘણા વાંધો પણ ઉઠાવે) તો ઝવેરચંદ મેઘાણીનું “મોર બની થનગાટ કરે ” આના શબ્દો કોઇને યાદ રહે એમ નથી પણ આય મ શ્યોર કે ગુજરાતી તો શું કોઇપણ ભારતીય ભાષા પણ ન જાણતો હોય એ માણસ આ સાંભળીને ડોલશે..

મતલબ કે અમુક તો રચના જ સંગીતમય હોય છે .. અહીં સંગીતમયનો અર્થ હું ભાષા વગરની  કહું છું કે એ ઝવેરચંદ મેઘાણીએ ભલે ગુજરાતી-ચારણી ભાષાનો ઉપયોગ કર્યો હોય પણ ભાષાના મોહતાજ નથી.. દિલના ઊંડાણથી શબ્દો નીકળ્યા હશે …

~ અમૃત બિંદુ ~

ભાષા ન હોત તો હું આ પોસ્ટ લખત કેવી રીતે અને તમે વાંચત કેવી રીતે ? ! ?

7 ટિપ્પણીઓ

Filed under Art, ફિલ્લમ ફિલ્લમ, સંગીત, સાહિત્ય

હમમમ…


ધાર્મિક નહિં પરંતુ સામાજીક ભાવનાથી હું ધાર્મિક પ્રવૃતિઓ જેવી કે ગણેશ પુજા, હનુમાન જયંતિ વગેરે વગેરે માં સહભાગી થતો હોવ છું અને દરરોજ ઘર ત્થા ઑફિસમાં સવાર – સાંજ  ભક્તિસંગીત સાંભળું છું, મજા આવે છે અને  મન પણ તરબતર થઈ જાય છે.

આવા અમુક ફિલ્મી તેમજ નોન ફિલ્મી ભક્તિ ગીતોની ઝલક અને સાથે સાથે મારું અવલોકન.

હળવાશથી ન લઈ શકતા લોકોને પહેલા ચેતવણીકે (દિલ-દિમાગથી) કમજોર લોકોએ વાંચવું નહી, ધાર્મિક લાગણી દુભાઈ શકે છે.

( 1 ) લોફર ફિલ્મ ->

         દૂનિયામેં તેરા હૈ બડા નામ , આજ મુજે ભી તુજસે પડ ગયા કામ

         મેરી બીનતી સુને તો જાનું, માનું તુજે મૈ રામ,

         રામ નહિ તો કર દુંગા, સારે જગમે તુજે બદનામ ! !

   => કેમ બાકી, ખુલ્લમ ખુલ્લા ધમકી ! <=

(2) ગુડ્ડી ફિલ્મ ->

         હમકો મનકી શક્તિ દેના…. દોસ્તો સે ભૂલ હો તો માફ કર શકે

  => હકિકત તો એ છે કે પોતાનાની જ ભૂલો માફ કરવી અઘરી હોય છે! ! <=

(3) હનુમાન ચાલીસા ->

ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમંત સે હી સર્વ સુખ કરઈ

=>  ગેસ ચુલો લેવડાવાનો આગ્રહ LPG ડિલરને અહિં થી મળ્યો હશે! <=

(4)  જગજીત સિંઘની ફેમસ ધૂન હે રામ ->

તું  હી બીગાડે,  તું  હી સંવારે. . . ઇસ જગકે સારે કામ

= > અરે યાર આ કેવું? ! <=


વધુ યાદ/ધ્યાન આવશે ત્યારે  …. 

5 ટિપ્પણીઓ

Filed under ધર્મ, પદ્ય, ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંગીત, સમાજ