(ભારતીય) સિનેમા શતાબ્દિ પર એક પુસ્તક વાંચવાની (વણમાગી) સલાહ !


Image

^ આમ તો આ પુસ્તક મારા હાથમાં એક વર્ષ પહેલા એટલે કે ૨૦૧૧ના મે મહિનામાં આવ્યું હતું અને વંચાય ગયું હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ જ્યારે આ અને  “પ્રીત કિયે સુખ હોય” એમ આવા બબ્બે પુસ્તકની અમૂલ્ય ભેટ મળી હોય અને એ પણ એના લેખક જય વસાવડા તરફથી , તો એની વાત યોગ્ય ‘ટાણે’ મંડાય તો જ મજા છે ને? અને એ યોગ્ય ટાણું એટલે આપણા સિનેમાની શતાબ્દિથી યોગ્ય અવસર કયો હોય? જયભાઈના ચાહકો (અને ચાહીકાઓ) એ તો આ બૂક્સ ક્યારની વાંચી લીધી જ હશે પણ આ માત્ર વાંચવા માટે જ નહિ  પણ (જય) વસાવડાના આ પુસ્તકો વસાવવા જેવા છે.

* સામાન્ય રીત કોઈ પુસ્તક પોતાના વ્હાલા-વ્હાલીઓને અર્પણ કરતા હોય ત્યારે (ગેલેક્સી) “ટોકીઝ” ને અર્પણ કરાયેલું છે એ એક અલગ ચીલો ચાતરવાનું અને રોમાંચકારી છે.

* સામાન્ય રીતે કોઈ પુસ્તકની પ્રસ્તાવના લખવા (લખાવા)થી દૂર રહેતા ચંદ્રકાંત બક્ષી સામે ચાલીને પ્રસ્તાવના લખે એનાથી પણ આ પુસ્તકનું અદકેરું મૂલ્ય સમજાય એમ છે.

* (ફરી એકવાર !) સામાન્ય રીતે સાહિત્યકારો સિનેમાથી આભડછેટ રાખતા હોય છે (એનું કારણ/તારણ પણ જય ભાઈએ લખેલ જ છે) પણ આમાં મને સાનંદાશ્ચર્ય એ વાતનું થયું કે આ માણસ એ સિનેમા પ્રત્યે માત્ર ઉપરછલ્લો સ્નેહ ન રાખતા એની અંદર ઊતરીને ડૂબકી મારેલી છે, અને પાણીમાં રહીને મગરમચ્છ સાથે દુશ્મની-દોસ્તી બને થાય તો ય પરવા નહિ એવું લખેલું છે.અને એ પણ હિન્દી-અંગ્રેજી-કે ગુજરાતી ફિલ્મો જેવા સિમિત દાયરામાં બંધાઈને ન રહેતા દરેકેદરેક ફિલ્મ અને એના ટેકનિકલ પાસાઓને સુપેરે જાણે છે અને સરળ ભાષામાં આપણને સમજાવે પણ છે.

આથી વધુ લખીશ તો લોકોને મસ્કા જેવું લાગી શકે એટલે અટકું છું એમ નહિ પણ હવે એ પુસ્તકમાંથી (‘સાહિત્ય’ને સાઈડ કરી) સિનેમાને લગતા અમુક અવતરણો મૂકું એ વધુ યોગ્ય ગણાશે.

યોગાનુયોગ આમાં લેખની સંખ્યા પણ અર્ધ શતક છે = પૂરે પચાસ ! 

> અમિતાભે ૩૦ નવેમ્બર, ‘૯૫ના ‘ઇન્ડિયા ટુડે’માં કહેલું, ‘હું જે વ્યવસાયમાં છું-ત્યાં વ્યક્તિ નહીં, વસ્તુ પુજાય છે. ‘શોલે’માં કામ કરવાના મને એક લાખ રૂપિયા મળ્યા,એ ક્યારનાય ખર્ચાઈ ગયા. આજેય લોકો ‘શોલે’ જોઈ મને યાદ કરે છે. પણ મને એ રિપીટ થતી સફળતામાંથી સમ ખાવા પૂરતો પણ હિસ્સો મળતો નથી. . . .

>અમિતાભ વિચારોમાં જમાનાથી આગળ સાબિત થયો, તો તેના અમલમાં જમાનાથી પાછળ રહી ગયો !

> પૃથ્વીગ્રહ પરના તમામ અભિનેતાઓને ભાંગીને પણ જો એક અમિતાભ ઘડાયો હોત, તોયે ફિલ્મ માત્ર અભિનય કે નાયક-નાયિકા થકી નહીં પણ માવજત, નાનાં-નાનાં પાત્રો અને પ્રસંગોની નવીનતાસભર ગૂંથણીથી તૈયાર થતી અનોખી કહાણી અને એ રજૂ કરવાની સંવેદનશીલ શૈલીના જોરે સુંદર અને સુપરહીટ બને છે.

> “સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને આપેલી અણમોલ ભેટનો અનાદર કરવા બરાબર છે. કરોડો સ્ત્રી-પુરુષોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે, તો ઝેરને જલદી કાઢી નાખો, એણે ઉવેખો નહીં.” – લાગે છે ને કે આજની સેટેલાઇટ ક્રાંતિને અનુલક્ષીને હમણાંજ કોઈ પરિસંવાદમાં બોલાયેલા સાચા ફિલ્મરસિકના શબ્દો! પણ આ ઉક્તિઓ તો છેક ૧૯૩૪-૩૫માં કે જ્યારે ફિલ્મમાધ્યમ  પણ વૈશ્વિક સ્તરે પોતાના શૈશવ કાળમાં હતું, ત્યાર અંગ્રેજી ફિલ્મોના આધારે રચેલા બે વાર્તાસંગ્રહો “પ્રતિમાઓ” અને “પલકારા”ની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલી પ્રસતાવાનામાંથી લેવામાં આવી છે.

> સમસ્યા એ છે કે સતત ‘સિને-માં’નું ધાવણ ધાવતી, ઉન્માદની હદે ફિલ્મરસિક ભારતીય પ્રજાને ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મ માણવાનું શીખવાડવામાં જ નથી આવ્યું.

> પ્રેમ પૃથ્વીના હૃદયનું સ્પંદન હોઈને ‘પ્રેમમેવ જયતે’ તો સત્યમેવ જયતે’ કરતાંય સાચુ સત્ય છે !

> (‘હે રામ’ વિશેના લેખમાં) આ દેશમાં આવી ફિલ્મ જોવા અને સમજવાવાળાની ‘લઘુમતી’ સંખ્યા જોઈએ, ત્યારે કાળજું કંપે છે કે – ઇસ દેશ કા યારો . . . ક્યા હોગા ?

> આજેય પુરુષપ્રધાન ભારતીય સમાજ સિગારેટ પીતી, અક્ષતયૌવના ન હોય તેવી વાસ્તવિક નાયિકાને સ્વીકારે તેટલી હદે ‘મધર ઇન્ડિયા’ છાપ વળગણમાંથી મુક્ત નથી થયો એ દુખદ છે. ‘ઇડીયટ’માં જ એક જગ્યાએ કહેવાયું છે કે ‘વાસ્તવિક મેઘાવી માણસો હંમેશા બીબાંઢાળ સમાજને મૂરખ જ લાગે છે પણ તેઓ મૂરખ જ હોય છે !’

‘માસ’ તો ઠીક પણ ‘સારી ફિલ્મો બનતી નથી’ની કોરસમાં કાગારોળ કરતા ‘ક્લાસે’ પણ પૈસા ખર્ચી આવી ફિલ્મો જોઈ પ્રોત્સાહન આપવાને બદલે જોવા-જાણવાની તસ્દી જ ન લેવાની નિષ્ક્રિયતાનું પાણીઢોળ કર્યું છે, એ જોતાં ઉપરોક્ત વિધાનમાં કશી શંકા બાકી રહે છે?

> “ફિલ્મ જોવામાંથી આજીવન નિવૃત્તિ લેવી છે? તો તમારે છેલ્લી ફિલ્મ ‘ટાઇટેનિક’ જોવી” <<->>આ ફિલ્મ નિહાળીને તમે બહાર નીકળો ત્યારે દિલમાં પ્રેમનો ખુમાર, દિમાગમાં મોતના ઓથારનો પડછાયો અને આંખના ખૂણે તગતગતું આંસુનું ટીપું ન હોય તો –

-તો નક્કી માની લેજો કે તમે હજુ ‘માણસ’ બન્યા નથી !

> (‘હાજી  કાસમની વીજળી’ સંદર્ભે) આવતા સો વરસમાંય કદાચ ગમારપણું વધુ દાખવતા હિન્દી ફિલ્મસર્જકો આવાં કથાનકો કચકડે મઢીને ગુજરાતને જગવિખ્યાત બનાવવાના નથી એ નિશ્ચિત છે. એમાં વાંક ફિલ્મસર્જકો કરતાં આપણા પ્રેક્ષકોનો જ વધુ છે. એમને તો આવા ડીઝાસ્ટર ડ્રામામાં પણ ભરપૂર ગાનાબજાના, નિતંબઉલાળ નૃત્યો,કઢંગી કોમેડી અને રાડીયોચીડિયો મેલોડ્રામા જોઈએ.

> સેક્સનું નામ સાંભળીને જ કચકચાવીને હોઠ ભીડી દેતા ભારતીયોના મોંમાં ખરેખર તો લાળનો કોગળો જ છલકાતો હોય છે. ત્યારે આ (‘આઈઝ વાઈડ શટ’) ફિલ્મના અનેકમાંનો  એક સંદેશ એ છે કે , ‘લગ્નજીવનનો માર્ગ મજબૂત બનાવવા માટે ક્યારેક છેતરપિંડી કરીને પણ જરા પ્રયોગાત્મક ડાયવર્ઝનની મદદ લેવી પડે છે.’

> એક નંબરી ચાલુ કિસમના તરકટી તિકડમબાજો વિશે આપણને કેટલી બધી માહિતી છે ! સેંકડો તદ્દન નકામા માણસો વિશે કચરો આપણા દિમાગમાં ભરાય છે. તો પછી આ બધા કરતાં હાજર દરજ્જે સારી એવી પામેલા એન્ડરસન વિશે શા માટે ન જાણવું? કમસેકમ પામેલાએ એક રોકડા રૂપિયાની પણ ક્યારેય રિશ્વત ખાધી નથી. કરોડો દેશવાસીઓના આશા અને વિશ્વાસને પોતાના ઘરના આંગણામાં પડેલો ફૂટબોલ સમજીને તેણે લાતો ફટકારી નથી.

> . . . . સર્જકતા કરતાં સંપત્તિને વધુ મહત્વ આપનારા સમાજને નાઈટ શ્યામલન નામના માણસમાં રસ ન પડે તો જ નવાઈ !

> ફિલ્મ જોઈને શ્રીદેવીની સાડીની બોર્ડર યાદ રાખનારો પ્રેક્ષક દિગ્દર્શકનું નામ વાંચવાની તસ્દી નથી લેતો. . . .

> . . . સિલ્વેસ્ટર સ્ટેલોનની મેગાબજેટ મેગાહીટ ‘રેમ્બો પાર્ટ થ્રી’નું સંપૂર્ણ શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયેલું,પણ શોટ ટેકિંગની દ્રષ્ટિએ ત્યાં જ ઊતરેલી આપણી સ્વદેશી ‘ખુદા ગવાહ’ તેના કરતાં અનેકગણી ચડિયાતી હતી !

^ ઉફ્ફ ! કેટકેટલું ટાઈપ કરવું યાર ? આ માણસ તો કોમેડી-રહસ્ય-ફેન્ટસી-એકશન-સંવેદન દરેકેદરેક ફિલ્મસ તો ખરી જ પણ ટીવીને  ય નથી મૂક્યું ‘હો’ 😉

આ  બધું વાંચતા અનુભવાય છે કે આમની પાસે માત્ર માહિતી જ છે એમ નહિ પણ એના રીતસરના પ્રેમમાં છે એમ કહિયે તો અતિશયોક્તિ નહિ કહેવાય એ વાતમાં તો  ખુદ જય વસાવડા પણ ના નહિ પાડે. એ માટે ‘૨૧મી સદીના બોલીવુડમાં ગુજરાતીઓની બોલબાલા’ અને હોલિવુડમાં ‘ઈન્ડીયન કનેક્શન’ અને ‘અલ્લાહ મિયાં વાળા ગીત…’ વગેરે લેખોમાં કેટકેટલું ઝીણવટ ભર્યું કાંત્યું છે એ તો વાંચ્યે ખબર પડે !

અને અંતે એમના (છેલ્લા લેખના) શિર્ષક ને ગુજ-હિન્દીમાં આમ કહી શકીએ કે વાંચતે વાંચતે (સાહિત્ય & સિનેમા કે સાથ) અફેર હો જાયે !

~ અમૃતબિંદુ ~

RA – જયભાઈ, અમુક લોકો મને (ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ)પૂછે છે કે તમારે અને જેવીને તો ભળતું નહીં, તો આમ કેમ થયું? શું DEAL થયું એ તો કહો?

JV – તમારે કહી દેવાનું ને કે આ DEALની નહિ દિલની વાત છે !

^ જય વસાવડા સાથે ‘સંવાદ’

(એમણે બન્ને પુસ્તકો ભેટ આપ્યા ત્યારે)

5 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, ફિલ્લમ ફિલ્લમ, સંગીત

5 responses to “(ભારતીય) સિનેમા શતાબ્દિ પર એક પુસ્તક વાંચવાની (વણમાગી) સલાહ !

 1. pruthu

  ખૂબ જ સરસ લેખ..

 2. હું શ્રી જયજીનાં ફિલ્મો વિશેનાં લેખ રસપૂર્વક વાંચું છું (ગુ.સ.ની કોલમમાં વખતો વખત આવે છે) પછી વળી એ ફિલ્મ પણ (જો ભલામણ કરાયેલી હોય તો !) જોઉં છું (થિએટરમાં આવે તો…અને તો જ !). પણ રજનીભાઈ, એક વાત અંગતપણે કહું છું કે જય વસાવડાએ જે તે ફિલ્મ પર લખેલો લેખ વાંચ્યા પછી તે ફિલ્મ જોવી એમ ન કહેવાય “ફિલ્મ માણવી” એમ કહેવાય !!

  આવી (વણમાગી) આપતા રહેશો. (મોકલતા રહેશો એમ તો ન કહેવાય ! 🙂 ) આભાર.

 3. parikshitbhatt

  સારી છણાવટ રજનીભાઈ…

 4. (અનીલ કપૂર સ્ટાઈલ માં) હી હે હી હે હી હી હેહેહેહે.(અનીલ કપૂર સ્ટાઈલ પૂરી)

  રજની ભાઈ આ આપડી રેફરન્સ બૂક છે.

  જયભાઈ ની પહેલી બૂક જે પોતાની કમાણી માં થી ખરીદી (એ સિવાય યુવા હવા થોડી એક ફ્રેન્ડ પાસે થી વાચેલી અને માહિતી અને મનોરંજન થિયોસોફીકલ લાઈબ્રેરી ભાવનગર માંથી). અને અભિષેક ની બ્લફ માસ્ટર માં બોમન ઈરાની ના ડાયલોગ માં કીધું છે એમ. જીવન માં જે પહેલી વસ્તુ હોય એનો રોમાંચ વધારે રહે….. એ રીતે સિનેમા અને સાહિત્ય આપડી માટે સ્પેશીયલ છે…

  દિલ ગાર્ડન ગાર્ડન કર દિયા.

 5. Envy

  સરસ પોસ્ટ.
  મારા એક સગા (એમના લખાણ ના ચાહક છતાં) મને કહે, જે.વી. તો સિનેમા ઉપર જ લખતા હોય છે, તમે ઓળખો છો તો કહો ને કે સાહિત્ય અને સામાજિક લેખો વધુ લખે. મેં કહ્યું, એમનો વિષય વિસ્તાર તો રણ જેવો છે, તમને સિનેમા ઝાઝું નથી ગમતું એટલે એમ લાગે છે.
  “આ DEALની નહિ દિલની વાત છે” વાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s