ધરતીનું ધાવણ ધાવેલા દિલીપ રાણપુરા


આજે શ્રી દિલીપ રાણપુરાની પૂણ્યતિથિ છે એટલે આ પોસ્ટ માટે એમની તસ્વીર શોધવા ગૂગલ પર સર્ચ કર્યુ તો તસ્વીરના બદલે દુ:ખ સાથે નિરાશા મળી. એક જ તસ્વીર જોવા મળી, જે  બે બ્લોગમાં છે.  નિરાશા અને દુ:ખનું કારણ એ કે શ્રી યશવંત મહેતા સંપાદિત (પ્રકાશક- અમરભાઈ ઠાકોરલાલ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) “દિલીપ રાણપુરા સાહિત્ય વૈભવ” (એન્થોલોજી) માં વાંચ્યુ હતું કે અનેક અકૃત્રિમ સાહિત્યકારો આપણીભાષામાં થયા છે, જેમાં પ્રથમ ત્રણ નામ આપવાના હોય તો ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ અને દિલીપ રાણપુરાનાં આપી શકાય.

દિલીપ રાણપુરા એવા સાહિત્યકારમાંના એક જેઓનો ગામડામાં જન્મ, શિક્ષણ લીધું પણ એ ય પાછું કૉલેજ શિક્ષણ તો નહીં જ. તેમ છતાં મરીઝ, ગની, દહીંવાલા વગેરેની જેમ ઉત્તમ સર્જન કર્યું એનાથી એટલું કહી શકાય કે લેખક થવા માટે, કૉલમ, કે આવી બ્લોગ પોસ્ટ લખવા માટે ખાલી “જ્ઞાન” કે વાંચનથી ચાલી શકે પણ સર્જકતા માટે જરૂરી છે સંવેદના. ત્યાં દિમાગની સાથે સાથે દિલની પણ જરૂરત પડે છે.

ફરી દિલીપભાઈની જ વાત પર આવીયે તો જીવનનો  કઠોર નો અનુભવ છતાં એમના લખાણમાં કડવાશ ઊતરી હોય એવું દેખાતું નથી.

યશવંતભાઈએ આ અનુસંધાનમાં સરસ લખ્યું છે –  યુનિવર્સિટી-કક્ષાના શિક્ષણથી અપરિચિત રહેવાને પરિણામે એમની ભાષા આડંબર-રહિત અને સરળ બની હતી.

એમની પ્રારંભની ઉત્તમ કૃતિ ‘સૂકી ધરતી, સૂકા હોઠ’ (૧૯૬૭)એક ઉચ્ચાશયી વ્યક્તિના ક્રમશ: હાસની, નિરાશાવાદી કૃતિ હતી. દોસ્તોએવ્સ્કી, કામૂ, કાફ્કા અને બેકેટનાં વર્ગમાં બેસે એવી એ કૃતિ છે, એમણે આ બધા લેખકોનાં નામ સુધ્ધાં સાંભળ્યાં નહિ હોય! (આ કૃતિ પરથી ફિલ્મ બનાવવાનો પ્રયાસ પણ થયો.. પરંતુ નાણાંભીડનો નાગ અહી ફૂંફાડા જ નહી પણ પણ ડશી પણ ગયો! અને ફિલ્મ ન બની!)

એ જ પુસ્ત્કમાં આપેલ એમની જીવન તવારીખ પરની અમુક તારીખ પર નજર  –

૧૪-૧૧-૧૯૩૧  = ધંધુકામાંજન્મ (મૂળ નામ ધરમશી)

૧૯૪૨              = ચાલુ અભ્યાસ દરમિયાન પિતાની કાપડની દુકાને વેપારની તાલીમ

૧૯૪૬              = આર.એસ.એસ.ની પ્રવૃતિમાં પ્રવૃત પણ બં‍‍ને હાથ ભા‍ગતા બંધ

૧૯૪૭              = કમ્યુનિસ્ટ પાર્ટીનું કામ કર્યુ…… અમદાવાદમાં કંપોઝિટરની નોકરીમાં જોડાયા

૧૯૪૮               = અમદાવાદ-ધંધુકા-બોટાદનો રઝળપાટ

૧૯૪૯               = મુંબઈ નોકરી માટે.. જન્મભૂમિમાં કંપોઝિટરની નોકરી..બોક્સ                મેન્યુઅફેક્ચરીંગમાં ઑર્ડરમેન તરીકે જોડાવું પણ ઉતરાર્ધમાં ધંધુકા પાછા ફરી પુન: શાળામાં પ્રવેશ

૧૯૫૦              = કોંગ્રેસ સેવાદળમાં જોડાયા.. રોયકા ગામે શિક્ષક …

૧૯૫૦ એપ્રિલ  = પોલીસ કોન્સ્ટેબલની તાલીમમાં સાબરમતી ગયેલ પરંતુ બે દિવસ અને એક રાત્રિ રહી કપ ડાવગેરે મૂકી નીહળી ગયેલ.

૧૯૫૧              = પાલણપુર-મજાદરમાં શિક્ષક તરીકે જોડાયા… સવિતાબેન સાથે લગ્ન .. નોકરીમા‍થી રાજીનામુ‍

૧૯૫૨             = માઇલસ્ટોન રંગવાનું કામ, અમરેલી જિલ્લામાં શિક્ષક તરીકે મળેલી નિમણૂકનો અસ્વિકાર

૧૯૫૩              = છૂટક કામ – લગ્ન પ્રસંગે કંદોઈ સાથે ગામડાંમાં મદદગાર તરીકે જવું. નેશનલ હાઈ વે પર કો ન્ટ્રાકટરના માપણીદાર અને ચુકાવા કારકુન તરીકે કામગીરી. ખેરાણામાં શિક્ષક તરીકે જોડાયા અને લેખનની શરૂઆત.

૧૯૭૬              = ‘નિયતિ’ નવલકથાને ગુજરાત સરકારનું દ્વિતિય પારિતોષિક.

૧૨-૦૮-૧૯૭૭ = સવિતાબેનનું અવસાન.

૧૯૮૪          = ‘આંસુભીનો ઉજાસ’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ.

૧૯૮૫- ૧૯૮૬-૧૯૮૮-૧૯૯૦-૧૯૯૧-૧૯૯૬-૧૯૯૯-૨૦૦૦-૨૦૦૧-૨૦૦૨       = આ વરસો દરમિયાન કોઇને કોઇ પારિતિષિક.. સુવર્ણચ‍દ્રક.. સન્માન.. સ્ટેટ્સમેન એવોર્ડ વગેરે આખરે ૧૯-૧૧-૨૦૦૨ ના રોજ ફેફસાંના કેન્સરનું નિદાન અને

૧૬-૦૭-૨૦૦૩ નાં રોજ આપણા આ ધરતીનું ધાવણ પીને ઊછરેલા સાહિત્યકારની ચિર વિદાય.

પુસ્તકના છેવાડેનાં (કવર પેજ પર) છે કે –

એમનો યુગ ગોર્કી, મન્ટો, પ્રેમચંદનો યુગ હતો.દિલીપભાઈ એ ત્રણેયના અર્કરૂપ બની રહ્યા પણ પોતાના આગવા વિશેષ સાથે. ૪૧ જેટલી નવલકથાઓ અને અન્ય લેખન મળીને ૯૦ પુસ્તક આપ્યા.

દિલીપ રાણપુરાની કેફિયત અને ટી.વી. મુલાકાતમાંથી અંશો–

* (એક રેલ ઘટના) .. સામેની પાટલી પર એક ગ્રામીણ દંપતી તેમના સંતાનો સાથે બેઠું હતું. આઠ-દસ મહિનાનો છોકરો રડતા, મહિલા તેના કમખાને ઊંચો કરી છોકરાને છાતીએ વળગાડે છે. તેની ભરાવદાર છાતી સામે હું જોઇ રહું છું. એકાએક મારી અને મહિલાની આંખો મળી જાય છે. હું બારી બહારન વગડાને જોવા લાગું છું. કોણ જાણે મને એકાએક મારૂં બાળપણ યાદ આવી જાય છે. પાટીમાં દોરાયેલી ફૂલપરીની સાથે સાથે મારા ભાભી સાંભરી જાય છે. ને પછી યાદ આવે છે મારી બા…. થાય છે આ મહિલાનાં ખોળામાં સૂતાં સૂતાં સ્તનપાન કરતાં બાળકની જેમ હું પણ એક વખત આ રીતે મારી બાના ખોળામાં સૂતો સૂતો  સ્તનપાન કરતો હોઇશ …. ઢોળાવ વાળા રસ્તાના કારણે ડબ્બાના હલબલાટને લીધે તેની છાતી ઝૂલતી હતી….. સ્ટેશન આવ્યુ ત્યારે તેણે પેલા સૌથી નાના બાળકને કાંખમાં સહેજ ઊંચે ચડાવ્યો ત્યારે તેની ડૂંટી પણ હું જોઇ શક્યો,,, ને એ વખતે વિચાર આવ્યો: આ ડૂંટી સાથે નાળ જોડાયેલી હોય છે એવું કહેવામાં આવે છે.મારી નાળ પણ મારી બાના સગર્ભાવસ્થાના દિવસોમાં તેની ડૂંટી સાથે જોડાયેલી હશે…

* પૂછવાનું મન થાય કે :

શિક્ષણ પહેલું કે પાણી પહેલું?

અને એટલે જ એક બીજો સવાલ પણ

પૂછવાનું મન થાય કે,

જીવન પહેલું કે કલા પહેલી?

* કથાલેખક માટે કોઇનાઅવસાનને બહાનું બનાવવું એપણ એક ગુનાઈત નિર્મમતા છે એમ માનવા છતાં વાચકોને યથાર્થમાં કેટલીક ક્રૂરતા અને કઠોરતા હોય છે તેનો ખ્યાલ આપવા નિર્મમ બનવું પડે છે.

* ૧૯૭૨-૭૪ ત્રણ દુકાળ, ત્રીજા દુકાળ વખતે એક ટ્રસ્ટ,પત્રકારો અને કપડાં-અનાજ,દવા ભરેલી એક ગાડીને એક ડૉક્ટર સાથે સાયલા તાલુકાના ઓવનગઢ ગામમાં, એક ઓસરીમાં વીસ-બાવીસ વર્ષની કંતાઈ ગયેલા દેહવાળી એક યુવતી તેની અઢી-ત્રણ વર્ષની પુત્રી સાથે બેઠી છે. થોડા પ્રશ્નોત્તર પછી યુવતીને આગ્રહ કરતાં કહ્યું :અમે દેવા આવ્યા છીએ. તું બધી વાતની ના કહે છે. તો તારે જોઇએ છે શું?

“મારે મે જોઇએ છે!” બધા સ્તબ્ધ. મેં પુછ્યુ :મે શા સારુ જોઇએ છે?

” આ મારી દિકરી દિવાળી, દિવાળીને દિ’ જલમી છે. અધી વરસની થઈ. અમે મેની વાત કરીયે છીએ     ત્યારે ઈ પૂછે છે :મા,કે’ને. મે કેવો હોય? એ મે જોયા વગર મરી જશે તો અમારે મે થશે તોય દુકાળ રે’શે..” (આ પ્રસંગ કંઇક અલગ રીતે એમણે આંસુભીનો ઉજાસમાં આલેખ્યો છે.)

*  હું લખું છું. સંવાદની ભાષા મારે ગોઠવવી નથી પડતી. એક વખત લખાયા પછી સુધારવાની આવશ્યકતા પણ નથી લાગતી. કલમમાંથી કાગળ પર લખાયું તે જ અખબાર, સામયિક કે પુસ્તકમાં છપાયું છે. આમાં મારી બડાઈ નથી. મારો પ્રમાદ છે ને તે મને ગમે છે.

* આ તે વરસાદ છે કે મું રોખી દુખિયારીનાં આંહુડાં !

* સૂરજ બધે તપે છે.. પણ તાપ તાસીર પ્રમાણે લાગે છે.

* મારી આઠ વર્ષની ઉંમરથી વાર્તા વાંચવાનું શરૂ કરેલ. હું જે સ્કૂલમાં ભણતો તેની બાજુમાં લાઈબ્રેરી. ગુલ્લી મારી લાઈબ્રેરીમાં ચિત્રો ચોરવા જતો. ચિત્ર ચોરવા રાહ જોવી પડતી.કોઇની નજર ન જાય અને એ રાહ જોવાનો સમય હું વાંચવામાં કાઢતો. આમ કરતા વાંચવાની ટેવ પડી ગઈ.

* હું કાયમ વિવેચકો માટે આગળ વિદ્વાન લખું છું. વિદ્વાન એટલા માટે કે વિદ્વાન પાસે મનવીય સ્પર્શ નથી હોતો.

દિલીપ રાણપુરાની નવલકથાઓમાંથી –

‘સૂકી ધરતી, સૂકા હોઠ’

* આઠ આઠ મહિના સુધી વિરહની આગમાં સળગતી ધરતીને પોતાની હેતવર્ષાથી શાંત કરવા અચૂક આવતો મેઘ. ધરતીની ધીરજ, એની શ્રધ્ધાને એ કદી ડગવા દેતો નથી.

પોતે…. પોતે  પણ  મેઘ જરૂર બની શકે એમ છે. પણ ધરતી ક્યાં? આઠ આઠ મહિના સુધી પ્રિયતમની પ્રતિક્ષામાં ઝૂરતી ધરતી ક્યાં? જ્યાં ધરતી ન હોય ત્યાં મેઘ બિચારો શું કરે ? એ વરસે ક્યાં? અને ન વરસે તો હેતના ઊભરા ભીતર ને ભીતરમાં સમાઈ જાય. ભીતર સમાયેલા એ ઊભરા મેઘને ભાંગી નાંખે,પાગલ કરી દે ….

* ત્યાં ફકત ચોરી છે, પેટ ભરવા માટે ચોરી, એ લોકો કહેત નથી કે અમે શાહુકાર છીએ, ત્યાં વાસના છે, જાતીયવૃતિ સંતોષવા માટે .. ત્યાં દંભ નથી લોકોના કલ્યાણ માટે અમે કામ કરીએ છીએ એવી વાચાળ ડંફાશ નથી. એમનું જીવન ઉઘાડી કિતાબ જેવું છે. માનસિક ત્રાસ આપવાની કળા એમનામાં નથી. એ સીધા ઘામાં માને છે….

* કેવી વેવલાશ છે આ હિન્દુ ધર્મની! બહેનને ખબર નથી હોતી કે એના ભાઈને આ રક્ષાની કોડીની ય કિંમત નથી!

# ‘આંસુભીનો ઉજાસ’

*  “જમીન કઠણ નીકળી લાગે છે”

“જમીન કઠણ નથી અમારા કરમ કઠણ છે”

“એમ કેમ બોલો છો?”

”ભોં તો માં છે, ઇ કઠણ ન હોય.”

# ‘મીરાંની મહેક’

– આપણે ગરીબ હોઇશું; પણ કંગાળ તો નથી ને!

– મૃત્યુની એક ક્ષણ આપણી વચ્ચે જન્માંતરોનું અંતર પાડી દેશે!

# ‘આ કાંઠે તરસ

ડેફની દુ મોરિયરની ‘રીબેકા’ ની જેમ એક એવું પાત્ર ધરાવે છે જે કથાની રંગભૂમિ પર કદી પ્રત્યક્ષ થતું નથી. પરંતુ નેપથ્યે રહીને પણ કથાની ગતિવિધિ પર, કથાનાયિકાના સમગ્ર વ્યવહાર પર છવાઈ જાય છે. ગુજરાતી નવલકથાઓમાં આવું અન્ય ઉદાહરણ ભાગ્યે જ હશે. = યશવંત મહેતા

એ કહેતો હતો, બા, લગ્ન હું નહિં જ કરી શકું.. મારા ચિત્તમાં એક ભાવના રોપાઈ ગઈ છે કે સ્ત્રી પર પુરુષ બળાત્કાર જ કરી શકે..પછી એ પ્રેમના નમે હોય, પત્નીના નાતે હોય , લાચારીન લાભે હોય

# ‘ભીંસ’

* આપણે ભારતીયો આંખમાં ધૂળ નાંખતાં તો નાનપણથી શીખી ગયા હોઇએ છીએ

* સભ્યતાના શિષ્ટાચારનો અતિરેક માનવીને દંભી બનાવે છે. માનવીના અસલી ચહેરા પર આવરણ બની જાય છે.

* જંગલી સંસ્કૃતિમાં પણ નિખાલસતા હોય છે.

* સારી રીતે બોલવું અને સાચી રીતે બોલવું એમાં ફેર છે.

~ અમૃતબિંદુ ~

મેં મૃત્યુને પ્રાર્થના કરી છે : મને હાથ પકડીને કોઇ બાથરૂમ સુધી લઈ જાય એ પહેલાં તું મને બાવડું પકડીને મને તારી પાસે ખેંચી લેજે. … કોઇના આધારે મારે એક પળ પણ જીવવું પડે તે પહેલાં તારી પાસે બોલાવી લેજે…

દિલીપ રાણપુરા

Advertisements

14 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના, સમાજ, સાહિત્ય

14 responses to “ધરતીનું ધાવણ ધાવેલા દિલીપ રાણપુરા

 1. hirenantani

  અમદાવાદ જનસત્તામાં હું નોકરી કરતો હતો ત્યારે દિલીપભાઇને અનેક વખત રૂબરૂ મળવાનું બન્યું છે. બહુ મોટા ગજાના લેખક છતાં એમને કોઇ જાતનું અભિમાન નહીં, કોઇ આડંબર નહીં. મોટાભાગે સાદો ઝભ્ભો પહેર્યો હોય અને ખભે થેલો લટકાવેલો હોય. અમારા જેવા નવા સવા પત્રકાર સાથે પણ એટલી વિનમ્રતાથી વાતો કરે કે અમને અચંબા જેવું લાગે.
  એ વખતે દર સપ્તાહે તેમની એક કોલમ ફુવારેથી ફરિયાદ જનસત્તામાં આવતી હતી. દરેક છાપાંમાં ગાંધીનગર બીટનું કવરેજ કરવાની પત્રકારોમાં હોડ લાગતી હોય છે. પણ, દિલીપભાઇ જેવું ગાંધીનગરનું સંવેદનશીલ કવરેજ કરવાનું કોઇનું ગજું નહીં. ગાંધીનગરમાં સમગ્ર રાજયમાંથી અદના લોકો પોતપોતાની રજૂઆત લઇને આવતા હોય. બધાને સચિવાલયમાં કે પ્રધાનોની ચેમ્બરમાં જવા ના મળે. નજીકના સર્કલ પર જ તેઓ દિવસોના દિવસો સુધી ડેરાતંબુ બાંધીને બેસે અને ન્યાયની આશા રાખતા રહે. દિલીપભાઇ આ બધા અરજદારોને મળે અને તેમની પાસેથી વિગતો મેળવીને બહુ હૃદયસ્પર્શી ભાષામાં રજૂ કરે. દરઅઠવાડિયે એમની કોલમની બધા પત્રકારો પણ રાહ જોતા હોય.

 2. Narendra

  Thnx RA..for such a nice presentation of much nice person.
  I have not read him more but still remember him for heart touching wordings he has used.
  It is destiny’s cruel behaviour that such people face same conditions they represent for the people, orphaned for luxury.

 3. તેમના વાંચનની ઘણી યાદો તાજી કરાવી દીધી. ખુબ સરસ. બહુ સાચી વાત છે ઈન્ટરનેટ પર ઘણા બધા ગુજરાતી સાહિત્યકારોને ખાસ સ્થાન નથી મળ્યું દિલીપ રાણપુરા તેમના એક.

 4. ધરતીનું ધાવણ પીને ઊછરેલા મૂઠી ઉંચેરા સાહિત્યકારને સુંદર અંજલિ આપી.

 5. ‘..સર્જકતા માટે જરૂરી છે સંવેદના. ત્યાં દિમાગની સાથે સાથે દિલની પણ જરૂરત પડે છે.’ વાહ !
  શ્રી દિલીપ રાણપુરાના ચીત્રની અવેજીમાં સુંદર શબ્દચીત્ર દોર્યું.

 6. readsetu

  રજનીભાઇ, બહુ સરસ કામ કર્યું તમે..

  લતા હિરાણી

 7. સરસ પોસ્ટ (લેખ). રજનીભાઈ, આવા જ બીજા પોસ્ટ્સની અપેક્ષા રહે છે!

 8. krishna

  વાહ ખુબ મજા પડી આ વાંચીને…આભાર રજનીભાઇ હવે તો શ્રી દીલીપભાઇ ની નોવેલ વાંચવીજ રહિ જો લાયબ્રેરી મા મડે તો..:(

 9. ખજિત

  સૌ પ્રથમ તો ખૂબજ સરસ પોસ્ટ. અને મે મોડી વાંચી એ બદલનો અફસોસ પણ છે.
  દિલીપ રાણપુરા ના પુસ્તકોની ફરી યાદ આવી ગઇ.
  અમૃતબિંદુ પણ લાજવાબ.

 10. રજનીભાઈ,આ લેખ મજાનો લખ્યો છે. દિલીપ રાણપુરાની નવલકથાઓ ઉજાગરા કરીને પણ વાંચી છે.
  એ માણસને જરાય અભિમાન નહોતું. બારેક વર્ષો પહેલાંની વાત છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં હું શ્રોતા તરીકે ગયો હતો. એક મિત્રએ મને કહ્યું કે: દિલીપ રાણપુરા તમને મળવા માંગે છે. મને નવાઈ લાગી. આટલો મોટો લેખક મને કેવી રીતે ઓળખે!એટલી વારમાંતો તેઓ આવ્યા અને ખૂબ જ પ્રેમથી મળ્યા. મેં થોડીઘણી વાર્તાઓ લખેલી. જે તેમને ગમી હતી.
  મેં ભલભલા કવિઓ અને લેખકોને રીઢા રાજકારણીઓને મળવા માટે દોડતા જોયા છે! પણ એકઅજાણ્યા વાર્તાકારને સામેથી મળવાની ભાવના દાખવનાર તો રાણપુરા જેવા કોઈક જ હોય! આવી રીતે ફક્ત એક જ વખત એમને મળવાનું બન્યું હતું.
  આજે તમે મારા મનની વાત કહેવાનો મોકો આપ્યો તેથી તમારો આભાર માનું છું.
  તમારી પાસેથી આવા લેખોની વધારે માંગણી થાય તે પણ સ્વાભાવિક જ છે.

 11. ભાઈ શ્રી રજનીભાઈ,
  પ્રથમ તો મુ.દિલીપભાઈ રાણપરાનો સાલવાર સુંદર પરિચય
  આપવા બદલ ખુબ આભાર . નવી પેઢીને તેમના વ્યક્તિત્વનો
  ખ્યાલ આવે અને વિશેષ તેમનું વચન કરે.
  ખુબ ખુબ અભિનંદન.

 12. વર્ષો પહેલા ગુજરાત મિત્રમાં દર રવિવારે દિલીપ રાણપુરાની “મીરાંની રહી મહેક” ધારાવાહિકરૂપે પ્રકાશિત થયેલી ત્યારે મને દિલીપભાઈની કલમનો પહેલો પરિચય થયેલો. ત્યાર પછી અન્ય ઘણી નવલકથાઓ વાંચવાનો મોકો મળેલો. રજનીભાઈ તમે આ પોસ્ટ દ્વારા તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ઉત્તમ કક્ષાની પોસ્ટ માટે અભિનંદન.

 13. અનીશ પટેલ

  ગુજરાતી સાહિત્યમાં મારું જ્ઞાન ખુબ જ ઓછુ છે, મને ખરેખર દિલીપભાઈ વિષે જ જાણ જ નહોતી. હવે તમે આટલો સરસ પરિચય આપ્યો છે તો આ વખતની પુસ્તકાલયની મુલાકાતમાં દિલીપભાઈની નવલકથાઓ ઉપાડી લાવીશ.
  સરસ પોસ્ટ અને માહિતી….

 14. સાહિત્યકારોને અંજલી આપવા તેમની યાદમાં સ્મારકો ચણાતા નથી, અને રોડના નામ તો રાજકારણીઓએ છોડ્યા નથી, પણ સાહિત્યકારોનાં સર્જનો તેમના પ્રદાનની છડી પોકારતા હોય છે.

  આવામાં લોકો હવે એમને એમના સર્જનો દ્વારા પણ યાદ રાખી શકે તો ઘણું મોટું કામ થશે, એ રીતે આપે શ્રી દિલીપભાઈની સર્જનયાત્રા અને તેના અંશો ટૂંકાણમાં પણ ખૂબ અસરકારક રીતે મૂક્યા, ઘણાંય આ વાંચીને તેમના સર્જનો વાંચવા પ્રેરાશે એવી આશા છે. ખરેખર અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s