વ્હાલથી વઢતા વાલીનો વિદ્યાર્થીને વિનંતિ પત્ર


પ્રિય વિદ્યાર્થી,

કદાચ શિર્ષક વાંચીને  જ તારું દિમાગ (વધુ એકવાર ) ભમી ગયું હશે કે વાલીઓ પાસે આ  એક જ કામ છે? – અમને વઢવાનું?અને એ પણ વ્હાલના નામે?! પણ દોસ્ત તને એ કદાચ ત્યારે સમજાશે જ્યારે તું વાલી બનીશ. પરીક્ષા કે પરિણામ નજીક આવે એમ એમ છાપા-ટીવીમાં સારા માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓના સમાચાર સાથે એ લોકોના આપઘાતના સમાચાર પણ ચર્ચાતા રહે છે.

કમનસીબી પણ જો કે આ પત્ર એ લોકોને ઉદ્દેશીને લખું છું જે કદાચ આત્મહત્યા કરવા એટલો જલ્દીમાં હોય છે કે એ આવું વાંચવા-વિચારવા-સમજવા માટે થોડી મિનિટ પણ ફાળવી શક્તો નથી! મારા દોસ્ત તું શા માટે આવું અવિચારી પગલું ભરે છે ? દિકરા તને શું તારા માં-બાપ અને શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે એટલો બધો ગુસ્સો અને નફરત છે કે તું અમુક વસ્તું અને વાત એટલી ગણીને ગાંઠે બાંધી લે છે કે એ લોકોએ તારા પ્રત્યે બજાવેલી દાખવેલી સારી સારી વાતોને ભૂલી જઈને અમુક ખોટી અને એ પણ તેઓએ મજબુરી કે આવેશમાં કહેલી વાતોને પકડીને દોરડું પકડીને કે ઝેર ખાઈને એ લોકોનું જીવતર ધૂળ-ધાણી કરવા પર આવી ગયો છો? અરે! તારે આક્રોશ જ પ્રગટ કરવો છે ને? તો તું એ લોકો તારા વિશે જે જે નેગેટીવ વાતો કરે છે એને પોઝીટીવમાં ફેરવી બતાવ ને ? એમની નાની નાની વાતો જે તને તો  મેરું પર્વત જેવી મોટી લાગતી હશે એવી વાતોનો બદલો આ રીતે લેવાનો કે તેઓ તારા ગયા બાદ જિંદગીભર ખુદને માફ ન કરી શકે  ? ! ? તને ખબર છે?  તેઓનું ચાલે તો તેઓ પણ તારા ગયા બાદ આપઘાત કરીને જીવ આપી દે પણ દિકરા જીવ દેવો કરતા જીવવું વધું અઘરૂં હોય છે એ તને કેમ સમજાવું? અને એ જીવ ન દેવા પાછળ તેઓ પાછળ રહેલી કેટલીયે જિંદગીનો વિચાર કરીને અટકી જતા હોય છે પણ તને ખબર છે એ જીવવું એટલે પ્રતિપળ મરવું… આમ તો જીવન જરૂરી બધી ક્રિયાઓ કરે છે… સુતા-જાગતા-ખાતા-પીતા-રડતા અને હસતા બધી જ ક્ષણોમાં તું જ સમાયેલો  હોય છે દિકરા.. તને શું ખબર કે તેઓ પર શું વિતતું હશે?

મને આ બધી વાતનો અહેસાસ છે, પોતાના સંતાનને પોતાના હાથે અગ્નિદાહ દિધો છે. મારા દિકરા… જે દિકરાને કાંટો વાગે.. ફટાકડા ફોડતા અગર બત્તી  અડી જાય  કે નવડાવવા માટે લીધેલું ગરમ પાણી જો એના કોમળ અંગને અડી જાય તો પણ ટીસ ઉઠી જાય એ બાપ પોતાના જ  સવા બે વરસના સંતાનને અગ્નિદાહ કેવી રીતે આપતો હશે એ મારા જેવા કોઇ અભાગિયા બાપ ને પુછ તો એ પણ ન  કહી શકે…. માત્ર એની આંખ અને રડતું હૈયુ જ જવાબ આપી દેશે…

પણ જે મા-બાપનાં સંતાને આપઘાત કરીને એને આડકતરી રીતે સજા આપી હોય એના હૈયાની વ્યથા તો હું પણ કલ્પી નથી શકતો. અરે તારા મા-બાપને તું એટલો પણ હક્ક નથી આપી શકતો કે તને થોડા માર્ક્સ માટે વઢી શકે? આમ કહેવાથી હું માં-બાપને વઢવા/મારવાની છુટ નથી દેતો પણ દિકરા થોડો તો વિચાર કર! કોઇ ફિલ્મોમાં બતાવે , કોઇ સ્ટોરી કે આર્ટીકલ્સ લખીને કે કોઇ ટીવીની ચર્ચામાં મા-બાપ અને શિક્ષણને ગાળો ભાંડે ,ગણી ગણીને એના નેગેટીવ પોઇન્ટસ તારી સામે મૂકે એટલે તું તારા માં-બાપ સામે વિદ્રોહ કરવા તૈયાર થઈ જા?

તારા જેવા અણસમજુ બાળકો/યુવાનો ને બહેકાવાનો એમનો તો ધંધો છે , એ તો એમાંથી પૈસા ખંખેરે છે પણ તને તારા મા-બાપનાં જીવતરમાં થી ખુશીયા ખંખેરીને વિરાન કરતા કેમ જીવ હાલે બચ્ચા?  અને માનીલે કે તારા માં-બાપ , શિક્ષક , સગા-વ્હાલા અને સમાજ ખરાબ છે પણ એકવાર તારા  મિત્રોનો તો વિચાર કર , તારા નાના ભાઈ-બહેન નો અને ખુદ તું? તારો તો વિચાર કર.. તું જાન દઈ દેવાની બદલે એવું કેમ નથી કરતો કે હું મોટો થઈને મારા સંતાનોને આ માર્ક્સ/ટકાવારીની ચુંગાલમાંથી બચાવી અને એને ભાર વગરનું ભણતર આપીને આ બધા “ખરાબ” તત્વોને પાઠ ભણાવે.

લી. એક વાલી.

~ . . . ~

દરેક વાલી ત્થા વિદ્યાર્થી જો એકવાર એ માં-બાપને મળી આવે જેઓના સંતાને આપઘાત કર્યો છે, તો કદાચ સંતાનોને ખોવા નહી પડે

11 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના

11 responses to “વ્હાલથી વઢતા વાલીનો વિદ્યાર્થીને વિનંતિ પત્ર

 1. કાશ. બધા વાલીઓ આ પોસ્ટ વાંચે…

 2. હું દશમાં ધોરણની પ્રિલિમ પરિક્ષામાં પાંચમાં નાપાસ થયો હતો. મેં ત્યારે મારી માર્કશીટ કૂવામાં નાખી દીધી હતી આ વાતની ઘરે ખબર પડતા મારા પાંચ વિષયના ટ્યુશન રાખી દીધા હતા અને દશમાં ની વાર્શિક પરિક્ષામાં (બોર્ડ) મારા ૫૩.૨૯ ટકા આવ્યા હતા.

  જય હો….

 3. સંતાનો પાસે એમની શક્તિથી વધારે અપેક્ષા ન રાખવી જોઈએ એ વાલીઓએ સમજવાની જરૂર છે. અને પરીક્ષામાં નાપાસ થવાથી કંઈ જિંદગીનો અંત નથી આવી જતો એ વિદ્યાર્થીઓએ સમજવાની જરૂર છે. વાલીઓએ સતત પોતાના સંતાનને કહેતા રહેવાનું છે કે “પરીક્ષામાં ઝીરો માર્કસ આવે તો પણ જરા ગભરાઈશ નહીં. અમે તારી સાથે જ છીએ.”

 4. બાળકો/સ્ટુડન્ટ નું શુ યોગ્ય છે તે તેમને નક્કી કરવા દેવું જોઇએ.તેમની રુચિ યોગ્ય હોય છે.દબાણ આપી વાલીઓ જે કરાવે છે તેમાં બરકત આવતી નથી.

 5. એકલા વાલીઓ,એકલા સંતાનો કે એકલા શિક્ષકો નો વાંક હોતો નથી.કોઈ જગ્યાએ શિક્ષક કે કોઈ જગ્યાએ વાલીકે કોઈ જગ્યાએ વિદ્યાર્થી નો પણ વાંક હોઈ શકે અથવા બધાનો સરવાળો પણ હોઈ શકે.સંતાનો ઘણીવાર માબાપ ને સાચી વાત કહી નથી શકતા,એમનો કડપ જ એટલો બધો હોય કે સંતાન ગભરાઈ જાય. આ પત્ર એવા અતિ કડક માબાપે નથી લખેલો.મારા ઘર નો સત્ય દાખલો.મારા નાનાભાઈ ને ૧૦ માં ટકા ઓછા આવેલા.તો શિક્ષક પોતે એને સામાન્ય ગણિત રાખવા દબાણ કરે ને આણે હાયર મેથ્સ રાખેલું.રોજ સ્કુલ માં પેલા શિક્ષક મારા ભાઈ નું અપમાન અને અવહેલના કરે ને કટાક્ષ કરી હંસી ઉડાવે.એક દિવસ ભાઈ છાનોમાનો હાયર મેથ્સ ના પુસ્તકો લઇ વેચીદેવા બહાર નીકળ્યો ને સદભાગ્યે મારા પિતાશ્રીના હાથે પકડાઈ ગયો.સાચીવાત કહી દેતા પિતાશ્રીએ ટ્યુશન રાખવી દીધુને એણે સારા માર્ક્સ લાવી બતાવી દીધું.મારા ભાઈ નું ભવિષ્ય મુર્ખ શિક્ષક રોળી નાખત.પણ પિતાજીએ બચાવી લીધું.આજે મારા એ ભાઈ એમ.એસ.સી(ફીજીક્સ)અને બી.ઈ.(સિવિલ)એમ બંને ડીગ્રી મેળવીને જામનગર માં એન્જીનીયર તરીકે કામ કરે છે.પત્ર આપનો સરસ છે.એક પત્ર વિદ્યાર્થીને હાથે ને એક પત્ર શિક્ષક ને હાથે પણ લખીને મુકો.કારણ આપ વાલીઓના મનોભાવો સરસ રીતે દર્શાવી શકો છો તો વિદ્યાર્થીઓના પણ દર્શાવી શકશો.આપજ ન્યાય આપી શકશો.ધન્યવાદ.

 6. arvind adalja

  ભાઈશ્રી
  આપની રજુઆત ખૂબજ સુંદર અને ઋદયસ્પર્શી રહી.પરંતુ આજના મોટા ભાગના મા-બાપ બાળકો પાસેથી ખૂબજ મોટી અપેક્ષા રાખતા થયા હોવાના મૂળમાં મા-બાપની પોતાની આકાંક્ષા પૂરી કરવા તેને સાધન સમજી સમાજમાં પોતાનો મોભો વધારવાની જે માનસિકતા દિન-પ્રતિ-દિન વધી રહી છે મારા મતે બાળકને આવી આત્મહત્યા તરફ દોરી જવા માટેનું મજબૂત કારણ છે. બાળકની શક્તિ તેની વિષય તરફની અભિરૂચીને લક્ષ્યમાં લીધા સિવાય એક ટૂલ તરીકે સમજી તેનો ઉપયોગ થવા લાગ્યો છે અને તેમાં અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરાવવાનો દૂરાગ્રહ બાળકને વધારે પરેશાન અને મૂંઝવે છે. તે કોઈ સમક્ષ પોતાની મૂઝવણ વ્યકત કરી હળવો થઈ શક્તો નથી અને પરિણામે સતત તનાવ અનુભવે છે અને હતાશ થઈ આવા અંતિમકક્ષાનું પગલું ભરી બેસે છે. આપે બાળકને સંબોધીને પત્ર લખ્યો તેવો જ વાલીઓને તથા શિક્ષકોને સંબોધી પણ લખો. મારા મતે તો વાલીઓએ આ વિષે ઊંડુ મનોમંથન કરવાની જરૂરિયાત છે. મારા બ્લોગ ઉપર મેં બાળપણ આશીર્વાદ કે અભિશાપ અને શિક્ષણનું માધ્યમ માતૃભાષા વિષે મારાં વિચારો મૂકેલા છે આપની અનુકૂળતાએ મુલાકાત લેવા વિનંતિ અને આપના પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! અસ્તુ !
  ચાલો આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

 7. readsetu

  તમારો પત્ર અત્યંત હૃદયસ્પર્શી છે અને અનુભુતિની સચ્ચાઇ એમાં ઝળકે છે. તમારી વાત સાવ સાચી છે. આખરે મા-બાપ પોતાના સંતાનના ભલા માટે જ, ભલે પોતાને જે યોગ્ય લાગે એ, કરતા હોય છે ને ! આમાં દરેક પક્ષે કંઇક ચુક, કંઇક અતિ થઇ જાય પણ મહામુલી જિંદગીના ભોગે કશું નથી. અને એક બાળક / વિદ્યાર્થી આપઘાતના રસ્તે જાય પછી એની પીડા, એની સજા મા બાપ આખી જિંદગી ભોગવે છે, જે ખરેખર કદી ન થવું જોઇએ.

  મારું સજેશન છે, આ પત્ર તમે ન્યુઝ પેપરમાં જરુર મોકલો. ખુબ અપીલીંગ છે. અને આવેશમાં ખોટું પગલું લેતા એકાદ વિદ્યાર્થીને રોકે તો યે ઘણું કામ થઇ ગયું. આ પત્ર લઇ મા – બાપ પણ પોતાના બાળકને સમજાવી શકે. હું તો લેખક છું. આવું લખી જ શકું, પણ મૂળે આ વિચાર તમારો છે અને તમારા પોતાના અનુભવની પીડા છે એટલે જરુર મોકલો. આ સમય છે આ વાત કહેવાનો. તમને મારી વિનંતિ છે .

  ભઇલા, ક્યાંય મને તમારું નામ ન મળ્યું. જરા કહેશો ? મને એ વાંચીને ખુબ આનંદ થયો કે તમારી અને મારા દીકરાની જન્મ તારીખ એક જ છે. એ 1975માં જન્મ્યો છે એટલું જ..

  ખુશ રહો અને આવું સરસ કામ કરતા રહો..

  લતા હિરાણી

 8. Narendra

  Rajnibhai, you have put forth a perfect picture and shown a nice way out too, kudos.

 9. divyesh vyas

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 10. @Rajniji!
  its a burning issue considering recent scenario!
  hope all parents n students wl be aware ….

  Really heart touching post!
  As a mother, i felt ache feeling how tough it can be for a father-mother to witness their child’s death!

 11. વાલીઓ પોતાના અધૂરા સ્વપ્નાઓ પુરા કરવા બાળકની મરજી વિરુદ્ધ તેની પાસે જુદા જુદા કર્યો કરાવે છે એ વાત સો ટકા સાચી પણ ક્યારેક બાળકો પણ ખોટી જીદ કરતા હોય છે એની ના નહિ..
  આટલા બધા રીયાલીટી શો આવે છે, ગાવાના. એમાં કેટલાક લોકો બિલકુલ બેસુરા હોય છે. હવે જો બાળકો આવી જીદ પકડીને બેસે તો ભવિષ્યમાં ખાવા-પીવાના પણ ફાંફા પડી જાય ને?
  અત્યારે મને લાગે છે કે જે છોકરાઓને ભણવાનો કંટાળો આવે છે એ લોકો જ આવી વાતોને વધારે હવા આપી રહ્યા છે..
  અને બધા કહી રહ્યા છે કે શિક્ષણ પધ્ધતિમાં ફેરફારની જરૂર છે, પણ શું ફેરફાર કરવો જોઈએ એ સવાલનો જવાબ શોધવો મુશ્કેલ છે… મુશ્કેલીઓ છે એની વાતો સાથે એના ઉકેલની વાતો પણ કરવી જોઈએ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s