ચંદ્રકાન્ત બક્ષીએ કૉલમની શરૂઆત મહોમ્મદ માંકડની સલાહથી કરી હતી જેમાં ‘મૂડગુલાબી’ નામની કૉલમ અને એમાં લેખનું ટાઇટલ ‘પિકનિક’ રાખ્યું હતું એવું કંઇક યાદ છે. યાદ-દાસ્તના સહારે લખતો હોવાથી માહિતી દોષના ભરપુર ચાન્સ છે- તો સુધરાવજો પ્લીઝ . હા, તો ત્યારબાદ માંકડ સાહેબે ઉલ્ટા પુલ્ટા કરીને કૉલમનું નામ ‘પિકનિક’ અને લેખનું નામ ‘મૂડ ગુલાબી’ કરી નાંખ્યુ હતું ! પરંતુ આ પોસ્ટ નથી બક્ષીબાબુ પર કે નથી કૉલમ, સાહિત્ય પર પણ આ તો કાલે અમારો કસક સ્કૂલ દ્વારા પિકનિક પર ગયો અને એનો મૂડ ગુલાબી ગુલાબી જોયો હતો એટલે બંધ બેસતુ ઠોકી દિધુ!
હા, તો અમારા કસક બાબુ આજે પિકનિક પર છે, ગઈકાલે રાત્રે 10 વાગ્યે ગયો અને આજે રાત્રે 10-11 રિટર્ન આવશે. રૂપિયા છે 1100 (અંકે પૂરા એક હજાર અને એક સો LoL) . આ ચાર્જમાં ત્રણ ટાઇમ ખાવાનું (બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર) તેમજ સ્લીપીંગ કૉચનું ભાડાંનો સમાવેશ છે. સ્થળની વાત કરીયે તો નળ સરોવર, ગાંધીનગરનો ઇન્દ્રોડા પાર્ક અને અમદાવાદનું સાયન્સ સીટી તેમજ કાંકરિયા ઝુ. (અમે ઑલરેડી આ બધુ એને ત્રણ વરસ પહેલા બતાવી ચૂક્યા છીએ) એ ભાઈતો “ખુચી” થતાં થતાં બસમાં ચડી ગયા પણ બસ ઉપડી એટલે એની માંની આંખમાંથી દડ દડ આંસુડા પડવા લાગ્યા! મેં કહ્યુ અરે ગાંડી, આપણે એને પિકનિકમાં મોકલ્યો છે, “તારે ઝમીં પર”ની જેમ કંઇ હૉસ્ટેલમાં થોડો મોકલ્યો છે? પણ જયશ્રીનું કહેવું કે આખી રાત છોકરો જાગશે, સવારે એની દૈનિક ક્રિયાઓ પતાવવામાં કોણ મદદ કરશે ? પિકનિક દરમ્યાન બરાબર ખાશે કે નહી …. આવા અનેક સવાલોના જવાબ મારા પાસે ન હતાં કેમ કે એ સવાલ એક માં ના હતા ને?
બીજી એક વાત કે આ પહેલા ગયા વરસે પણ એકવાર કસક અહિં કચ્છમાં આવેલ કાળો ડુંગર જઈ આવ્યો છે પણ એ તો વહેલી સવારે નીકળ્યા હતાં ને રાત્રે પરત આવી ગયેલ. અને એ વખતે અમને જે વાતો જાણવા મળી એનાથી ખ્યાલ આવે છે કે સગવડતા સાચવવા ના બહાને માં-બાપ એમના સંતાનોને અજાણતા કેવા બગાડતા હોય છે? જેમ કે 10-12 વરસની ઉંમરના બાળકોને મોબાઇલ, એમથ્રી પ્લેયર, કેમેરા અને ચોકલેટ્સની રીતસરની થેલીઓ આપે! તેઓ કેમ નહી સમજતાં હોય કે આ બધી વસ્તુઓથી એમનો પિકનિક નો મુખ્ય ઉદ્દેશ તો માર્યો જ જાય ને?
આજે તો આટલું બસ બાકી હવે પછીના થોડા દિવસો અમારે (પિકનિકની વાતોના માટે) ગુડ લીસનર નો રોલ પ્લે કરવાનો આવશે ને?









