‘યયાતિ’ : વિ.સ.ખાંડેકર


ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ થયો છે એ ‘યયાતિ’ નવલકથા, વિખ્યાત મરાઠી લેખક વિ.સં. ખાંડેકર  લિખિત જેનો અદભૂત અનુવાદ ગોપાળરાવ ગ. વિદ્વાંસ દ્વારા કરવામાં આવ્યો છે.

વધુ વિગત જોઈએ તો –

પ્રથમ આવૃત્તિ : ફેબ્રુ.૧૯૬૩ થી લઈને (મારા હાથમાં જે બૂક આવી છે એ આઠમું પુન મુર્દ્રણ) મે ૨૦૦૯

પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

ઉપર આપેલ પુસ્તકની લીંકમાં પણ કહે છે કે ઈમેજ નોટ અવેલેબલ , મારી બૂકની દશા ખાસ કંઈ સારી નથી એટલે ગૂગલ મહારાજની કૃપા થકી હિન્દી આવૃત્તિની ઈમેજ મૂકી છે. 

મારી આદત મૂજબ જે જે ટીક માર્ક કર્યું છે એ બધું ટાઈપ કરીને મૂકું છું. 

પ્રસ્તાવના

લેખનના પ્રારંભ કાળે એ (લેખક) પૂર્વાસૂરીઓનું – પૂર્વેના મહાન ગુરુઓનું અનુકરણ કરતો હોય છે; પણ જેમ જેમ એનો પ્રવાસ આગળ વધતો જાય છે તેમ તેમ રાજમાર્ગની પડખેની એક જુદી કેડી તેની નજરે પાડવા લાગે છે. એ કેડી એની એકલાની હોય છે. એ કેડી ઉપર સાથ આપનાર કોઈ સમાનધર્મી સાથી હોતો નથી. અનેક વાર ચોપાસ ઘોર અંધકાર વ્યાપેલો હોય છે. . . .

પાર્શ્વભૂમિ

આ જમાનામાં આધુનિક નવલકથા લેખકે વાર્તાના વસ્તુ માટે પુરાણો તરફ દોડવામાં વિચારોની પીછેહઠ તો નથી કરી?આજના સળગતા પ્રશ્નો પડતા મૂકી, આધુનિકતા સાથે જેને લેશ પણ લેવાદેવા નથી, જે અદભૂતરમ્યતાના ધુમ્મસમાં ઢંકાઈ ગયેલો છે, એવા પુરાણકાળનો આશ્રય જો લેખક લેવા માંડે તો એમાં કલા ક્યાં રહી? એમાં સામાજિકતા ક્યાં આવી?

આવો સવાલ કરનારાઓનો પુરાણો સાથેનો પરિચય મોટેભાગે બાળપણમાં વાંચેલા ‘બાલરામાયણ’ અને ‘બાલમહાભારત’ જેવાં પુસ્તકો દ્વારા થયેલો હોય છે. એમણે પુરાણની કથાઓનું વિશાળ આકાશ જોયું તો હોય છે પણ એ દર્શન આંગણામાંની કૂંડીમાં પડેલા તેના પ્રતિબિંબ રૂપે! એ પ્રતિબિંબ પણ દિવસે દીઠું હોય છે – આકાશમાં વાદળાં ન હોય ત્યારે !

.

.

.

આજે હું રજૂ કરું છું તે ‘યયાતિ’ નવલકથાનો આ પૂર્વરંગ થયો! માત્ર આ નવલકથાના વસ્તુ પ્રત્યેનું આકર્ષણ મને ઉપર વર્ણવ્યા ૧૯૪૨ થી ૧૯૫૨ના દાયકાની અનુભૂતી પછી થયું એમ કોઈ માની લે તો એ ખ્યાલ સાવ ભૂલભર્યો જ ગણાશે ! છેલ્લા પિસ્તાળીશ વરસોથી આ વાર્તા મને કાયમ સાંભર્યા કરી છે.. . .

.

.

.

સદગુણી માણસ આ દુનિયામાં સુખી થશે જ એવું ચોક્કસ હોતું નથી. એમ કહો કે આત્મા જેટલો વધુ વિકાસ પામેલો હોય છે તેટલું તેનું દુઃખ અધિક હોય છે! પરંતુ આવો આત્મા પોતે સુખી ન હોય તોપણ અન્યને સુખી કરવામાં તે હંમેશા પ્રયત્નશીલ રહે છે; કેમકે એની ભાવનાની દુનિયા કેવળ પોતાનાં સુખો પૂરતી જ મર્યાદિત નથી હોતી !

.

.

.

આપણી નૈતિક દુનિયામાં જે બન્યું છે, જે બની રહ્યું છે, અને જે બનવાનો સમભાવ છે, એ ગમે તેટલું અણગમતું લાગતું હોય, અનિષ્ટ હોય કે અમંગલ હોય તોપણ,એમાં સામાન્ય માનવીનો દોષ ઓછો છે! એ સામાન્ય છે માટે જ પ્રવાહપતિત હોય છે! પરિસ્થિતિને કારણે એને એવા થવું પડે છે. અંતરમાં ઊંડા ઊતરીને વિચાર કરવાની અને સ્વતંત્ર વિચાર પછી એ અનુસાર આચરવાની શક્તિ એનામાં હોતી નથી. ચિંતન અર્થે જરૂરી એવી શાંતિ – એવું સ્વાસ્થ્ય એને કદી મળી શકતું નથી; એને રોજબરોજના ભરણપોષણમાંથી મુક્ત થવાની ટક પણ સાધારણ રીતે મળતી નથી…..

.

.

.

થાંભલામાંથી પ્રગટ થનારા નૃસિંહ સામાન્ય માનવીને ખોટા લાગે એથી ખેદ પામવાનું કારણ નથી. ખરી દુઃખની વાત એ છે કે હજુ અંત:કરણમાં વસી રહેલા ભગવાનનો પત્તો લાગ્યો નથી! આજનો માનવી મૂર્તિભંજક બન્યો છે એનું મને દુઃખ નથી; પરંતુ સામે જે મૂર્તિ દેખાય તેને ભાંગી પાડવી એ જ પોતાનો ધંધો છે, એવી જે માન્યતા એનામાં ઊભી થવા લાગી છે – અને ભલભલા માનવીઓ તરફથી જેને ટેકો અપાઈ રહ્યીઓ છે –  એ જ હકીકત માનવીની તેમજ માણસાઈની દ્રષ્ટિએ ભારે જોખમભરી છે.

.

.

.

આ સામાન્ય માનવીએ જૂનું પાવિત્ર્ય ફેંકી દીધું છે, પરંતુ અંત:સ્ફૂર્તિથી પેદા થવું જોઈતું નવું પાવિત્ર્ય એને હજુ સાંપડ્યું નથી.અંગ્રેજી અમલના શરૂઆતના કાળમાં દેવ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ અને એનું સ્થાન દેશ પ્રત્યેની ભક્તિએ લીધું. પણ આજે એ ભક્તિ દેશમાં કેતાકલે અંશે નજરે પડે છે?એના પ્રત્યક્ષ નમૂના જોવા હોય તો નાનામોટા આગેવાનોના બંગલાઓથી માંડીને એમની બેન્ક્બૂકો સુધી, છાપાંઓના તંત્રીઓના ટૂંકા અગ્રલેખોથી માંડીને એમના છાપાંમાં દેખાતી પુષ્કળ લાંબી જાહેરાતો સુધી, ક્ષુદ્ર મનને સૂક્ષ્મદર્શક કાચમાંથી જોયા કરનારા સાહીત્યકારોની પસંદગીથી માંડીને લખાણના પુરસ્કાર અર્થે ચાલતા એમના સુમેળ-દુમેળ સુધી, સામાન્ય માનવીની સિગારેટથી માંડીને એના સિનેમા સુધી, તેમ જ એની સ્ત્રીએ વાપરેલ બારીક મુલાયમ પરદેશી કાપડથી માંડીને એના પુત્રના હાથમાં રમતી આઠ ખૂનોવાળી જાસૂસી વાર્તાઓ સુધી, સઘળે ફરી વળીને જોઈ લ્યો !

.

.

.

માનવી ક્ષણિક સુખોની પાછળ દોડવામાં તલ્લીન બન્યો છે; સુખ અને આનંદ વચ્ચેનો તફાવત એનાથી ઓળખી શકાતો નથી. હરકોઈ પ્રકારનું શરીરસુખ – પછી તે જીભને ચટકો લગાડી એની લહેજાતને કારણે એને ખુશખુશાલ કરી દેનાર બટાટાવડાનું હો અગર તો બીજું ગમે તે ઇન્દ્રિજન્ય તેમ ઇન્દ્રીયનિર્ભર સુખ હો – એક વખત ભોગવવાથી, દસ વખત ભોગવવાથી અગર હજાર વખત ભોગવવાથી માનવીને સંતોષ ભાગ્યે જ વળે છે. ઊલટાનું એ ક્ષણિક સુખ જતાં જતાં તે તે ઇન્દ્રિયને પોતાનો ચટકો લગાડતું જાય છે. એ ચટકામાંથી એનો ચસકો લાગે છે! પછીથી જરૂરીયાત તેમ જ મોજશોખ વચ્ચેનો તફાવત ઓળખવામાં એની શક્તિ બૂઠી બની જાય છે.

એ તો દેખીતું જ છે કે ‘ઉપભોગ, વધુ ઉપભોગ’ વાલે યયાતિને રસ્તે જવાથી માણસ સુખી નથી થવાનો. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે દરેક વ્યક્તિએ વૈરાગ્ય લઇ લેવું જોઈએ, બ્રહ્મચારી રહેવું જોઈએ, સન્યાસી થઈ જવું જોઈએ, અમુક ચીજ ખાવી કે નહિ કે પેલી ચિક પીવી કે નહિ એનું વ્રત લેવું જોઈએ ! સામાન્ય માણસના જીવનમાં શરીરસુખને ઘણું મહત્વનું સ્થાન છે. એને પેટપૂર ખાવાનું મળવું જોઈએ, શરીર ઢાંકવા અર્થે પૂરતાં કપડાં પણ જોઈએ અને રહેવા માટે ભલે નાનકડી પણ સ્વચ્છ અને ટાપટીપભરી જગ્યા પણ જોઈએ.

ઓછામાં ઓછા શરીરસુખનો મૂર્ખાઈભર્યો કાયદો માનવીને માથે લાદવાનો કશો અર્થ નથી. માનવી સ્વભાવતઃ વિરાગી નથી, ભોગી છે.

નૈતિક તેમ જ સામાજિક મૂલ્યોની અધોગતિના આ યુગમાં મુખ્ય મહત્વનો સવાલ આ છે. આકાશમાંના તારાઓ હોલવાઈ જાય, મંદિરમાં દીવાઓ બુઝાઈ જાય એનો કશો વાંધો નથી; જ્યાં સુધી માનવીના અંત:કરણમાં માણસાઇની જ્યોત પ્રકાશ્યા કરશે, એની દ્રષ્ટિ આદર્શના ધ્રુવતારકની શોધ કર્યા કરશે, સંયમ એટલે પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી દેવું નહિ, પરંતુ અન્યના સ્વાતંત્ર્યને અવકાશ આપવો એ હકીકત તે ભૂલી નહિ જાય, ત્યાં સુધી માનવીનું ભાવિ અંધકારભર્યું ભીષણ થશે એવો ભય રાખવાની જરાય જરૂર નથી.

કામવાસના પણ ક્ષુધાની વાસના જેટલી જ સ્વાભાવિક વાસના છે. . .પરંતુ માનવીની કોઈપણ વાસના જો સદાય વાસનાની સપાટી પર જ રહે તો એનું રૂપાંતર ઉન્માદમાં થવાનો સંભવ હોય છે. કોઈપણ બાજુએથી એને ઉદ્દાતતાનો સ્પર્શ થવો જોઈએ. કામક્રોધાદિ તમામ વિકારો પ્રત્યેનું મારું દ્રષ્ટિબિંદુ પૂર્વગ્રહથી કલુષિત થયેલું નથી.પ્રાચીન કાળે એ મનોવિકારો માનવીના શત્રુઓ છે એમ મનાતું હતું, પરંતુ માનવીના એ મિત્રો છે,એ વિના એનું જીવતર છેક નીરસ બની જાય, એ હું પૂરેપૂરું સમજું છું તોપણ કૂતરો જેમ માનવીનો અત્યંત ઈમાની સેઅવક હોવા છતાં એને હડકવા થાય ત્યારે એ શત્રુ બને છે, તેવી જ દશા આ બધા મનોવિકારોની છે.

આ બાબતમાં ફ્રોઈડથી  માંડીને કીન્સે સુધીના પાશ્ચાત્ય કામ શાસ્ત્રાગનો શું કહે છે તે હું જાણું છું પરંતુ કામવાસના અગર તો અન્ય કોઈ વાસના, માનવી જીવનમાં જો સતત વાસનાસ્વરૂપમાં જ રહ્યાં કરે તો તેમાં જોખમ રહેલું છે.

હવે નવલકથામાંથી . . . .

“રાજાને ત્યાં હું જનમ્યો તેથી રાજા બન્યો, ને રાજા તરીકે જીવ્યો. એમાં મારી કોઈ લાયકાત કે મારા ગુનો કારણરૂપ નથી. . . .”

“માતાના નખમાં પણ જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પત્નીના મુખમાં પણ . . . .”

“દુનિયા માણસના દિલમાં રહેલી દયા પર નભતી નથી; એના વહેવાર માનવીના કાંડામાં રહેલી શક્તિ પર ચાલે છે. માનવી કેવળ પ્રેમ ઉપર જીવી શકતો નથી; એને અન્યને જીતીને જીવવું પડે છે.માનવી આ દુનિયામાં જે બધી ગડમથલ કરે છે તે ભોગ ભોગવવા અર્થે હોય છે. ત્યાગનાં પ્રવચનો મંદિરમાં શોભે; પણ જીવન એ મંદિર નથી,એ તો યુધ્ધનું રણમેદાન છે.”

“ઉઘાડી આંખો કરતાં બીડેલી આંખોને જ શું કોઈ વાર વધુ દેખાતું હશે?”

“મધરાતે ઝબકનાર તારાપુંજો સામે નિરખી રહેવામાં જે આનંદ છે, તે આનંદ ગગનના એ ઝુમ્મરોને ફોડી નાંખી એમાં ઝબકતી દિપજ્યોતીઓ બુઝાવી દેવામાં જરૂર નથી.”

“પુરુષો મોંએથી શું બોલે છે તે તરફ સ્ત્રીઓ ધ્યાન નથી આપતી; તેમનું ધ્યાન હોય છે પુરુષોની આંખો ભણી !”

“ખરી વાત છે કે દુનિયામાં હરેક વ્યક્તિ પોતા સારું જ જીવે છે. વૃક્ષો અને વેલાઓનાં મૂળ જેમ નજીકની ભીનાશ તરફ વધે છે, તેમ માણસો પણ સુખને સારુ નજીકનાં માનવીઓનો આધાર શોધે છે. આ વૃતિને જ દુનિયા કદી પ્રેમ તરીકે પિછાને છે. પણ સાચેસાચ તો એ આત્મપ્રેમ હોય છે. . . “

“પ્રીતિનું સ્વરૂપ કોઈ વખત વિકસતા ફૂલ જેવું હોય છે તો કોઈ વાર તે ભડભડ બળતી જ્વાળાઓ સમું હોય છે; કદી કદી તે ચાંદનીનું સ્વરૂપ લ્યે છે તો કદી તે વિદ્યુત રૂપે ચમકે છે, કદી કદી તે હરણબાળનું સ્વરૂપ લે છે તો કોઈ વાર ફુત્કાર કરતી નાગણ રૂપે પ્રકટે છે; કદી તે જીવન ન્યોછાવર કરી દે છે તો કદી જીવન હરી પણ લે છે !”

“આ જગતમાં સારાનરસાના, ખરાખોટાના, પાપપુણ્યના સાક્ષી કેવળ બે જ જણા છે. એક માનવીનો પોતાનો આત્મા અને બીજો સર્વસાક્ષી પરમાત્મા. પરમાત્મા સર્વસાક્ષી હશે, પણ નિરપરાધી માનવીના પક્ષે સાક્ષી આપવા એ દોડી આવે ખરો?”

“પુરુષની આંખો જોતાં એ કામી છે કે નહિ, એ સ્ત્રી તુરત પારખી શકે છે! એની લાલસાભરી આંખ ઓળખાઈ જતાં જ આ શિકાર તુરત જ જાળમાં સપળાઈ જશે એ વિષે એની ખાતરી થઈ જાય છે.”

“. . . પણ એની આંખોમાં મે લોલુપતા ન દીઠી.સ્ત્રીઓને આવા પુરુષો જ ગમે છે. તેમની પાછળ પાછળ ફરનારાઓ તરફથી તેઓ મોં ફેરવી જાય છે. જ્યારે તેમના તરફ જરાય નજર ન નાંખનારાની સાથે તેઓ પકડવાની રમત આદરી દે છે! કેવી વિચિત્ર વાત છે? પણ એ જ હકીકત છે.”

“લંપટ પતિ જ પત્નીની મૂઠીમાં રહે છે !”

“સ્ત્રી જો નવ મહિના સુધી ઉદરમાં ગર્ભ ધારણ ન કરી રાખે તો પુરુષ જન્મે જ ક્યાંથી? વાત કેટલી સાદી છે! સામાન્ય માનવી એ બધાનો સ્વીકાર કરીને જ જીવે છે.”

“સ્ત્રીનું જીવન અને પુરુષોનું જીવન: બંનેમાં કેટલું મહદ અન્તર રહેલું છે! પુરુષ અમૂર્તની પાછળ સહેજ દોડી જઈ શકે છે. કીર્તિ,આત્મા,તપ,પરાક્રમ વગેરે બાબતો પ્રત્યે એ તુરત આકર્ષાય છે તેનું કારણ આ જ છે. પણ સ્ત્રી એ બધાંથી જલ્દીથી મોહાઇ જતી નથી.એના પ્રીતિ,પતિ,બાળકો, સેવા, સંસાર વગેરે બાબતો પ્રત્યે વધુ ખેંચાણ હોય છે. એ સંયમ પાળશે. ત્યાગ કરશે;પણ એ મૂર્ત બાબતો સારુ! પુરુષની પેઠે એને અમૂર્તનું આકર્ષણ નથી થતું.પોતાના સર્વસ્વના સમર્પણ દ્વારા પૂજન કરવા અર્થે, અગર તો પોતાનાં અશ્રુઓથી એને નવડાવી દેવા સારુ મૂર્તિની જરૂર રહે છે. પુરુષ સ્વભાવે જ આકાશનો પૂજક છે. સ્ત્રીને પૃથ્વીની પૂજા પ્રિય છે !”

“શરીર અને આત્માનો સંગમ દુશ્મનાવટભર્યો નથી; એક જ રથનાં બે પૈડા છે. આ બે પૈડા પૈકી એકાદ પણ ભાંગી પડે તો બીજા પર બધો ભાર આવી પડે છે, અને એથી તુલા જોખમાય છે! આત્માની ઉન્નતિ ખાતર શરીરને દમવું અગર તો શરીરસુખ અર્થે આત્માને જડ બનાવી દેવો, એ બન્ને માર્ગો ભૂલભરેલા છે. ઈશ્વરે સર્જેલું આ સૃષ્ટિનું વિવિધ સૌંદર્ય અપવિત્ર અગર તો અસ્પૃશ્ય શી રીતે હોઈ શકે? સ્ત્રી અને પુરુષનો સંબંધ દેહ અને આત્મા સરખો છે. એકબીજાનો તિરસ્કાર કરીને નહિ પરંતુ પરસ્પર પ્રત્યે પ્રેમ દાખવીને – એવો પ્રેમ કે એમાં જાતનું સંપૂર્ણ રીતે વિસર્જન થઈ જાય એવો પ્રેમ દાખવીને જ સ્ત્રીપુરુષ સંસારમાં સ્વર્ગ સુખ પ્રાપ્ત કરી શકે છે.માટે જ સંસારને યજ્ઞ જેટલું જ પવિત્ર સ્થાન અપાયું છે. સામાન્ય માનવીનો એ જ ધર્મ છે.”

~ અમૃતબિંદુ ~

http://tiny.cc/tcigew 

^ ઘણા સમય પહેલા ઓશોના પ્રવચનમાં ‘યયાતિ’ વિશે સાંભળ્યું હતું  જે  માંથી  અમુક અંશો નેટ પર  પણ મળ્યા.

 

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under Art, ધર્મ, સાહિત્ય

4 responses to “‘યયાતિ’ : વિ.સ.ખાંડેકર

  1. યયાતિનું પાત્ર ગજબ છે. પોતાના પુત્ર પાસેથી યુવાની મેળવીને તે ભોગ ભોગવવા ફરી યુવાન થાય છે. છેવટે તેને સમજાય છે કે અગ્નિમાં હોમ કરવાથી અગ્નિ કદી શાંત થતો નથી. ભોગ નથી ભોગવાણાં પણ ભોગ ભોગવનારો જ ભોગવાઈ ગયો છે.

  2. ગમ્યું. આ પુસ્તક વાંચવું પડશે હવે.

  3. યયાતિ એ પુરુષ–પ્રકૃતિનું એક પ્રતીક છે. વિ.સ. ખાંડેકરની ઘણી નવલો નાનપણમાં વાંચી છે. ગો.વિદ્વાંસજીએ ગુજરાતની બહુ મોટી સેવા કેટલાક અનન્ય અનુવાદો આપીને કરી છે.

    તમે આ માર્ગે તેમનું જ પગલું આગળ મૂકીને વાચકોને ઈશારો કર્યો છે જે ઘણાંને વાંચવા પ્રેરશે…

  4. ઘણાં વર્ષો પહેલા વાંચી હતી તો કંઈ યાદ નથી. ફરી વાંચવી પડશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s