‘તિમિરપંથી’ , લેખક – ધ્રુવ ભટ્ટ


ધ્રુવ ભટ્ટનાં લખાણ (જી હા લખાણ) વિશે પાંચેક વરસ પહેલા આ જ જગ્યાએ લખેલું –

આપણે ચીલાચાલું વાંચવાના આદી હોવાથી કે પછી એમની અલાયદી અને અલૌકિક દુનિયામાં પ્રવેશવામા આપણને તૈયાર કરતા હોય , ગમે તે પણ એમના પુસ્તકોમાં પહેલા પ્રકરણમાં જામશે નહી પણ પછી  તો એમની સર્જનતાની દુનિયામાં આવ્યા પછી તો  આપણા ને  એવા એવા સાચા મોતી દેખાડે અને એ પણ નિર્લેપ ભાવે કે આપને ત્યારે થાય કે અત્યાર સુધી આપણે ખોટા મોતીને સાચા માનીને ચણતા રહ્યાં!

ખાસ યાદ નથી પણ કદાચ ધ્રુવભાઈના પુસ્તકો વાંચવામાં શરૂઆત કરી ‘અગ્નિકન્યા’થી, ગમી.  થોડીક અલગ લાગી. પણ ત્યારબાદ  ‘તત્વમસી’, ‘અતરાપી’, ‘કર્ણલોક’ , ‘સમુદ્રાન્તિકે’  વગેરેનાં સંપર્કમાં આવ્યા બાદ તો ‘ધ્રુવત્વ’થી અલિપ્ત રહી શકીએ  એવા તો  ‘જડ’ કે ‘મૂઢ’ નથી જ. એમાંય ખાસ ‘અતરાપી’થી તો છૂટી શકાય એમ જ નથી અને એમાં જે  નશો મળ્યો છે એવો હવે બીજા કોઈના પુસ્તકમાં તો શું એમના ખુદના પુસ્તકથી પણ નથી લઇ શકતા એવું હોવું જોઈએ એટલે તો ‘અકુપાર’, ‘લવલી પાન હાઉસ’, અને ‘તિમિરપંથી’નાં બધા વખાણ કરે છે, અને  સરસ છે એમાં પણ કોઈ સવાલ જ નથી પરંતુ કદાચ આ પુસ્તકોમાં હું ‘ધ્રુવત્વ’ શોધવામાં/પામવામાં નિષ્ફળ રહ્યો છું. અથવા તો આ પુસ્તકોમાં જે છે એ બીજને વાવવા માટે મારી માનસિક ભૂમિ હજુ તૈયાર નથી કે એમાંથી વૃક્ષ બને અને એના ફળ હું પ્રાપ્ત કરું! એટલે એ પુસ્તકો વિશે આ મારું અંતિમ આકલન ન ગણવું અને આશા છે કે વધુ વખત વાંચીને, સમજીને  કદાચ એ ભૂમિકાએ પહોંચું અને મારો અભિપ્રાય બદલી શકું.

એ અવસ્થા એ પહોંચું ત્યારની વાત ત્યારે અત્યારે તો ‘તિમિરપંથી’ માંથી થોડા અવતરણો મૂકીને સંતોષ માનું –

માણસો પોતાને નવું જ્ઞાન લાધ્યું છે તેની ઘોષણા કરતાં જરા પણ મોડું કરતા નથી રખે બીજું કોઈ એ જ જ્ઞાન પોતાના કરતાં વહેલું જાહેર કરી દે! (પાનાં નં – ૧૨)

અજાણ્યાએ કહેલું, ‘જાતે મહેનત કરીને નિપજાવનારને સહુથી ઓછું મળે છે. એને ન્યાય ગણો કે અન્યાય. આ જ રિવાજ છે, ક્યારથી, ક્યાંથી અને કઈ રીતે લાગુ કરાયો છે તે ખબર નથી; પણ દ્રઢ નિયમ તરીકે પ્રસ્થાપિત થઇ ગયો છે. અનેક ક્રાંતિઓ થઇ અને થશે. આ રિવાજ બદલાયો નથી. બદલાશે પણ નહીં.’ (પાનાં નં – ૨૪)

નાનું બાળક પણ જાણે છે કે હીબકાં રોકાય નહીં, ગળું સખત દુઃખે, શ્વાસ રૂંધાય, ન જાણે શું શું થતું હોય ત્યારે ‘અવાજ બંધ, બિલકુલ બંધ,’ સાંભળવું પડે તે બાળજગતની સહુથી આકરી સજા છે. (પાનાં નં – ૪૭)

ચોર્ય કળા ક્યાં અને કઈ રીતે અજમાવવાનું 'જ્ઞાન', સમજ

ચોર્ય કળા ક્યાં અને કઈ રીતે અજમાવવાનું ‘જ્ઞાન’, સમજ

 

…..દુનિયાની દરેક સ્ત્રી દ્રઢતાપૂર્વક માને છે કે પતિમાં જેટલી આવડત કમાવાની હશે તેનાથી પા ભાગની પણ કમાયેલું સંઘરી રાખવાની નથી હોતી. એ લોકો કમાશે ખરા પણ સાચવી રાખતાં તેને આવડવાનું નથી.

કોઈ ચતુર સ્ત્રીને ખાનગીમાં પૂછો તો અનુભવસિદ્ધ વિગતો પણ મળશે, ‘જરા કહો તો ખરા કે જે માણસ આજ સુધી મને બરાબર પકડી રાખી શક્યો નથી તે ભલા, લક્ષ્મીને કેમ કરીને રાખી શકવાનો?’

સર્વ ભૂતોમાં ચંચળતમ કોણ? તેવા પ્રશ્નનો જવાબ કોઈ સ્ત્રી આપવાની નથી. હસીને ટાળી દેશે અથવા ઈંગિતો આપીને બોલશે. લાખ લાખ પહેરા ગોઠવીને કે છેક અંદરના ઓરડે પૂરીને પણ સ્ત્રીને સાચવી રાખી શકાઈ નથી. એ તો ઈતિહાસ છે.

એટલે સ્ત્રી કદીયે લક્ષ્મી પર ભરોસો નહીં કરે. એક તો એ પરમ સૌંદર્યમયી, ભુવનમોહિની, બીજું કે રાત્રીધરોની પ્રિય અને પાછી પોતાની જેમ જ, એ પણ સ્ત્રી. જરા તક મળતાં જ ચાલી નીકળશે. સહેજ જેટલી, પણ વાર નહીં કરે. એક ઘરમાં પૂરાઈ રહેવું કોઈનેy ક્યારેય ગમ્યું છે?

એટલે સ્ત્રી સદા સાવચેત રહેશે, તે જાણે છે કે પુરુષ કરશે તે બધા જાપતા અધૂરા હોવાના. સમજો કે એ મજબૂત અને ગૂપ્ત કળોવાળી તિજોરી કરાવશે; પણ મૂકશે ક્યાં?તો કહે આખું જગત, આંખો બંધ રાખીને જોઈ શકે એ રીતે, સામે, દીવાલ પાસે કે દીવાલમાં ચણાવીને.

^ (પાનાં નં – ૧૦૬_૧૦૭) ^

એક આધાર તો આખા જગતને છે તેમ ઈશ્વરનો. પણ ના. ઈશ્વરથી તો કોઈ ડરતું નથી. એક તો તે જાતે એકલો છે. એક જ. વળી એને મન તારું-મારું, કમાયેલું-લૂંટેલું, જડેલું-ખોવાયેલું, મળેલું કે પડાવી લીધેલું બધુંયે સમાન. કશુંયે જુદું નથી.

સ્ત્રી વિચારે છે કે ઈશ્વરનું તો કશું નક્કી નહીં. આજે મારા પર કૃપા કરીને મારા વરને કમાવા દીધું છે. કાલે બીજી કોઈ પર કૃપા કરીને તેના ધણીને ઉઠાવી જવા પણ દેશે. એટલે એની વાત જવા દો. એ કાયમ અંધારું રાખતો નથી અને સમયસર સૂર્યોદય કરાવી આપે  છે એટલું પૂરતું છે. (પાનાં નં – ૧૦૮)

જરાક વિચારો તો તરત ખબર પડશે કે કોઈ જીવ પોતાની પાસે હોય તે બીજાને એમ જ આપી દે એ બનવાનું નથી. બીજાએ કળાએ કરીને બીજાનું લેવું પડવાનું. જીવન-વ્યાપનની આ કળાને ચોરી ગણો એટલે સરવાળે તો જગત આખું લુન્ટાકોથી ભરેલું ગણાય. બીજા પાસેથી મળે એટલું બધા જ પડાવી લે છે. હા, બધાં જ.

આ સાદી વાત સમજવા, પોતાને સજ્જન માનતા જનોની બુદ્ધિ તૈયાર થવાની નથી. એ માટે તો   છાતી પર હાથ મૂકીને, જરા ધ્યાન દઈને અંદરનું સાંભળવું પડે. કોઈ એવી તૈયારીથી સાંભળી શકે તો તરત જવાબ આવશે, જરૂર આવશે. જો બીજા ચોર છે તો તમે પણ છો. જો તમે નથી તો બીજું કોઈ પણનથી જ નથી. (પાનાં નં – ૧૧૯)

છાપાંવાળાy જાણે છે કે છાપાંમાં છપાય તે બધું સાચું જ હોય તેવું બધા માને નહીં, પણ તેમના અંકગ-મનને સુખ આપવું તે ઓછાં પૂણ્યનું કામ નથી. અને છપાય તે સાચું માનનારું પણ કોઈ તો હશે જ.   (પાનાં નં – ૧૫૧)

નાત, જાત, ગામ, નગર, વાસ, સમાજ કે દેશ કે કોઈ પણ સમુદાયના, મોટાભાગના લોકો પોતાની જાતથી આગળનું કશું જોઈ કે વિચારી શકતાં નથી. કોઈક વીરલા જ પોતાને ઓળંગીને પેલે પારનું જોઈ શકે છે. (પાનાં નં – ૨૪૫)

~ અમૃતબિંદુ ~

ધ્રુવભટ્ટ અને એમના લખાણો વિશેની પોસ્ટની બ્લોગ પોસ્ટસ –

http://tinyurl.com/nrm82b4

 

Advertisements

2 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Reading

2 responses to “‘તિમિરપંથી’ , લેખક – ધ્રુવ ભટ્ટ

 1. સમુદ્રાન્તિકે વંચાઈ . . બસ અદભુત ! જાણે દરિયાની માફક આપણે પણ હિલોળે ચડીએ અને ત્યારબાદ એ જ ગહન શાંતિ !

  . . . તત્કાલીન હડિયાપટ્ટી કરીને બે રેન્ડમ પુસ્તકો’ની પસંદગી કરી . . . અતરાપી અને અગ્નીકન્યા !

  ધ્રુવ કે જે પોતે અચળ રહે છે પણ આપણને અંદરથી સતત ચાલતા રાખે છે

  • rajniagravat

   બહું સાચી વાત છે નિરવ, એફ્બી પર એક કોમેન્ટના જવાબમાં કહેલું એ જ અહીં કહું તો –
   ‘અતરાપી’ એને માત્ર છપાયેલા શબ્દોનું પુસ્તક માનવું એટલે એના ભાવ વિશ્વ સુધી ન પહોંચવા બરાબર સમજવું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s